ભારતે કોનો ભરોસો કરવો? ચીન, રશિયા કે અમેરિકાનો?

રશિયા-યુક્રેન યુદ્ધને પરિણામે જગતમાં જે પરિસ્થિતિ આકાર લઈ રહી છે એ ગંભીર છે અને એમાં ભારતની વિદેશનીતિમાં જોવા મળતી અનિશ્ચિતતા ચિંતા ઉપજાવે છે. એક બાજુએ ચીનના નેતાને હિંચકે બેસાડીને ઢોકળા ખવડાવો અને બીજી બાજુ ચીન સામે ચીન વિરોધી દેશોને ભેગા કરીને ઘેરાબંધી કરો અથવા ચીનવિરોધી છાવણીના સભ્ય બનો એમ બે દિશાની વિરુદ્ધ નીતિ લાંબો સમય ન ચાલે. ઓછામાં પુરું, ચૂંટણી જીતવા સારુ બહુમતી હિંદુ પ્રજાને હિંદુ રાષ્ટ્રવાદ નજરે પડતો રહે એ માટે પાડોશી દેશો સાથે ખાસ પ્રકારના બળુકાપણાનું પ્રદર્શન કરવાની નીતિ અપનાવી જેને પરિણામે પાડોશી દેશો સાથે સંબંધ બગાડ્યા છે. ડાહ્યા માણસો બધા મોરચા એક સાથે નથી ખેલતા. અત્યાર સુધીના શાસકો ઝૂકતું માપ આપીને પાડોશી દેશો સાથે સંબંધ સાચવતા હતા કે જેથી તેઓ ચીન અને પાકિસ્તાનની નજીક ન જાય. તેમને હિંદુ ખુમારીના પ્રદર્શનની જરૂર નહોતી એ સમયે એ ભારતની વિદેશનીતિની મોટી તાકાત હતી. આજે સ્થિતિ એવી છે કે જ્યાં હિંદુઓની વસ્તી મોટા પ્રમાણમાં છે એ નેપાળ પણ ભારતથી દૂર થયું છે અને ભૂતાન અંતર રાખતું થયું છે. 

ચીનની બાબતમાં ભારત બે વિરુદ્ધ દિશાની નીતિ અપનાવીને સમય પસાર કરતું રહ્યું અને કોઈ ટકાઉ ઉપાય શોધી રહ્યું હતું, ત્યારે એક વાત ધ્યાનમાં લેવી જોઈએ કે ચીનની ભારત સાથેની નીતિ એક જ દિશાની છે. ચીન જગતનો સૌથી શક્તિશાળી દેશ છે, વર્તમાન અને હવે પછી એકાદ સદી ચીનની છે, ભારતે હવે ચીનની બરોબરી કરવાના ફાંફા નહીં મારવા જોઈએ, નિ:શંક બનીને ચીનના ભાગીદાર બનવામાં ભારતનું હિત છે, અમેરિકાનો યુગ પૂરો થઈ ગયો છે વગેરે વગેરે. ચીનના શાસકો અલગ અલગ રીતે ભારતને આ કહી રહ્યા છે અને સાથે સાથે લદાખ, ડોકલામ અને અરુણાચલમાં છાશવારે પ્રવેશીને પોતાની તાકાત અને ભારતની નિર્બળતાનું પ્રદર્શન કરે છે. મૂંઝવણ ભારતની છે, ચીનની નથી. ચીન ઉપર ભરોસો ન કરાય એમ જો નરેન્દ્ર મોદીને અને તેમના વિદેશ પ્રધાનને લાગતું હોય તો તેમનું અનુમાન ખોટું નથી. ચીન ઉપર ભરોસો કરીને આપણે દાઝેલા છીએ. બીજો લાખ રૂપિયાનો સવાલ એ છે કે ચીનની બરાબરી કરવાનાં સપનાં જોવાનું ભારતે બંધ કરવું જોઈએ અને ચીન ક્યારેય આંબી ન શકાય એટલું આગળ નીકળી ગયું છે એ વાત શું એક નરી વાસ્તવિકતા છે જે ભારતે સ્વીકારી લેવી જોઈએ? 

