વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ બહુપક્ષીય કાનૂની લડાઈમાં ફસાઈ ગઈ છે, કારણ કે હિંદુઓ દાવો કરે છે કે અગાઉના વિશ્વેશ્વર મંદિરના મૂળ લિંગને મોગલ સમ્રાટ ઔરંગઝેબના સમયમાં ૧૬૬૦ના દાયકાના અંતમાં જ્ઞાનવાપી કૂવામાં છૂપાવવામાં આવ્યું હતું. હિંદુ અરજદારો હવે જ્યાં મસ્જિદ ઊભી છે તે પવિત્ર સ્થાન પર પૂજા માટે તેમનો ફરીથી દાવો કરવા માંગે છે, પરંતુ મુસ્લિમો મસ્જિદ પરિસરમાં નિયમિત નમાઝ અદા કરે છે. જ્ઞાનવાપી મસ્જિદ ૧૬૬૯ માં ઔરંગઝેબ દ્વારા ગંગાના કિનારે બાંધવામાં આવી હતી. કેટલાક ઇતિહાસકારોએ દાવો કર્યો છે કે તે આદિ વિશ્વેશ્વર મંદિરને તોડીને બાંધવામાં આવી હતી અને તેના કાટમાળનો ઉપયોગ મસ્જિદના નિર્માણ માટે કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે મસ્જિદનું નામ નજીકના કૂવાના નામ પરથી રાખવામાં આવ્યું હતું અને તેનો અર્થ ‘જ્ઞાનનો કૂવો’ થાય છે.
જ્ઞાનવાપી મસ્જિદની બાજુમાં મરાઠા સામ્રાજ્યની રાણી અહિલ્યાબાઈ હોલ્કર દ્વારા મસ્જિદ બન્યાનાં લગભગ ૧૦૦ વર્ષ પછી કાશી વિશ્વેશ્વર મંદિરનું નિર્માણ થયું હતું. અહિલ્યાબાઈ હોલકર વારાણસીમાં અન્ય કેટલાંક મંદિરો અને ઘાટો બાંધવા માટે પણ જાણીતાં છે. આ મંદિર હવે ભગવાન શિવના સૌથી પૂજનીય ૧૨ જ્યોતિર્લિંગ સ્થાનોમાંથી એક બની ગયું છે. તે ડિસેમ્બર ૨૦૨૧ માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા ભવ્ય કાશી વિશ્વનાથ કોરિડોરનો એક ભાગ છે. અયોધ્યામાં કારસેવકો દ્વારા બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી તેના ચૌદ મહિના પહેલાં અને ભારતની સંસદે પૂજાનાં સ્થળો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ, ૧૯૯૧ પસાર કર્યાના એક મહિના પછી પ્રાચીન સ્વયંભૂ જ્યોતિર્લિંગ વતી વારાણસીની સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
અરજીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી જમીનને પુનઃસંપાદિત કરીને તેની સોંપણી કાશી વિશ્વેશ્વર ભગવાનને સોંપવાની માગણી કરવામાં આવી હતી. ૧૯૯૧ના ટાઇટલ સૂટમાં અરજદારોએ દાવો કર્યો હતો કે જ્ઞાનવાપી મસ્જિદ બનાવવા માટે ભગવાન વિશ્વેશ્વરનું પ્રાચીન મંદિર આંશિક રીતે તોડી પાડવામાં આવ્યું હતું. તેઓએ દલીલ કરી હતી કે સ્વયંભૂ જ્યોતિર્લિંગ વિવાદિત માળખાની નીચે છે. આ ઉપરાંત ઔરંગઝેબ જમીનનો માલિક ન હોવાથી તે ઇસ્લામિક સિદ્ધાંતો અનુસાર મસ્જિદની તરફેણમાં કોઈ વક્ફ (સંપત્તિનું કાયમી સમર્પણ) બનાવી શક્યા ન હોત, એમ અરજદારોએ જણાવ્યું હતું. આ કેસની જૂન, ૧૯૯૭ થી સિવિલ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. ૧૭ જુલાઈ, ૧૯૯૭ ના રોજ કોર્ટે દાવો ફગાવી દીધો અને કહ્યું કે તે પૂજા સ્થાનોના કાયદા હેઠળ ટકી શકે તેવો નથી. બંને પક્ષોએ ઘણી રિવિઝન અરજીઓ દાખલ કરી હતી. ૨૮ સપ્ટેમ્બર, ૧૯૯૮ના રોજ જિલ્લા ન્યાયાધીશે અરજીઓને મર્જ કરી અને તમામ પુરાવાઓને ધ્યાનમાં લીધા પછી વિવાદનો નવેસરથી નિર્ણય લેવા સિવિલ કોર્ટને આદેશ આપ્યો હતો.
વારાણસીમાં જ્ઞાનવાપી સહિત ૨૨ મસ્જિદોનું સંચાલન કરતી કમિટી અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ (AIM) એ અલ્હાબાદ હાઈકોર્ટમાં આ દાવાની યોગ્યતાને પડકારી હતી. AIMએ દલીલ કરી હતી કે ઔરંગઝેબે મંદિર તોડીને મસ્જિદ બનાવી હોવાનો આરોપ ખોટો છે. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદ વક્ફ જમીન પર બાંધવામાં આવી હતી, તેથી તેને લગતા કોઈ પણ વિવાદનો સિવિલ કોર્ટ દ્વારા નિર્ણય લઈ શકાય નહીં. તેણે દાવાની જાળવણીક્ષમતા પર પ્રશ્નાર્થ કરવા માટે પૂજાનાં સ્થળોના કાયદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. હાઇકોર્ટે ૧૩ ઓક્ટોબર, ૧૯૯૮ના રોજ વારાણસી જિલ્લા કોર્ટના આદેશ અને કેસની આગળની કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો.
