એક દિવસ ગુરુજી પોતાના શિષ્યોને મોહમાયાના વિષય ઉપર ઉપદેશ આપી રહ્યા હતા. સંસારનાં મોહમાયાનાં વિવિધ પ્રકારનાં બંધનોની સમજ આપી, ગુરુજીએ આ બંધનમાંથી કઈ રીતે મુક્ત થવું તેની સમજણ આપવાની શરૂઆત કરી. આ ગંભીર વિષય ઉપર ગુરુજીનો ઉપદેશ બધા શિષ્યો એકાગ્રતાપૂર્વક શાંતિથી સાંભળી રહ્યા હતા. એક ટાંકણી પડે તો પણ સંભળાય તેવી શાંતિ હતી. ત્યાં જ અચાનક ખલેલ પહોંચી.
રૂમઝૂમ રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝરનો અવાજ આવ્યો. રૂપ રૂપના અંબાર સમી એક નવયૌવના ધીમે પગલે ત્યાં આવી. ઘરેણાંથી સજ્જ હતી પણ જરૂર કરતાં ઓછાં કપડાં પહેર્યાં હતાં. લાંબા કાળા વાળ હવામાં ફર ફર ઊડી રહ્યા હતા. આ રૂપસુંદરીના ઝાંઝરનો અવાજ સાંભળી બધાનું ધ્યાન તેની તરફ ગયું. ગુરુજીએ તેની તરફ એક નજર નાખી અને પછી નજર ફેરવી લઈ પોતાની વાત ચાલુ રાખી; પરંતુ બધા શિષ્યોની નજર હવે રૂપસુંદરી પર પડી હતી અને ત્યાં જ અટકી ગઈ હતી. હવે તે રૂપસુંદરીનું સૌંદર્ય બધાના ધ્યાનનું કેન્દ્ર બની ગયું હતું. હવે શિષ્યોનું ધ્યાન ગુરુજીના ઉપદેશમાં ન હતું.
બધા જ શિષ્યો યુવતીના સૌંદર્ય પાછળ ભાન ભૂલ્યા. રૂપસુંધરી ગર્વભરી ચાલે ગુરુજી પાસે આવી અને અભિમાનભરેલા અવાજ સાથે પૂછ્યું, ‘ગુરુજી, પ્રણામ. આજે તમને મારે એક પ્રશ્ન પૂછવો છે કે તમારા શિષ્યો પર તમારી તાકાત વધારે ચાલે છે કે મારી?’ગુરુજીએ એક નજર પોતાના શિષ્યો પર નાખી. શિષ્યો હજી પણ મોહભરી લોલુપભરી દૃષ્ટિથી સુંદરીને જોઈ રહ્યા હતા. શિષ્યોની વિચલિત દશા જોઈને ગુરુજીએ તરત જ જવાબ આપ્યો, ‘હા સુંદરી, હું કબૂલ કરું છું કે તારી તાકાત વધારે છે.’ યુવતીનો ગર્વ સંતોષાયો નહીં. તેણે કહ્યું, ‘ગુરુજી, તમારા ઉપદેશની જેમ ઉદાહરણ આપીને તમે બધાને સમજાવો છો તેમ જાહેરમાં સમજાવો કે તમે સ્વીકારો છો કે મારી તાકાત તમારી તાકાત કરતાં વધારે છે.’ ગુરુજી બોલ્યા, ‘બધા મારી વાત સાંભળો.
હું મારા દરેક શિષ્યોને જીવન શિખર પર લઈ જવા એક એક શિષ્યોને હાથ ઝાલીને એક એક કદમ ઉપર લઈ જાઉં છું.આ બહુ અઘરું કામ છે. આટલા બધા શિષ્યોને સમજાવી આગળ લઈ જવા ઘણી તાકાત જોઈએ. ઘણો સમય લાગે પણ દેવી તમારી તાકાત તો એવી છે ને કે તમારો માત્ર એક જ ધક્કો વાગે અને ખેલ ખતમ થઈ જાય અને એક સાથે બધા જ પતન તરફ દોરાઈ જાય. ગુરુજીનો જવાબ સાંભળીને શિષ્યો પોતાની ભૂલ સમજી ગયા અને યુવતીનો ગર્વ પણ તૂટ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
