મિત્રો, એક દાદાએ એના પૌત્રના પ્રોજેકટ વિશેની વાતો કરી, બળાપો કાઢયો. આ સ્કૂલવાળા પ્રોજેકટ કરવા આપે એનો આશય શું? ઘરેથી કરી લાવવાનું કહે એટલે મા-બાપ – દાદા-દાદી બધાં જ પોતાના golden અનુભવો પ્રમાણે the Best – સૌથી ઉત્તમ કૃતિ બનાવવાની અને પ્રેઝન્ટ કરવાની મહેચ્છાઓમાં બાળકને કહે કે, ‘‘તું રહેવા દે, બગાડી નાખશે, તારા માર્કસ / રેન્ક ઓછા આવશે.’’ છોકરાને કરવું હોય છતાં ધીરેથી સરકી જાય કે ચાલો તૈયારનું મળી જાય છે પછી શું માથાકૂટ કરવાની.
ઉપરોકત કિસ્સા / ઘટના દરેક ભણતા વિદ્યાર્થીઓના ઘરમાં જોવા – સાંભળવા મળતાં હશે.
અનુભવાતાં હશે. હમણાં તો હું Zerox કોપી કરાવવા માટે ગઇ હતી ત્યાં પણ શાળા – કોલેજના વિદ્યાર્થીઓના પ્રોજેકટ તમારા ટોપિક પ્રમાણે કરી આપીશુંનું બોર્ડ પણ વાંચ્યું અને કોપી કઢાવતા ઊભી રહી ત્યાં સુધીમાં એક માતા પ્રોજેકટ વર્ક આપી ગઇ તેનો અનુભવ પણ મેળવી લીધો. આ આખો વિષય મનન – ચિંતનનો કે શા માટે શાળાઓમાં ટ્રેડિશનલ પધ્ધતિમાં પ્રોજેકટ – બેઝડ – લર્નિંગનો કન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો? એનાં મુખ્ય ધ્યેયો – ભવિષ્યનાં ધ્યેયોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યાં પરંતુ એ ધ્યેયોના થોડા પડકારો વિષે તમે પણ ચિંતન – મનન કરજો.
પ્રોજેકટ શિક્ષણના ઉદ્દેશ્યો બાળમાનસ, બાળવિકાસના સિધ્ધાંતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે. વિદ્યાર્થી બાળપણથી જિજ્ઞાસુ વૃત્તિ ધરાવતો હોય છે. હવે જયારે વર્ગખંડમાં વિવિધ વિષયોમાં પાયાના સિધ્ધાંતો શીખવવામાં આવે છે, તો બ્લેક બોર્ડ પર શિખવાડેલું કે પાવર -પોઇન્ટ – ડિજિટલ વર્ગમાં શિખવાડેલું one-way communication થઇ જાય છે. વિદ્યાર્થીનું જ્ઞાન કૌશલ્ય કે આંતરદૃષ્ટિ કેળવવામાં સફળ નથી બનતું માટે પ્રોજેકટ વર્ક વિદ્યાર્થીઓને જિજ્ઞાસુ મન વિકસાવવા માટે સક્ષમ બનાવે છે. તેને નવું નવું જાણવાની ઇચ્છા થાય છે કે આ આમ કેમ બને છે? જેનાં વિશે સંશોધન / વધુ માહિતી મેળવવાથી, learning – by – doing કરવાથી જીવનમાં જોઇતાં કૌશલ્યો, વલણ, આંતરદૃષ્ટિ કેળવે છે. ઘણી વખત ટીમ વર્ક કરવાથી સહકારની ભાવના પણ વિકસે છે. માટે જ પ્રોજેકટસની સહયોગી પ્રકૃતિ વિશ્વભરની પ્રગતિશીલ શાળાઓમાં લાગુ કરવામાં આવતાં સામાજિક અને ભાવનાત્મક શિક્ષણ (SEL) મજબૂત બનાવે છે.
ઇન્ટર ડિસિપ્લિનરી પ્રોજેકટ વર્ક એ એક શીખવાનો અનુભવ છે જે પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાંથી જ્ઞાનને સંશ્લેષણ કરવાની અને તેને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં લાગુ કરવાની તક પૂરી પાડે છે. આમ પ્રોજેકટ વર્ક એ પ્રવૃત્તિઓની શ્રેણી છે જે વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ, રૂચિઓ, વ્યકિતગત અનુભવ અને ક્ષમતાઓનો ઉપયોગ કરવા જાતે કાર્ય કરવાની મંજૂરી આપે છે. પ્રોજેકટ કાર્ય શિક્ષક અથવા અન્ય સલાહકારના – વાલીના માર્ગદર્શન હેઠળ કરવાની અપેક્ષા રખાય છે.
