પ્રભુ પર પ્રીતિ માટે ઊંચું ભણતર જરૂરી નથી પરંતુ પવિત્ર મન અને પવિત્ર વહેવારથી જીવતા સામાન્ય લોકો પણ પ્રભુની પાસે હોય છે. ભારતમાં ઘણા ભકતો થઇ ગયા તેઓ પાસે કંઇ યુનિવર્સિટીનાં પ્રમાણપત્રો નહોતાં પરંતુ આવા લોકો પ્રભુથી ક્ષણ માટે પણ વિખૂટા પડયા નહોતા. હાલતા, ચાલતા કે જીવનનાં કામો કરતાં જેઓનું મન સદા માટે પ્રભુ સાથે જ જોડાયેલું રહે છે તેવા ભકતો ભારતમાં ઘણા થઇ ગયા છે.
આવા ભકતો તો જીવનનાં નાનાંમોટાં પ્રત્યેક કામો ઇશ્વરને જોઇને જ કરતા રહે છે. કામ સફળ થાય તો તેનો ગર્વ પણ ન હોય કારણ કે એવા લોકો તો હૃદયથી માને છે કે, હું કંઇ જ નથી પરંતુ કર્તાહર્તા તો પ્રભુ જ છે. હું તો નિમિત્તમાત્ર બનું છું. આવા ઓળિયા જેવા ભકતો ભારતમાં ઘણા થઇ ગયા છે. નરસિંહ મહેતાનાં કાવ્યો જોતાં ખ્યાલ આવે છે કે તેઓ ક્ષણેક્ષણ પ્રભુની સાથે જ વીતાવતા હતા. નરસિંહ મહેતા જેવા કેટલાય લોકો આપણી આજુબાજુ જ જીવે છે. તેઓ ભલે રોજ ભજન ન કરતા હોય પરંતુ તેઓનું જીવન જ ઇશ્વરની સમીપ તેઓ વીતાવતા હોય છે. મંદિરોમાં આપણે જઇએ છીએ ત્યારે આપણી સામે પરમાત્માની મૂર્તિ હોય છે. જે ભકતો આ મૂર્તિના દર્શન કરી મૂર્તિનું અસ્તિત્વ પોતાનામાં પણ છે તેવો અનુભવ કરે છે તેઓ ઇશ્વરની સાથે જ જીવતા હોય છે.
આ અનુભૂતિ માત્ર સંસાર છોડીને જીવનારને જ થતી નથી પરંતુ ‘સંસારમાં સરસો રહે અને મન મારી પાસ’ની જેમ જેઓ જીવન જીવે છે તેવા લોકોને તેનો પાડોશી પણ આ ભકત છે એમ જાણતો ન હોય પરંતુ આવા ઓલિયા જેવા ઘણા લોકો આપણી આસપાસ જ જીવે છે. અગત્યનો વિચાર એ જ છે કે, આપણે આપણા મનથી પ્રતિક્ષણ કેવી રીતે જીવીએ છીએ. નાનાંમોટાં કાર્યોમાં જેઓ પ્રભુને સાથે રાખીને જીવે છે અને પોતાનાથી થતાં કામો કરે છે એવા કેટલાય લોકોને સમાજમાં લોકો કદાચ જાણતા પણ ન હોય પરંતુ તેઓ ઇશ્વરને જોઇને જ જીવન જીવે છે તેથી તેઓનું જીવન તથા તેઓનાં કાર્યોમાં પ્રભુની ઉપસ્થિતિ રહે જ છે. ખૂબ ભણવાથી કે ખૂબ વાંચવાથી આ સ્થિતિ પર પહોંચી શકાતું નથી પરંતુ પારદર્શક હૃદયથી જેઓ જીવન વીતાવે છે તેઓ પ્રભુની પાસે જ જીવે છે અથવા પ્રભુ આવા લોકોથી છૂટા પડતા નથી. જીવનનાં હર ક્ષેત્રોમાં પ્રભુમય જીવન જેઓ જીવે છે તેઓને સર્વમાં સર્વત્ર પ્રભુનું જ દર્શન થાય છે. આને લઇને આવા ભકતો પ્રત્યેક ક્ષણ ઇશ્વરની સમીપ રહીને જ જીવે છે. આ સ્થિતિ હોવાથી તેઓ કદાપિ દુષ્ટ વહેવાર કરી શકતા જ નથી. સંસ્કૃતમાં કહ્યું છે કે, ‘યત્રૈવ યત્રૈવ મનોમદીપ્ન તત્રૈવ તત્રૈવ તવસ્વરૂપમ્’ – જયાં જયાં મારું મન છે ત્યાં ત્યાં તમારા સ્વરૂપનું જ હે (પ્રભુ) હું દર્શન કરું છું. ‘સમાજમાં હજુ આજે પણ કયાંક આવા ભકતો જોવા મળે છે.