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટના નવેમ્બર ૨૦૧૯ના ચુકાદા પછી એડવોકેટ વિજય શંકર રસ્તોગી દ્વારા વારાણસીની સિવિલ કોર્ટમાં નવી અરજી દાખલ કરવામાં આવી હતી. તેમણે પોતાને સ્વયંભૂ જ્યોતિર્લિંગ ભગવાન વિશ્વેશ્વરના “નજીકના મિત્ર’તરીકે ઓળખાવ્યા હતા. તેમણે પુરાતત્ત્વ વિભાગ દ્વારા સર્વેની માંગણી કરી હતી. આ રીતે પ્રથમ વખત જ્ઞાનવાપી પરિસરના વૈજ્ઞાનિક સર્વેની માંગણી કરવામાં આવી હતી. થોડા મહિનાઓ પછી ફેબ્રુઆરી ૨૦૨૦માં મૂળ ૧૯૯૧ના દાવાના વાદીઓએ વારાણસી સિવિલ કોર્ટનો કેસ ફરીથી ખોલવા માટે સંપર્ક કર્યો, જેના પર ઓક્ટોબર, ૧૯૯૮માં હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો હતો. સિવિલ કોર્ટ કેસ ફરીથી ખોલવા સંમત થઈ હતી. AIM એ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેણે પહેલાં તેને સ્ટે આપ્યો હતો અને પછી ૧૫ માર્ચ, ૨૦૨૦ ના રોજ તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.
વારાણસીના સિવિલ જજ આશુતોષ તિવારીએ ૮ એપ્રિલ, ૨૦૨૧ના રોજ પોતાનો ચુકાદો સંભળાવતા ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) ને જ્ઞાનવાપી સંકુલનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવા નિર્દેશ આપ્યો હતો. AIMએ આ ચુકાદા સામે ફરીથી અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ન્યાયાધીશ પ્રકાશ પડિયાએ ૨૫ જુલાઈ, ૨૦૨૩ના રોજ આ બે કેસમાં તેમની સુનાવણી પૂરી કરી હતી અને મૂળ શીર્ષકના દાવામાં અંતિમ ચુકાદો આપવા માટે ૨૮ ઓગસ્ટ, ૨૦૨૩ નિયત કરી હતી.
ઓગસ્ટ ૨૦૨૧ માં પાંચ મહિલા વાદીઓએ તેમની અરજી સાથે સિવિલ જજ રવિ કુમાર દિવાકરનો સંપર્ક કર્યો હતો, જેથી તેઓને જ્ઞાનવાપીની બહારની દિવાલ પર દેવી શૃંગાર ગૌરી, ગણેશ, હનુમાન અને અન્ય દેવતાઓની મૂર્તિઓની પૂજા કરવાની મંજૂરી મળે.
ન્યાયાધીશ દિવાકરે અરજદારોના દાવાને ચકાસવા માટે ૮ એપ્રિલ, ૨૦૨૨ના રોજ જ્ઞાનવાપી પરિસરની વિડિયોગ્રાફી સહિત કોર્ટ દ્વારા ફરજિયાત સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. મુસ્લિમ પક્ષના વિરોધ વચ્ચે કોર્ટ દ્વારા ફરજિયાત સર્વે ૬ મે, ૨૦૨૨ના રોજ શરૂ થયો હતો. ૧૬ મે, ૨૦૨૨ ના રોજ સર્વેક્ષણ ટીમે જ્ઞાનવાપી સંકુલના વઝુખાનાની મધ્યમાં એક શિવલિંગ મળી આવ્યું હોવાનો દાવો કર્યો હતો. સિવિલ જજે તરત જ સંકુલમાં નમાઝ પઢવાની પરવાનગી આપતા વઝુ વિસ્તારને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. ૧૭ મે, ૨૦૨૨ ના રોજ સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ પી.એસ. નરસિંહાની બનેલી બેન્ચે કેસની સુનાવણી શરૂ કરી અને ૨૦ મે, ૨૦૨૩ ના રોજ જ્ઞાનવાપી ખાતે યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનો અને તળાવ વિસ્તારની સંપૂર્ણ સુરક્ષાનો આદેશ આપ્યો હતો.
જ્ઞાનવાપી મસ્જિદના સ્નાન તળાવમાં કથિત શિવલિંગની શોધ થયા પછી વારાણસીની અદાલતો અરજીઓથી છલકાઈ ગઈ હતી, જેમાંથી મોટા ભાગની સમાન પ્રકૃતિની હતી. તેમની માંગણીઓમાં શિવલિંગની પૂજા કરવાનો અધિકાર, મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ અને શિવલિંગની ઉંમર અને પ્રકૃતિની ખાતરી કરવા માટે તેની વૈજ્ઞાનિક તપાસનો સમાવેશ થાય છે. વારાણસીની કોર્ટે વૈજ્ઞાનિક તપાસ માટે મંજૂરી આપી તે પછી મુસ્લિમ પક્ષકારો તેની સામે પહેલાં હાઈ કોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રીતિકર દિવાકરે ૨૭ જુલાઈના રોજ બંને પક્ષોને સાંભળ્યા બાદ સર્વેક્ષણ પર પોતાનો ચુકાદો ૩ ઓગસ્ટ સુધી અનામત રાખ્યો હતો. હવે જો ૩ ઓગસ્ટના હાઈ કોર્ટ દ્વારા સર્વેક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવશે તો તે હિંદુ પક્ષકારોની મોટી જીત હશે, કારણ કે તેનાથી તેમનો દાવો
મજબૂત થશે.