પરંતુ બાળકનો – વિદ્યાર્થીનો પ્રોજેકટ જયારે માતા-પિતા કે અન્યનો બની જાય છે ત્યારે એનાથી થતો વિકાસ સાધી નથી શકાતો. ખાસ કરીને નિર્ણયશકિત, સમસ્યાને સૂલઝાવવાની શકિત, ક્રિએટીવીટી અને અન્ય રીતે પણ વિચારી શકાય- Out of Box thinking – જેવાં કૌશલ્યો ખીલતા નથી. એક શાળાના પ્રાથમિક શિક્ષક સાથે ઊંડાણપૂર્વક ચર્ચા થઇ. એમનાં મંતવ્યો મુજબ પ્રોજેકટ વર્ક એક બેસ્ટ પધ્ધતિ છે. જેમાં બાળક – જે વર્ગખંડમાં શીખે છે તેનો પ્રેક્ટિકલ – વાસ્તવિક જિંદગીમાં પ્રયોગાત્મક ધોરણે અનુભવ કેળવે છે. દા.ત. ઝાડના, છોડના વિવિધ ભાગો, પુસ્તકમાં, બોર્ડ પર દોરીને સમજાવવામાં આવ્યા હોય છે કે બીજમાંથી અંકુર પછી છોડ – પાન, ડાળી, પાંદડાં, ફૂલ…. વગેરે…
જો એને માત્ર મેથી ઉગાડવાનો પ્રોજેકટ આપવામાં આવે અને જો બાળક પોતે જ માતા-પિતાના માર્ગદર્શન હેઠળ કરે તો એને પાણી, ખાતર, સૂર્યપ્રકાશનું પણ મહત્ત્વ સમજાય સાથે અંકુરમાંથી છોડની પ્રક્રિયા જોવાનો આનંદ પણ મેળવે અને પ્રકૃતિ સાથે નાતો બંધાય, ખેડૂતની મહેનત પણ એને સમજાવા માંડે. આમ વિદ્યાર્થીને પોતાના વિચારોને આકાર આપવામાં માર્ગદર્શન અચૂક આપવું રહ્યું પણ વાલી કે અન્ય જયારે પોતે જ 100% સુંદર પ્રોજેકટ બનાવીને બાળકને શાળામાં પ્રેઝન્ટ કરવા આપી દે ત્યારે બાળક ઘણું બધું ગુમાવે છે એવું જાણજો.
બાળકને જાતે કરવા દેવા માટે વાલી પાસે પણ સમયનો અભાવ હોય છે. આજે બધાં જ time crisis માં જીવે છે, ત્યારે બાળક પાસે કામ કરાવવામાં ધીરજ રાખવી પડે. એના બદલાતા બોટમ લાઇન વિચારોને પ્રોત્સાહિત કરવા પડે કેમ કે ચોંટાડતા, કાપતા કંઇક ગરબડ થાય તો એના અહમને ઠેસ પહોંચે એવાં વાકયો ન બોલાય માટે જાગૃત રહી ધીરજ રાખવી પડે. એના વિચારો કદાચ વધુ સર્જનાત્મક હોય તો તેને પણ સમજવાની જરૂર પડે. વાલી કે શિક્ષક માત્ર facilitators બની શકવા જોઇએ. પ્રોજેકટ વર્ક કરવા જેતે વસ્તુની જરૂર પડે તેને પૂરી પાડવી જોઇએ. ચર્ચા કરીને પ્લાનિંગ કરી શકાય.
પ્રોજેકટ સબમીટ કરવાના આગલા દિવસે – રાતે તૈયાર કરીને ન પૂર્ણ કરી શકાય. બાળક જે કંઇ કરે છે તેની તેને વિગતવાર માહિતી હોવી જોઇએ. એની પાસે લખેલી નોટસ હોવી જોઇએ અથવા તો કોઇ પૂછે તો તે સંપૂર્ણ માહિતી આપનાર હોવો જોઇએ. પ્રોજેકટ બનાવતા આવતાં પડકારો એને જીવનમાં આવતા વિવિધ પડકારો સામે સાચી નિર્ણયશકિત વાપરવાની કુનેહ ઘડશે. માટે parent – perfect project કરતાં Learning by doing અપ્રોચ રાખીને બાળકની સર્જનાત્મકતાને મહત્ત્વ આપવું જોઇએ જેથી બાળકનો આત્મવિશ્વાસ વધી શકે છે અને એની સિધ્ધિનો અહેસાસ મળે છે. માટે માત્ર ગ્રેડ પર ધ્યાન કેન્દ્રિત કરી પ્રોજેકટ વર્કને બર્ડન ન સમજો કેમ કે ‘પ્રોજેકટ વર્ક કૌશલ્ય કેળવવાની શાળા છે.’