વ્યંગ દ્વારા ઉભા થતાં રાજકીય સંભાષણ વિનાની લોકશાહી કેવી? પણ, ભારતની એક મોટી વિડંબના એ છે કે વ્યંગ કોઈને પચતો નથી, ભલેને કહેવા માટે આપણે લોકશાહી દેશ છીએ! પાછલાં થોડા વર્ષો પર નજર નાખીએ તો વ્યંગ પ્રત્યેની રાજકીય અસહિષ્ણુતા વધતી દેખાય છે. કુનાલ કામરાએ એનો છેલ્લા કોમેડી શોનો વીડિયો યુટ્યુબ પર મુક્યો જેમાં એણે મહારાષ્ટ્રમાં થયેલી તડજોડની રાજનીતિ વિશે પણ વાત થઇ હતી. નામ લીધા વિના પણ એનું નિશાન સીધું એકનાથ શિંદે તરફ તકાયેલું હતું. બસ, શિવસેનાના કાર્યકર્તાઓ કાર્યક્રમના સ્થળની તોડફોડ કરવા પર ઉતારી આવ્યા. કુનાલ કામરા સાથે ફોન પર ગાળા-ગાળી પણ કરી અને એને ધમકી પણ આપી!
વ્યંગ અને વિનોદ હંમેશા રાજકીય વાત કરવાના અગત્યના સાધન રહ્યા છે. બિન લોકશાહી દેશોમાં પણ કાર્ટુન કળાની એક મહત્ત્વની ભૂમિકા છે. આ માધ્યમની મજા એ છે કે જે વાતમાં સહમતી ના હોય એ વાત હસતા હસતા કહી દેવાય. જે વ્યક્તિને સંબોધીને વાત થઈ હોય એ સાનમાં સમજી જાય, ખોટું પણ ના લગાડાય અને વાત પર હસી લેવું પડે. આટલી ખેલદિલી તો કેળવવી જ પડે. ચૂંટાયેલા નેતા હોવાના નાતે રાજકારણીઓ સતત લોકોની નજરમાં રહેવાના.
એટલે વ્યંગ પ્રત્યે સૌથી વધુ ખેલદિલી તેમણે કેળવવી જોઈએ. પણ, ના કરવાનું ઘણું કરી ચૂકેલા રાજકારણીઓને પોતાની સામે થતાં વ્યંગ તેમની સ્વાર્થી રાજનીતિને ઉઘાડા પાડનારા લાગે છે જે સહન કરવાની તૈયારી તેમની પાસે હોતી નથી. એમાંથી જન્મે છે અસહિષ્ણુતા. એમને ખબર હોય છે કે જે કામ તેઓ કરીને બેઠા છે તે નૈતિકતાની કસોટી પર કેમે કરીને પાર ઉતરવાના નથી. એટલે બળ કે કળનો ઉપયોગ કરી એ વિષયે વાત ડામી દો તો જ બચી શકાય! સત્તા પર હોય તો પોલીસ દ્વારા બળનો ઉપયોગ પણ થાય બાકી, ભાંગફોડ કરી ડર ફેલાવવા માટે ફૌજ તૈયાર હોય જ છે, જેનું કામ દાદાગીરી કરવાનું, તોડફોડ કરવાનું અને ધાકધમકીથી ભયનું વાતાવરણ ઊભું કરવાનું હોય છે.
