વર્ષો અગાઉ કોઈક કારણોસર આ લખનારના મગજમાં ઠસી ગયું હતું કે લોકો જૂઠું બોલે, પરંતુ સરકાર ના બોલે. 1969માં એપોલો મિશન હેઠળ એપોલો-11 યાને ચંદ્ર પર ઊતરાણ કર્યું ત્યારે ઘણા લોકો અને સંસ્થાઓ, તેમાં કેટલાક જૈન સાધુઓ પણ હતાં, તેઓ રજૂઆત કરતા હતા કે ચંદ્ર પર કોઈ માનવ પહોંચ્યો નથી અને અમેરિકાનો આ ખોટો પ્રચાર છે, દુનિયામાં પોતાની અને પોતાના વિજ્ઞાનની ધાક જમાવવા માટે. પરંતુ ત્યારે હતુ કે અમેરિકાની સરકાર જૂઠું થોડી બોલતી હશે?
જે અમેરિકન ચંદ્રયાત્રીઓ ચંદ્ર પર પ્રથમ વખત પહોંચ્યા એમના માટે અમેરિકામાં એટલો ઉમળકો કે કૂતુહલ વર્તાતા ન હતા, જેટલા કોઈ હોલિવૂડના હીરો હિરોઈનો માટે અમેરિકામાં હોય છે. નીલ આર્મસ્ટ્રોંગ, માઈકલ કોલીન્સ અને બઝ આલ્ડ્રીન વગેરેની મુલાકાતો ક્યારેક મિડિયામાં પ્રસિદ્ધ થતી. આજે મોટા ભાગની દુનિયા જાણતી નથી કે એ 3માંથી 2ના અવસાન થયા છે અને 95 વર્ષની ઉંમરે માત્ર બઝ એલ્ડ્રીન હયાત છે. નીલ આર્મસ્ટ્રોંગનું 2012માં અને માઈકલ કોલીન્સનું 2021માં અવસાન થયું ત્યારબાદ વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે, પરંતુ છેલ્લા 52 વર્ષમાં ચંદ્ર પર માનવીને મોકલવા બાબતે અમેરિકાએ સાવ ઉદાસીનતા જાળવી હતી. સાઠના દશકમાં અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે શીતયુધ્ધ ચરમસીમાએ હતું તે દરમિયાન સોવિયેત સંઘે ઈતિહાસમાં સૌ પ્રથમ યુરી ગાગેરીન નાયક અવકાશયાત્રીને 1961માં અવકાશમાં મોકલ્યો ત્યારે અમેરિકાને થયું કે અવકાશ વિજ્ઞાનમાં સામ્યવાદી સોવિયેત સંઘ અમેરિકાથી આગળ નિકળી ગયો. એ વખતે તો ગાગેરીન જમીનથી 301 કિ.મી. આકાશમાં પહોંચી પૃથ્વીની પરિક્રમા કરીને જમીન પર પાછા આવી ગયા હતા. અમેરિકામાં પ્રમુખ તરીકે ત્યારે જ્હોન એફ. કેનેડી હતા. 1961 બાદ એમણે જાહેરાત કરી કે અમેરિકા ચંદ્ર પર માનવી મોકલશે. અને માત્ર 6-7 વરસમાં મિશનો શરૂ થઈ ગયા. વાસ્તવમાં પ્રથમ મિશન 21 ફેબ્રુઆરી 1967ના રોજ રવાના થવાનું હતું, પરંતુ 27 જાન્યુઆરી 1967ના રોજ લોન્ચ પેડ પરના એક રિહર્સલ વખતે જ કેબીનમાં આગ લાગી ગઈ અને મિશન પર જવાના હતા એ ત્રણ અવકાશયાત્રીઓ ગસ ગ્રીસોમ, એડ વ્હાઈટ અને રોજર શામનાં ત્યાં જ સળગી જવાથી મરણ નીપજ્યાં.
