Comments

મૃત્યુ પામનાર કોણ? આયાતી? શ્રમિક? કૌશલ્યવિહીન? કે નાગરિક?

મૃત્યુ અણધાર્યું આવતું હોય છે, પણ તે અકસ્માતરૂપે આવે અને એ અકસ્માત આગનો હોય ત્યારે એવા મૃત્યુની પીડા પારાવાર હોય છે. રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગ પછી વહીવટી તંત્ર દોડતું થયું અને રાબેતા મુજબ તમામ ગેમઝોનને બંધ કરવાનો આદેશ ફરમાવ્યો. 12 જૂન, 2024ના રોજ કુવૈતની એક ઈમારતમાં લાગેલી પ્રચંડ આગમાં 49 લોકો ભૂંજાઈ ગયા, જેમાંના 45 ભારતીયો હતાં. મૃતક ભારતીય હતાં એટલે આપણાં અખબારોમાં સમાચાર ચમક્યા. સાત મજલી ઈમારતમાં આગ પરોઢે ચારેક વાગ્યે લાગેલી. તેમાં રહેતાં તમામ 196 લોકો ઊંઘમાં હતાં. ગાઢ, કાળા ધુમાડાને કારણે લોકો ગૂંગળાવા લાગ્યા.  આટલી વિશાળ સંખ્યામાં થયેલા મૃત્યુના સમાચાર પ્રસર્યા એટલે રાબેતા મુજબ મૃતકોનાં સ્વજનોને શોકસંદેશા અને મૃતકોને શ્રદ્ધાંજલિની રસમ શરૂ થઈ. કુવૈતના શેખે તત્કાળ તપાસનો અને જવાબદારો સામે પગલાં લેવાનો આદેશ આપ્યો.

પ્રાથમિક તપાસમાં એ શક્યતા જણાઈ કે રૂમ તેમજ અપાર્ટમેન્‍ટ વચ્ચે પાર્ટિશન તરીકે વપરાયેલી સામગ્રી જ્વલનશીલ પદાર્થની હતી, જેને કારણે ગાઢ કાળા ધુમાડા થયા. તેને કારણે લોકો ગૂંગળાયાં અને નીચે તરફ દોટ મૂકી. તેઓ ઉપર ધાબે ન જઈ શક્યા, કેમ કે, ધાબાના બારણે તાળું મારેલું હતું. મકાનના ભોંયતળિયે કદાચ વાયુ લીક થયો હોવાથી આગ શરૂ થઈ હોવાનું મનાય છે.

અહેવાલ અનુસાર અગ્નિશમન દળે પહોંચતાંની દસેક મિનીટમાં જ અગ્નિને કાબૂમાં લઈને મોટી સંખ્યામાં શ્રમિકોનો બચાવ કર્યો હતો. આગ લાગવાનાં કારણ અંગે પછી તપાસ કરતાં જણાયું હતું કે ઈમારતના ભોંયતળિયે રાંધણગેસના બે ડઝન જેટલાં સિલીન્‍ડર હતાં. 

દવાખાને દાખલ કરાયેલાં શ્રમિક પૈકીના એક ઈજિપ્શિયન કામદારે જણાવ્યું કે અગ્નિશમન દળની મદદ લઈને ઈમારતમાંથી બહાર નીકળતાં તેને બે કલાક જેટલો સમય લાગ્યો હતો. તેણે એમ પણ જણાવ્યું કે નીચે ઊતરતી વખતે બળી ગયેલાં અનેક શબ તેની નજરે પડ્યાં હતાં. આ ઈમારતમાં ભારતીય શ્રમિકો મોટી સંખ્યામાં હતાં. એ ઉપરાંત થોડા પાકિસ્તાની અને ફીલીપીન પણ ખરાં.

આ દુર્ઘટનાને પગલે બનાવ સાથે સંકળાયેલા તમામ ઉચ્ચ અધિકારીઓને ફરજમોકૂફ કરવાનો આદેશ અપાયો છે. ઉપરાંત આ તેમજ અન્ય ઈમારતોમાં સલામતીનાં ધોરણોનો ક્યાં ભંગ થઈ રહ્યો છે એની તપાસ કરવામાં આવી રહી છે. મૃતાંકની દૃષ્ટિએ આગની આ દુર્ઘટના કુવૈતમાં દ્વિતીય સ્થાને આવે છે. આ અગાઉ 2009માં જાણીબૂઝીને લગાવાયેલી એક આગમાં 56 લોકો બળી મર્યાં હતાં.

હવે સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોનો જમાનો છે. આને લઈને અનેક લોકો સત્તાવાળાઓના વલણ પર પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સલામતીના પગલાંનો ભંગ કરનાર સામે પગલાં લેવાની માગણી થઈ જ રહી છે, સાથોસાથ બિનકુશળ શ્રમિકોને કામે રાખવા તેમજ તેમનું શોષણ કરનાર સામે કાર્યવાહી કરવાની માગણી છે. એક ભૂતપૂર્વ મંત્રીએ જણાવ્યું છે કે આ દુર્ઘટના નિમિત્તે આવી તમામ ગેરરીતિઓ સામે તપાસ થવી જોઈએ.