ભારત દેશના બદનસીબે દરેક રાજકીય પક્ષ પાસે આવા ભાંગફોડિયા તત્ત્વો છે અને કોઈ પણ પક્ષમાં વ્યંગ સહન કરવાની સહિષ્ણુતા નથી. ૨૦૧૯માં મમતા બેનર્જી પર એક મિમ બનાવી ફેસબુક પર પોસ્ટ કરવા માટે ભા.જ.પ.ની કાર્યકર્તા પ્રિયંકા શર્માની પ.બંગાળ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૨૨માં છત્તીસગઢમાં કોંગ્રેસ પર વ્યંગ કરવા બદલ નીલેશ શર્મા નામના પત્રકાર અને વ્યંગકારની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૨૨માં મધ્યપ્રદેશમાં એક મિમિક્રી આર્ટીસ્ટની પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહની મિમિક્રી કરવા બદલ અને ૨૦૧૮માં તમિલનાડુના એક લોક સંગીતકારની મોદી સરકારની ટીપ્પણી કરતા ગીતો ગાવા બદલ ધરપકડ થઇ હતી. આ સિવાય પણ ઘણા કિસ્સાઓ છે જ્યાં મૌજૂદ સરકાર વિરુદ્ધ ટીપ્પણી કરવા બદલ ધરપકડ થઇ હોય.
કુનાલ કામરા રાજકીય કોમેડી માટે જાણીતો છે. આજના માહોલમાં પણ પોતાનો અભિપ્રાય ડર્યા વિના રજૂ કરે છે. નરેન્દ્ર મોદી સહિત ઘણાં મોટા કદના લોકો અંગે એણે વ્યંગ કર્યા છે, જે માટે ભૂતકાળમાં પણ ઘણા વિવાદ ઉભા થયા છે. આજે લગભગ બે ભાગમાં વહેંચાઈ ગયેલા જનમતમાં કોઈને એનો વ્યંગ ખૂબ ગમે અને કોઈને બિલકુલ ના ગમે એવું બને. એની વાત સાથે અસંમતિ હોઇ શકે. જેની સામે વ્યંગનું તીર તકાયુ હોય એ બદનક્ષીનો દાવો પણ માંડી શકે.
એ એમનો હક છે, પણ ગુંડા જઈને તોડફોડ કરે, ધાકધમકી આપે, કાયદાને હાથમાં લેવાને પોતાનો હક સમજે અને આવી હિંસક હરકતોને ઉચિત ઠેરવતા નિવેદનો કેમેરા સામે બેખોફ આપે એને શું કહીશું? એ પણ કોઈ રાજ્યના નાયબ મુખ્ય મંત્રીના સમર્થકોનો આવો ભાંગફોડિયો પ્રતિભાવ હોય તો કાયદો અને વ્યવસ્થા અંગે શું અપેક્ષા રાખવાની? આ તો ન્યાયતંત્રથી ઉપરવટ જઈ જેની લાઠી એની ભેંસના હિસાબે ન્યાય તોળવાની વાત છે! એની ઝપટે માત્ર વ્યંગ કલાકાર જ નહિ પણ કોઈ પણ કલા ચડી શકે છે. યાદ કરો, આમીર ખાનના વિરોધમાં ‘ફના’ ફિલ્મનો વિરોધ કે પછી ‘પદ્માવત’ ફિલ્મનાં વિરોધમાં થીયેટરમાં તોડફોડ કરવાની ધમકી.
આ બધા કરતા પણ વધુ ગંભીર છે લોકોની પ્રતિક્રિયા. મોટા વર્ગમાં એક સન્નાટો અને ક્યાંક છૂપો રાજીપો. જેની સાથે સંમત ના હો એની મારપીટ થતી હોય, કે એની સંપત્તિની ભાંગફોડ થતી હોય ત્યારે પળાતી ચુપ્પી જ તો ભાંગફોડીયા વૃત્તિને પાળી પોષીને મોટી કરે છે. આજના રાજકીય વાતાવરણમાં નહેરુ યાદ આવે છે. આજે ભલે તેમને ગમે તેટલા વગોવવામાં આવતા હોય, પણ રાજકીય મતભેદનું મહત્ત્વ તેઓ સમજતા અને એને આદર સાથે સ્વીકારતા હતા. જાણીતા કાર્ટુન કલાકાર શંકરને તેમણે કહ્યું હતું ‘શંકર, મને બક્ષતા નહી’. શંકરે કદાચ સૌથી વધારે કાર્ટુન નહેરુની નીતિઓની ટીકા કરતા જ બનાવ્યા હતા!
નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.