ત્યારબાદ 11 ઓક્ટોબર, 1968ના રોજ સમાનવ એપોલો-સાત મિશન લોન્ચ થયું. એ ચંદ્ર પર ઊતર્યું ન હતું. 20 જુલાઈ, 1969ના રોજ એપોલો 11 પ્રથમ વખત ચંદ્રની ધરતી પર ઊતર્યું. ત્યારબાદ એપોલો 12 ગયું. તેરમું ગયુ અને મુશ્કેલીમાં મુકાયું. તેના અવકાશયાત્રીઓને કેવી રીતે બચાવી લેવાયા તેની દિલધડક દાસ્તાન રજૂ કરતી ફિલ્મ પણ આવી ગઈ અને ખૂબ સફળ રહી.

વારંવાર એ સવાલ પૂછાઈ રહ્યો છે કે એપોલો-11 ખરેખર ચંદ્ર પર ઊતર્યું હતું. એક વર્ગ કહે છે કે એ સમયની જે તસવીરો અને ફિલ્મો છે ને અમેરિકાના એક રણવિસ્તાર, જ્યાંની જમીન ચંદ્રની હોય તેવી લાગે ત્યાં શૂટ કરાઈ હતી. અહેવાલો પ્રમાણે 1969થી 1972 દરમિયાન કુલ 6 મિશનોએ ચંદ્રની ધરતી પર ઊતરાણ કર્યું હતું. 11, 12, 14, 15, 16 અને 17. આ બધાના મળી કુલ બાર અવકાશવીરોએ ચંદ્ર પર પગલાં ભર્યાં છે. વર્ષ 1972 પછી એવું શું થયું કે એપોલો મિશન બંધ થયા અને કોઈ નવા શરૂ ન થયાં? ઘણાં લોકોની દલીલ છે કે અમેરિકાએ એપોલો મિશનની આખી વાર્તા ઊપજાવી કાઢી હતી.
વર્ષ 1961માં યુરી ગાગેરીને અવકાશમાં ઈતિહાસની સૌપ્રથમ લટાર મારી. ત્યારબાદ જે એફ કેનેડને ચંદ્ર ઉપર પહોંચવાની ઈચ્છા થઈ આવી અને એટલી બધી તૈયારીઓ કરી લીધી કે માત્ર નવ વરસમાં બધી તૈયારીઓ કરી લીધી. વોશિંગ્ટનમાં એરોસ્પેસ મ્યુઝિયમ છે અને ત્યાં એપોલો મિશનના યાનોની બોડી પ્રદર્શન માટે મૂકાયેલી છે. એપેલો-11ના અવકાશવીરો પોતાની સાથે ટૂથપેસ્ટ, બ્રશ અને અન્ય ચીજો લઈ ગયા હતા તે પણ પ્રદર્શનમાં છે અને આ લખનારે તે જોઈ છે. સવાલ એ છે કે પુરાવા મૂક્યા છે ત્યારે વિશ્વાસ કરવો કે નહીં?
