Comments

રોઈ રોઈ કોને હંભળાવું..!

વાત રડવા-કૂટવાની કે રડતાનો વાંહો થાબડવાની નથી. પૃથ્વી ઉપરથી ડાયનોસોર ગાયબ થઇ ગયેલાં  એમ, ‘છોકરી’ ઓ ગાયબ થઇ ચાલી એની છે. છોકરાઓના પ્રમાણમાં છોકરીઓનો જન્મ દર ઘટતો ચાલ્યો..! અસ્સલ રાજાઓ અનેક રાણી રાખી શકતા, એટલો સ્ટોક રહેતો. આજે તો, ‘મૂળમાં મૂળજી કુંવારો ને ડોહાને બે જોઈએ..!’ એવો ઘાટ આવ્યો..! એમ થાય કે, પાંડવો જેવી દશા આવવાની કે શું..? પાંચ પાંડવ અને એક દ્રૌપદી..! જો કન્યાદર તળિયે ગયો તો, રાષ્ટ્રપતિ મળશે, પણ પતિ નહિ..! લૌટકાઓની  બાવા બનવાની નોબત આવી જશે. મહિલા અનામતનાં સુરસુરિયાં થતાં, બસમાં ‘મહિલા અનામત’ ની સીટ, પેટી-પટારાને પાર્સલથી પેક થવા માંડશે. જાગો ભઈઈઈલા..જાગો. બહુ પુત્રઘેલા પણ થવા જેવું નથી. છોકરીઓ છે તો, શમણાં છે. પછી તો શમણાનાં સ્વરૂપ પણ બદલાયને વરુ-હિપોપોટેમસ કે અન્ય વનેચરનાં સ્વપ્નાં આવે તો કહેવાય નહિ. જો કે, સાવ આવું તો નહિ થાય. આ તો એક વાત..!

છતાં હાંસિયામાં કાઢવા જેવી ચિંતા તો નથી જ..! માત્ર ઈરાન-ઈરાક-અફઘાનિસ્તાન-ઈઝરાઈલ દુબઈ-કુવૈત કે અમેરિકાના યુદ્ધથી જ મગજ સમૃદ્ધ રાખીએ તે નહિ ચાલે, છોકરીઓની પાંગરતી જતી અછત, નાની ઘટના નથી. જન્મવૃદ્ધિ વધારવાનાં પગલાં ભરવાં પડશે. દરેક દુકાળ કાન ખંજવાળતાં-ખંજવાળતાં સહન થાય, પણ કન્યાનો દુકાળ સહન નહિ થાય. સામાજિક વ્યવસ્થા છિન્નભિન્ન થઇ જાય. છોકરી જ ના હોય તો છોકરાઓ શું તંબુરા વગાડવાના..? અસ્સલ તો તાડ જેવી કન્યાઓ રહેતી. ધીરે ધીરે એમાં એવી મંદી આવી કે, હવે તો  બેઠા ઘાટની જ પ્રગટ થાય.

No matter. સ્ત્રી એટલે લક્ષ્મી..! લક્ષ્મીનો દર ઘટતાં રાંક થવાનું નહિ ફાવે. પુત્રો ગમે એ વાત બરાબર, પણ ‘પુત્ર-વધૂ’નો સ્ટોક જ ખાલી હોય તો ગાશે કોણ, કે ‘બહારોં ફૂલ બરસાવો, મેરા મહેબુબ આયા હૈ..! તંઈઈઈ..!  કુંવારા મેળા તો ઠેર ઠેર થાય, પણ સફળતાનો ઓડકાર આવે એવાં પરિણામ મળતાં નથી. છોકરાને છોકરી ગમે તો  બાપાને એની મા પસંદ નહિ પડે, છોકરીને છોકરો ગમે પણ સરકારી નોકરી નહિ હોવાથી અને ગામડે કૂટી ખાતો હોવાથી  છણકો કરે..! કૈસે કૈસે લોગ હૈ યાર..? ચિંતા થાય યાર..? 