મારો ઉત્તર એ છે કે ચીન ભારત કરતા ક્યાંય આગળ નીકળી ગયું છે એ એક વાસ્તવિકતા છે, પરંતુ એનો અર્થ એવો નથી કે ચીનની બરાબરી કરવાના સપનાં જોવાનું ભારતે બંધ કરવું જોઈએ. પણ પહેલો સવાલ તો હજુ અનુત્તરીત જ છે કે ચીનની બરાબરી ચીનના ભાઈબંધ બનીને કરવી જોઈએ કે પછી ચીનવિરોધી ધરીનો ભાગ બનીને? ચીનવિરોધી ધરીનું નેતૃત્વ અમેરિકા કરે છે અને અમેરિકાનો ભરોસો કરી શકાય? અમેરિકા જરાય ભરોસાપાત્ર મિત્ર નથી એનો અનુભવ પણ આપણને થયો છે. અમેરિકા જગતનો સૌથી ઓછો ભરોસામંદ દેશ છે. નથી અમેરિકા ભરોસાપાત્ર કે નથી ચીન ભરોસાપાત્ર. તો પછી કરવું શું?

ઉત્તર છે પોતાની જાત ઉપર, દેશની પ્રજા ઉપર ભરોસો કરીને વિકાસના માર્ગે પોતાની જગ્યા બનાવવાનો. માર્ગ મહેનતવાળો છે, ધીરજની કસોટી કરનારો છે, પણ છે ટકાઉ. ઉછીની તાકાત અને પોતાની તાકાતની વચ્ચે કોઈ તુલના જ ન થઈ શકે. પણ આ ૩૬૫ દિવસ અને ચીવીસે કલાક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હિંદુ-મુસ્લિમ વિખવાદ પેદા કરીને ન થઈ શકે. ચીન માથાભારે દેશ છે, પણ તેનું માથાભારેપણું રાષ્ટ્રીય છે, પ્રજાકીય નથી. ચીનની એક પ્રજા બીજી પ્રજા સાથે માથાભારે બનીને નથી વર્તતી. પ્રજાકીય ઉર્જા રચનાત્મક માર્ગે વાળવામાં આવે તો જ દેશ આગળ વધે. આ તો સનાતન સત્ય છે, જગતનો ઈતિહાસ તપાસી જાવ. બીજી બાજુ પ્રજાને (અને એ પણ બહુમતી પ્રજાને) રડાવવામાં આવે, ડરાવવામાં આવે, ખોટી તાકાતનો અહેસાસ કરાવીને પોરસાવામાં આવે તો એવો દેશ ક્યારેય બે પાંદડે ન થાય. આ પણ સનાતન સત્ય છે. જગતનો ઈતિહાસ તપાસી જાવ.

૨૦૧૪ની સાલમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી અને આપણી નજર સામે આઠ વરસ વેડફાઈ ગયાં. હિંદુઓને હિંદુ રાષ્ટ્રવાદનું બળુકાપણું બતાવવામાં પાડોશી દેશો સાથેના સંબંધો બગાડી નાખ્યા છે. ચૂંટણી જીતવા પ્રજાકીય ઉર્જાને હિંદુ-મુસ્લિમ વિખવાદમાં વેડફી રહ્યા છે. હવે અચાનક રશિયા-યુક્રેન યુદ્ધે જગતને બે છાવણીમાં વહેંચી નાખ્યું. વચ્ચે ઊભા રહેવાનો અને ચીન સાથે બે વિરુદ્ધ દિશાની નીતિ અપનાવવાનો વિકલ્પ હાથમાંથી સરકી રહ્યો છે. અચાનક આવી કોઈ ઘટના બનશે એની કોઈએ કલ્પના નહોતી કરી. ચીન અને રશિયાની ધરી રચાઈ છે. એક પાસે સોવિયેત યુગની સૈનિકી તાકાત છે અને બીજા પાસે આર્થિક અને સૈનિકી એમ બન્ને તાકાત છે. બન્ને માથાભારે છે, બેશરમ છે અને પૃથ્વીના ગોળાની આ બાજુએ પ્રશાંત મહાસાગરથી લઈને એટલાન્ટીક મહાસાગર સુધી ફેલાયેલા છે.