કાનૂન ઘડવાની પ્રક્રિયા સાથે સંકળાઈ ચૂકેલા એક ભૂતપૂર્વ અધિકારીએ આક્ષેપ મૂકતાં કહ્યું કે શ્રમિકોને ગેરકાયદે દેશમાં ઠાલવવાની પ્રક્રિયાએ સરકારની બેપરવાઈને કારણે વેગ પકડ્યો છે. આવી બાબતો પર સરકાર પૂરતી દેખરેખ રાખી શકતી નથી તેને કારણે આવાં ભયાવહ પરિણામ મળે છે. સરકાર આવાં લોકોને જવાબદાર નહીં ઠેરવે અને કાનૂનનો કડક અમલ શરૂ નહીં કરે, માનવબળની સમસ્યાનો કોઈ વ્યવહારુ ઉકેલ નહીં શોધે તો આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન થતું રહેશે. તેનો ભોગ કેવળ ગરીબો જ બનતાં રહેશે અને સમાજે તેની કિંમત ચૂકવવી પડશે.

અન્ય એક કાનૂની સલાહકારે કહ્યું કે ‘ઈશ્વરનો જેને ડર નથી એવા’ વ્યાવસાયિકના લોભ-લાલચ અને સત્તાવાળાઓની બેદરકારીને કારણે આટલાં બધાં લોકોએ જાન ગુમાવવા પડ્યા. વિદેશથી આવેલાં શ્રમિકોનું તેમના સ્પોન્‍સર દ્વારા કરવામાં આવતા દમન સામે રક્ષણ કોણ કરશે? એક સહાયક પ્રાધ્યાપકે જણાવ્યું કે આ કમનસીબ બનાવ કુવૈતના રીઅલ એસ્ટેટના ખેરખાંઓના લોભ-લાલચ તેમજ કાનૂનની ઐસીતૈસી કરવાના વલણને ઉજાગર કરે છે. સાથે જ તે કાનૂનપાલન બાબતે સરકારી તંત્રની નિષ્ફળતા પણ સૂચવે છે.

આ દુર્ઘટના અતિ કરુણ છે અને મૃતકોના જીવનનું વળતર ગમે એટલું અંકાય પણ ઓછું જ છે. આમ છતાં, તેનાથી વધુ કરુણ પરિસ્થિતિ છાપરે ચડીને પોકારે છે એ છે વિદેશી શ્રમિકોનું શોષણ અને તેમની સલામતી પ્રત્યેની બેપરવાઈ. પોતાને દેશથી કમાણીની આશાએ આવેલા શ્રમિકોનું એક જ ધ્યેય હોય છે- સખત મહેનત કરીને નાણાં રળવા અને સરખી રકમ થાય એટલે પાછા સ્વદેશ ચાલ્યા જવું. આયાતી શ્રમિકોની આ માનસિકતાનો પૂરેપૂરો લાભ સ્થાનિક કંત્રાટીઓ ઉઠાવતા હોય છે. ઓછું મહેનતાણું ચૂકવીને તેમનું શોષણ કરવું સામાન્ય બાબત છે.

આમ તો, આ પરિસ્થિતિ જાહેર છે, પણ મોટે ભાગે એની સામે આંખ આડા કાન કરાતા હોય છે. ધારે તો કાનૂન દ્વારા આ પરિસ્થિતિને કાબૂમાં લાવી શકાય, પણ એ માટે ઈચ્છાશક્તિ જોઈએ. કુવૈત જેવો વિકસિત અને કાનૂનનો પાબંદ દેશ સુદ્ધાં આમાંથી બાકાત નથી એ જાણીને નવાઈ લાગે છે તેમજ ઉદાસી પણ અનુભવાય છે. સમગ્રપણે જોતાં એક બાબત ઊડીને આંખે વળગે છે અને તે એ કે સત્તાધીશોને મન નાગરિકોના જાનની કશી કિંમત નથી. કાયદા બનાવાયા હોય તો એનું પાલન કરવા માટે સુયોગ્ય તંત્ર ગોઠવાયેલું હોય છે. આ તંત્ર શિથિલ બને એનો સીધો અર્થ એ કે તે ભ્રષ્ટાચારી છે. બનેલા કાયદાનું પાલન ન થાય એનો સીધો અર્થ એ જ થાય. તંત્ર સૌને એક સમાન નાગરિક બનાવવાનું શરૂ ત્યારે જ કરે, જો આપણે સૌ નાગરિકો પણ એમ કરીએ. લખવામાં સરળ જણાતી આ વાત અમલમાં કેટલી અઘરી અને અશક્યવત્ છે એ પણ આપણે સૌ જાણીએ જ છીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top