Columns

અભિમાન કોનું?

એક સરસ મજાની પાર્ટી હતી.ખાણી પીણી અને જોરદાર મનોરંજન.એકદમ યાદગાર પાર્ટી બની રહી. પાર્ટીમાં હાજર રહેનાર બધાને મજા આવી રહી  હતી. બધા એકબીજા સાથે વાતો કરતા મસ્તીમાં ઝૂમી રહ્યાં હતાં અને આનંદ માણી રહ્યાં હતાં. સફળતાપૂર્વક પાર્ટી પૂરી થઈ અને બધા એકબીજાને આવજો કહેતાં સાચો કે ખોટો વિવેક દર્શાવતાં છૂટાં પડ્યાં અને પોતપોતાના ઘરે ગયાં. પાર્ટીમાં ભરપૂર આનંદ કરીને નરેન પોતાના ઘરે પહોંચ્યો.મોડી રાત થઈ ગઈ હતી. ઘરના બધા સૂઈ ગયાં હતાં.માત્ર પિતા ઊંઘ ન આવવાના કારણે જાગતાં આરામખુરશીમાં બેઠા હતા.તેમણે પુત્રને પૂછ્યું, ‘કેમ ભાઈ, કેવી રહી પાર્ટી? બહુ મોડું થઈ ગયું? દોસ્તો બહુ વર્ષે મળ્યા એટલે બહુ મજા કરી લાગે છે?’

નરેન બોલ્યો, ‘હા, પાર્ટી તો બહુ સરસ રાખી હતી સોહને પણ…’ પિતાએ પૂછ્યું, ‘પણ …શું ?’ નરેન બોલ્યો, ‘પપ્પા, પાર્ટી તો બહુ શાનદાર હતી. ડેકોરેશનથી ડીનર બધું જ નંબર વન હતું.પણ પાર્ટી આપનાર સોહન જાણે પૈસા આવતા બહુ અભિમાની બની ગયો હતો.તેનું વર્તન એવું હતું જાણે તેના જેવી શાનદાર પાર્ટી કોઈ આપી જ ન શકે ને આવી પાર્ટી જાણે બીજા કોઈએ કોઈ દિવસ જોઈ જ ન હોય.તે જાણતો નથી કે હું તો એટલો મોટો માણસ છું કે રોજ આવી પાર્ટીઓ આપી શકું અને મને રોજ આવી પાર્ટીઓનાં નિમંત્રણ મળે છે.

હું બધી પાર્ટીઓમાં જતો નથી.’ પપ્પાએ કહ્યું, ‘પણ તેં જ તો કહ્યું, બધું સરસ હતું તો કહે જ ને.બીજી કોઈ તેના અભિમાનને દર્શાવતી ઘટના બની?’ નરેને કહ્યું, ‘અરે પપ્પા, શું વાત કરું, તેનું વર્તન જ અભિમાનથી ઉભરાતું હતું.હું પાર્ટીમાં મોડો પહોંચ્યો,તેણે ઉભા થઈને મારી પાસે આવીને હાથ મિલાવીને મને આવકાર આપ્યો ખરો પણ મારી હેસિયત પ્રમાણે મારું કોઈ વિશેષ સ્વાગત ન કર્યું અને મારી રાહ જોયા વિના જ પાર્ટી શરૂ કરી દીધી હતી. તેણે ખ્યાલ ન રાખ્યો કે હું પહોંચું ત્યાં સુધી મારી રાહ જુએ.ચાર પૈસા વધારે આવી ગયા તેમાં તો આટલું અભિમાન.’

નરેનની વાત સાંભળતાં તેના પિતા બોલ્યા, ‘નરેન ખોટું ન લગાડે તો એક વાત કહું…તારા શબ્દોમાં અને વાતોમાં સોહન કરતાં વધારે તારું પોતાનું અભિમાન છલકાય છે.તું પાર્ટીમાં વધુ મહત્ત્વ મેળવવા જ સમય કરતાં મોડો પહોંચ્યો.આ તારી જૂની ટેવ છે.સોહને બધાનું જેમ સ્વાગત કર્યું હશે તેમ તારું સ્વાગત કર્યું. તારું વિશેષ સ્વાગત કરવાનું શા માટે? તું સોહનને અભિમાની કહે છે, પણ તારી વાતોમાં તારું અભિમાન છલકાય છે.આ અભિમાન છોડ, નહિ તો બહુ દુઃખી થવું પડશે.’ પિતાએ નરેનને તેના ખુદના અહમ વિષે કહીને અભિમાન ન કરવા સમજાવ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top