આજે ઘણા મુરતિયા એવા હશે કે, જે ઉકરડે બેસીને લલકારતા હશે કે, ‘રોઈ રોઈ કોને હંભળાવું..!’ થાય એવું કે, કુંવારા કોડે ઝૂરે ને પરણેલા પસ્તાય ત્યાં ઉકરડાવાળાને કોણ આશ્વાસન આપવા જાય? આ  problem ભલે યુનિવર્સલ ના હોય, બાકી ટેન્શન તો આવે બોસ..! કોઈની જાન જતી જોઇને, વાંઢેસ નો જાન નીકળી જતો હોય..! મરદ રહ્યો એટલે ધોધમાર રડાય પણ નહિ..! રડવા જાય તો, ખાનદાનીને ગ્રહણ લાધે, બાજી વધારે બગડે.!  ને પોક મૂકીને હસવા જાય તો પેલી કહેવત આડી ફરી વળે કે, રડતી…ને હસતા પુરુષનો વિશ્વાસ નહિ થાય..! સાલું સમજાતું નથી કે, સ્ત્રીનો જન્મ દર ઓછો થવાનું કારણ શું..?    ઉપલા લેવલે ગરબડ થઇ હશે? કે પછી ભ્રષ્ટાચારનાં મૂળિયાં બ્રહ્મા સુધી વિસ્તર્યાં હશે? આવું ને આવું ચાલ્યું તો, ધરતી માત્ર બાવાઓથી જ ઉભરાવાની. ઘર ઘર મહાત્માઓ ઊભા થશે.

ચમનિયાની ઓળખાણ હવે આપવાની રહેતી નથી. બાધા આખડીથી ઉપાર્જિત થયેલા એના દીકરાનું નામ આમ તો ચંપુ. પણ મહેનત બીજા કરે ને દીકરાનું નામ રોશન થાય એ માટે, ચમનિયાએ એનું હુલામણું નામ સુલભ શૌચાલય રાખેલું..!  ( સુલભ એનું મૂળ નામ અને શૌચાલય એની અટક..! આવો તાળો બેસાડેલો..!) જો કે, આમ ચમનિયાની ઈચ્છા ચંપુને બદલે ‘અમેરિકા’ રાખવાની હતી.એટલા માટે કે, વટથી કોઈને કહી શકે કે, “હું અમેરિકાનો બાપ છું..! પણ રાશિમેળ ખાધેલો નહિ. છેલ્લાં ૨૦ વર્ષથી પૈણવા કાઢેલો છતાં, છોકરીની અછત હોવાને કારણે બખ્તર વગર ઝઝૂમે છે.

ઉંમર વધતાં વધતાં હાલ, અડધી કાંઠીએ પહોંચી ગઈ, છતાં લગન માટે છોકરી જડી નથી.  હાડકે હજી પીઠી ચઢી નથી. એની સાથે ભણનારી આખી જમાત ‘બચ્ચરવાળ’ થઇ ગઈ. છતાં, બંજર જમીન જેવો છે. ‘Waiting list’ ની ટીકીટ Confirm’ થતી જ નથી. રતનજી જેવા પીઢ સલાહકારે તો એક વાર સલાહ પણ આપી કે, ‘દેશી નહિ મળે તો imported લાવ, પણ લગનનો મોહનથાળ ખવડાવ.” પણ Imported વાઈફ લાવીએ, તો ‘મેઇન્ટેનન્સ’  બહુ મોંઘુ પડે એ વાતથી  ચતુર ચમનિયો ડરે..! બાકી, સુલ્ભો ઉર્ફે ચંપુ  એટલે ભેજાબાજ..! ભણવામાં ખાંટુ એટલે PHD સુધી ભણેલો. (PHD એટલે, ‘પાયજામા હોલ્ડર ડીવાઈસ’’ નહિ યાર..!) પણ PHD થયા પછી મગજમાં ચરબી વધી. શરૂ શરૂમાં માંગાં તો ઘણાં આવ્યાં, પણ સુલ્ભો જમીન ઉપર પગ નહિ મૂકે. આસમાને ઊડવા લાગ્યો. માંગા Select કરવાને બદલે Reject કરવાના રવાડે ચઢી ગયો. માંગાં સ્વીકારવા બાપ સલાહ આપે તો, ચમનિયાને પણ સંભળાવી દે કે, ‘ફાધર..! તમે તમારી વાઈફ શોધવામાં માર ખાઈ ગયેલા, એવી ઉતાવળ મારે કરવી નથી.’ એમાં અડધી અડધી સદીનો થયો છતાં, કોઈની માંગ ભરી શક્યો નથી..!  કૈસે કૈસે પુતર રહેતે હૈ યાર..? એના કપાળમાં કાંદા ફોડું..! ઘણી વાર તો એવો પણ વિચાર આવે કે, આવા નખરેબાજને કારણે તો છોકરીના ઉત્પાદનમાં કાપ નહિ  આવ્યો હોય..? કહેવાય નહિ..! 

