ભટ્ટની હોસ્પિટલના નામથી આજે વરસો પછી પણ જેણે પોતાની ઓળખ જાળવી રાખી છે એવી સુરત જનરલ હોસ્પીટલ બંધ થવાને આરે છે તે સમાચારથી હું ખૂબ વ્યથિત થઇ છું. શહેરની મધ્યમાં આવેલી અને કોટ વિસ્તારનાં લોકોનાં દિલમાં વસેલી આ હોસ્પિટલ સો વર્ષ જૂની છે.એના ટ્રસ્ટીઓ, ડોકટર મિત્રો અને દર્દીઓના ત્રિવેણી સહયોગથી સુરતમાં ડઝનબંધી હોસ્પિટલો આજે કાર્યરત હોવા છતાં પણ આ હોસ્પિટલની લોકપ્રિયતા અને લાગણીમાં જરાય ઓટ આવી નથી એ શું નાનીસૂની વાત છે? ખુદ મારી, મારા માતુશ્રીની અને દાદીમાની પણ પ્રસૂતિની આ હોસ્પિટલ સાક્ષી છે.
સુરતની જાણીતી સંસ્થા દ.ગુ.ચર્ચાપત્રી સંઘના નેજા હેઠળ યોજાયેલ શહેરની સમસ્યાઓના કાર્યક્રમમાં પણ સુરતની આ હોસ્પિટલનો મુદ્દો કેન્દ્રસ્થાને હતો.આ પ્રસંગે વક્તવ્યમાં જાણીતા તબીબ ડો.જયેન્દ્ર કાપડિયાએ કહ્યું હતું કે મારા સહિત અનેક ડોકટરોને આ હોસ્પિટલે તૈયાર કર્યા છે અને વરસો સુધી આ બધાએ અહીં સેવા આપી હતી.બીજાં શહેરોનો હવાલો આપી , તેમણે કહ્યું કે આર્થિક ને અન્ય સમસ્યાઓને કારણે હોસ્પિટલો બંધ થઇ છે.પણ માત્ર ટ્રાફિકને કારણે હોસ્પીટલ બંધ કરવી પડી હોય એવું તો કયાંય સાંભળેલ નથી. સેવા અને સમર્પણને વરેલી અને સમાજના મધ્યમ વર્ગને રાહત દરે સેવા આપતી શહેરના હાર્દ સમી આ હોસ્પિટલને સાચવી લેવા મારી આ સ્થળેથી શહેરીજનો અને સત્તાવાળાઓને દર્દભરી અપીલ છે.
સુરત -પલ્લવી ધોળકિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.