ભારતે રશિયાને રાજી રાખવા માટે અને રશિયા ચીનની પાંખમાં જતું ન રહે એટલા માટે રશિયા પાસેથી ક્રુડ તેલનો મામુલી જથ્થો ખરીદ્યો અને તરત જ બે પ્રતિક્રિયા આવી પડી. અમેરિકાના પ્રમુખ બાયડને (વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ નહીં, ખુદ પ્રમુખે) જે કહ્યું એના સૂચિતાર્થો સમજવા જેવા છે. પહેલા તો તેમણે ભારતને અમેરિકાના નેતૃત્વ હેઠળ રચાયેલી રશિયા-ચીન વિરોધી છાવણીનું સભ્ય જાહેર કર્યું. પોતાની મેળે જ, મનસ્વીપણે. ૯/૧૧ પછી ત્રાસવાદ સામેની લડત માટે જે ધરી રચાઈ હતી તેમાં ભારત ભાગીદાર બને એ માટે ભારતનું મન જાણવા અને મંજુરી મેળવવા અમેરિકન વિદેશ પ્રધાન કોલીન પોવેલ ભારત આવ્યા હતા. ભારતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી. ‘નમસ્તે ટ્રમ્પ’ અને ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’નું પણ આ પરિણામ છે. જો અમેરિકન ચૂંટણીમાં ભારતે માથું ન માર્યું હોત તો કમસેકમ ભારતના નેતાઓ સાથે વાતચીત કરવા વિદેશ પ્રધાનને દિલ્હી મોકલવા જેટલું સૌજન્ય બાયડને બતાવ્યું હોત જે રીતે ૨૦૦૧માં ૯/૧૧ પછી તે વેળાના અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશે બતાવ્યું હતું.

“ભારત પણ અમારી સાથે રશિયા-ચીન વિરોધી છાવણીનું સભ્ય છે” એવી બારોબાર જાહેરાત અમેરિકન પ્રમુખે કરી ન કરી અને ચીનના વિદેશ પ્રધાને નિવેદન કર્યું કે અમેરિકા જેમ રશિયા સામે યુક્રેનનો ઉપયોગ કરે છે એમ ચીન સામે ભારતનો ઉપયોગ કરે છે. આ બન્ને નિવેદનો ગંભીર છે અને ચીનના વિદેશ પ્રધાનનું નિવેદન વધારે ગંભીર છે.અમેરિકા ચીન-રશિયા સામેની છાવણીમાં ભારતને પરાણે ઊભું રાખે છે અને નહીં ડગમગવાની ચેતવણી આપે છે તો ચીન એક ડગલું આગળ વધીને ભારતને ચીન વિરોધી છાવણીનો નહીં ડગમગનારો સ્થિર દેશ જાહેર કરે છે. બન્ને નિવેદનો બારોબાર, ભારતની ભૂમિકાની તમા રાખ્યા વિના, પોતાને અનુકુળ આવે એ રીતે કરવામાં આવ્યાં છે. ભારતે ચીની નિવેદન વિષે પણ આ લખાય છે ત્યાં સુધીમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી. 

ચીન એક ડગલું હજુ આગળ વધ્યું છે. પાકિસ્તાનમાં ‘ઓર્ગેનાઈઝેશન ઑફ ઇસ્લામિક કોઓપરેશન’ની બેઠકમાં ભાગ લેવા ગયેલા ચીનના વિદેશ પ્રધાને ભારત દ્વારા પ્રતાડિત કાશ્મીરી મુસલમાનો માટે ચીન સહાનુભૂતિ ધરાવે છે એવું નિવેદન કર્યું. ભારતે આ વિષે પ્રતિક્રિયા આપી છે, પણ ભારતની યુક્રેન સાથેની સરખામણી વિષે એમાં કહેવામાં આવ્યું નથી. જે અભિપ્રાય પુતિનનો યુક્રેન વિષે છે એ જ અભિપ્રાય ચીનનો ભારત વિષે છે. જે અભિપ્રાય અમેરિકાનો યુક્રેન વિષે છે એ જ અભિપ્રાય અમેરિકાનો ભારત વિષે છે. જે ઘટનાઓ બની રહી છે એ ડરાવનારી છે અને ભારતના નેતાઓ સાદી સ્પષ્ટતા પણ કરવાની સ્થિતિમાં નથી. આમ પણ આપણા નેતાઓ સંકટ સમયે મોઢું ફેરવી લેવામાં મહારત ધરાવે છે.  બે વિરુદ્ધ દિશાની નીતિ અપનાવીને રસ્તાની વચ્ચે ઊભા રહો, મુલ્યવાન સમય વેડફો અને પૂરી તાકાત ચૂંટણીઓ લડવામાં અને પ્રજાકીય વિખવાદ પેદા કરવામાં ખર્ચો તો આવું થાય. 
જુઓ, આગળ આગળ શું થાય છે!

Most Popular

To Top