આવા  લોકોનાં અરમાન એવાં એફિલ ટાવર જેવાં હોય કે, ગરીબની સુંદર સુશીલ કન્યા પણ, તળેટીના સરનામાવાળી લાગે. પરસેવો પાડીને બાપાએ  PHD કરાવી હોય, એ ભૂલી જાય ને ટ્રમ્પદાદા જેવી ખુમારી આવી જાય. પત્ની કેવી જોઈએ તો કહે…
PHD પાસ હોય, ઇંગ્લીશમાં ખાસ હોય,
લચકતી ચાલ હોય બોયકોટ બાલ હોય
ગુલાબી ગાલ ને, હોઠ લાલ લાલ  હોય,
કપડા કમાલના ને સસરો માલદાર હોય

આવી ખુમારી કાઢે તો લક્ઝરી ક્યાં સુધી ઊભી રહે? છેલ્લે વાળમાં ચાંદી પડવા માંડે ત્યારે છકડા શોધવા માંડે..! અહાહાહા…શું ભારતવર્ષનો ઈતિહાસ હતો? રાજાઓને અનેક રાણી મળી રહેતી, છતાં રાજમાં કોઈ કુંવારું નહિ રહેતું. આજે તો એક વાઈફના પણ ફાંફા..!  ‘મૂળમાં મૂળજી કુંવારો, ને ડોહાને બે જોઈએ..!’ જેવી હાલત થઇ મામૂ..!  ખેતીમાં પાક ઓછો ઊતરે તો આયાત કરાય, સેન્સેક્ષ નીચો જાય તો એનો પણ ઈલાજ કરાય..! પણ છોકરીની અછત ઊભી થાય તો, પામર માનવી કરી પણ શું શકે..? યે સબ સશક્તિકરણકી કમાલ હૈ.

એના ફૂંફાડાથી  છોકરીઓ એવી Up-grade થઇ ગઈ કે, હવે એ ઓટલા પરિષદ કરતી નથી. સર્વાંગી રીતે  Smart બની ગઈ. અમારા વખતે તો, બંધ બાજી રમાતી. પૈણીને આવ્યા પછી ખબર પડતી કે, લમણે લાલનો એક્કો આવ્યો છે કે, કાળીની ચરકટ..! આજે છોકરીઓની અછત એવી લાધી કે, ઝમેટોવાળાએ પણ પૈણવું હોય તો, waiting list માં રહેવું પડે..! છોકરીઓ એવી સમજદાર થઇ ગઈ કે,  ‘Netflix’ જેવી જિંદગી જીવવાને બદલે, ‘દૂરદર્શન’  વેઠવા કેમ જવાય..? જે લોકો દીકરીને સાપનો ભારો માનતાં હતાં, એ હવે પુત્રવધૂ માટે વલખાં મારે છે બોલ્લો..! ચમનિયાએ તો શુલ્ભાનાં લગન માટે ચાલતા સારંગપુર જવાની બાધા રાખી છે. છતાં હજી મેળ પડ્યો નથી..!

લાસ્ટ બોલ
 ચમનિયાને એક રાતે એવું જોરદાર સ્વપ્નું આવ્યું કે, પથારીમાંથી બેઠો થઇને રડવા લાગ્યો.
વાઈફ કહે, ‘કેમ રડો છો? તો કહે, સ્વપ્નમાં મારા લગન થતાં હતાં..!
એ તો સારું કહેવાય, એમાં રડવાનું શું..? જલસા કરો…!
શું ધૂળ જલસા કરે..? લગન તે પણ તારી સાથે જ થતાં હતાં..!
તારા કપાળમાં કાંદા ફોડું..!.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top