1972 પછી તો અમેરિકાની આર્થિક, વૈજ્ઞાનિક, ટેક્નોલોજીકલ ક્ષમતાઓમાં પ્રચંડ વધારો થયો છે. કોમ્યુટર્સ, સંદેશા વ્યવહાર વગેરેની આજે અદભૂત ટેક્નોલોજી વિકસી છે તે ત્યારે ન હતી એ પછી 58 વર્ષ પસાર થઈ ગયા પરંતુ ચંદ્ર સાથેનો સંબંધ અમેરિકાએ સદંતર કાપી નાખ્યો. તેના અમુક કારણો હોઈ શકે. એક તો ચંદ્ર પરથી કશીક મૂલ્યવાન ધાતુઓ હાથ લાગશે એવી આશા રહી નહી હોય. અથવા તો એ બનાવટી મિશનો હતાં અને તેમાં આગળ વધવાનું ચાલુ રાખ્યું હોત તો સોવિયેત સંઘ સહિત અન્ય વિકસિત દેશોએ તે પોલ ખોલી નાંખી હોત. તો પણ છેલ્લાં 58 વર્ષની નિષ્ક્રિયતા અસાધારણ કહેવાય. આજે પણ ઈલોન મસ્કની કંપનીએ પ્રચંડ શક્તિ ધરાવતા સ્પેસએક્સ રોકેટો શોધ્યા છે ત્યારે અમેરિકા ચંદ્ર પર જવા માટે સંભાળપૂર્વક આગળ વધી રહ્યું છે. જો આજની અદભૂત ટેક્નોલોજીમાં ચંદ્ર પર જવાનું ખૂબ અઘરૂં પડી રહ્યું છે તો 1968થી 1972 વચ્ચે ક્યો ચમત્કાર કામ કરી ગયો? ત્યારે ત્રણ અવકાશયાત્રીઓ જમીન પર જ સળગી ગયા હતા. અને આજની વધુ ચોક્કસ ટેક્નોલોજીમાં પણ અમેરિકા ડરી ડરીને પગ મૂકી રહ્યું છે. જો તમારા 12 જેટલા અવકાશયાનો ત્યાં 57-58 વરસ પહેલા આસાનીથી જતાં આવતા હતા તો હવે ડર શાનો છે? જે હમણાં નાસાનું આર્ટેમિસ-2 મિશન ચાર અવકાશયાત્રીઓ સાથે બીજી એપ્રિલના રોજ રવાના થયું તેમાં એક મહિલા અવકાશયાત્રી છે. 10 દિવસના મિશનમાં અવકાશયાત્રીઓ ચંદ્રની જમીન પર ઉતરવાના નથી. માત્ર રેકી અર્થાત્ અન્ય સંશોધનો કરીને પાછા ફરી જશે. ત્યારબાદના નાસાના આર્ટેમિસ-3 મિશનના યાત્રીઓ ચંદ્ર પર ઊતરાણ કરશે. જે 4 અવકાશયાત્રીઓ રવાના થયા છે તેઓનાં નામ છે, કમાન્ડર રીડ વાઈઝમેન, પાયલટ વિફટર ગ્લોવર, મિશન સ્પેશિયા લિસ્ટો જેરેમી હેનસન અને ક્રિસ્ટીના કોચ. અનેક નવી ટેક્નોલોજી હાલની યાત્રામાં તપાસવામાં આવશે, જેમ કે અવકાશયાનોનો ફરી વખત ઉપયોગ શક્ય બનશે ખરો? યાન કેટલું સક્ષમ છે? એ ચંદ્રની પાછળની બાજુએ જશે અને ત્યારે પૃથ્વી સાથેનો સંપર્ક જળવાઈ રહેશે કે કેમ? તે પણ પ્રથમ વખત ચકાસી જોવામાં આવશે. ચંદ્રની એ અંધારી બાજુ પૃથ્વી સામે આવતી નથી. એ બાજુ પર અમાનવ ચંદ્રયાન લેન્ડ કરાવવામાં ચીન જગતમાં પ્રથમ વખત સફળ થયું છે. જોકે દાવા પ્રમાણે એપોલો મિશનના એસ્ટ્રોનોટ્સ એ અંધારી બાજુ પર પ્રદક્ષિણા કરી આવ્યા છે. હાલના આર્ટેમિસ મિશનમાં એ ભાગ પર વધુ સંશોધનો કરશે. એ ડાર્ક સાઈડ વાસ્તવમાં ડાર્ક નથી. ત્યાં પણ સૂર્યનો પ્રકાશ આવે છે. પણ તે ચંદ્રની પાછળનો ભાગ છે તેથી પૃથ્વી પરથી જોઈ શકાતો નથી. ભારતનું ચંદ્રયાન 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરાવાયું તે પણ ઈતિહાસની સર્વપ્રથમ ઘટના છે. ભારત, ચીન વગેરે ચંદ્રને મહત્ત્વ આપવા લાગ્યા તેથી પણ અમેરિકાને ચાનક ચડી હશે કે પોતે પાછળ ન રહી જાય.
અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે અવકાશ સર કરવાની જબરી સ્પર્ધા હતી, પરંતુ સોવિયેત સંઘે એપોલો મિશન બાદ પણ ક્યારેય પોતાના અવકાશ વીરોને ચંદ્ર પર ઊતારવાના ગંભીર પ્રયત્નો કર્યા ન હતા. આ સ્પર્ધા 1990 સુધી ચાલી. તેનો એક અર્થ એ હોઈ શકે કે ચંદ્ર પર માનવી ઊતારવાનું સોવિયેત સંઘને અશક્ય જણાયું હશે. સાઠના દશકમાં પ્રયત્ન કરી જોયો હતો પરંતુ ટેક્નિકલ કારણોસર એ મિશન નિષ્ફળ ગયું હતું. જોકે ચંદ્ર પર લ્યુના-9 નામક આપમેળે ચાલતી ગાડી ઊતારવામાં અને તેને પૃથ્વી પર પાછી લઈ આવવામાં રશિયાને સફળતા મળી હતી.
સોવિયેત સંઘ અને રશિયા બંને વચ્ચે પોતાને સવાયા સાબિત કરવાની હોડ મચી હતી. શક્ય છે કે બંને દેશોએ જૂઠાણાં ચલાવ્યાં હોય અથવા બંને સાચા હોઈ શકે. કોઈક એક સાચું હોઈ શકે. અમેરિકાએ એપોલો મિશનોનું તૂત કે જૂઠાણું ચલાવ્યું હતું તેવુ કોન્સ્પીરસી થીયરીસ્ટો માને છે, પરંતુ તેનાથી પણ મોટો વર્ગ માને છે કે આ જૂઠાણું નથી. નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રીન ચંદ્ર પર ચાલ્યા હતા તે એક હકીકત છે. કોન્સ્પીરસીવાળાઓની દલીલ છે કે ચંદ્રની જમીન પર ત્યારે જે તસવીરો અને ફિલ્મો લેવાઈ હતી. તેમાં ત્યાં રોપાયેલો અમેરિકન ધ્વજ ફરકતો દેખાયો છે જો ત્યાં હવા નથી તો ધ્વજ ફરકે શી રીતે? અવકાશ યાત્રી, યાન અને ધ્વજનાં જે પડછાયાં છે તે પણ સમાંતરે નથી. જોકે ઘટનાને સત્ય માનનારા તેનો જવાબ આપે છે. તે મુજબ ધ્વજ સાથે એક આડો સળિયો ધ્વજને ખુલ્લો રાખવા માટે ઊપરની બાજુએ જોડવામાં આવ્યો હતો. જમીન પર તે ગાડવામાં આવ્યો ત્યારે ગુરુત્વાકર્ષણને કારણે ઊપરથી નીચે તરફ રીપલ ઈફેક્ટ અથવા તરંગ જેવી અસર પેદા થઈ હતી તેથી અમુક ક્ષણ પૂરતો ધ્વજ હલતો દેખાય છે.
બીજી દલીલ શંકાશીલોની એ છે કે એ વખતે આસમાનમાં અંધારૂ છે તો તારાઓ કેમ દેખાતા નથી? તેનો જવાબ એ અપાય છે કે ચંદ્ર પર એપોલોનું ઉતરાણ થયું ત્યારે ત્યાં દિવસ હતો, પૂરતો પ્રકાશ હતો. અવકાશવીરોએ સફેદ સ્પેસસૂટ પહેર્યાં હતા તેના ઊજાસમાં ધીમાં ચળકતાં તારાઓ, ખાસ કરીને શોર્ટ કેમેરા શટર સ્પીડમાં કેમેરામાં ઝડપાયા નથી. ચંદ્રની ધરતી ઊબડખાબડ હોવાથી અને તસવીરો માટે વાઈડ એંગલ લેન્સ વપરાયા હોવાથી પડછાયાઓ સમાંતરે જણાતા નથી. શંકાશીલોની દલીલ છે કે ચંદ્રયાન જ્યાં ઊતાર્યું ત્યાં ખાડો પડ્યો નથી. જવાબમાં બચાવકારો કહે છે કે જેમ જેમ ચંદ્રની ભૂમિ નજીક ગયું તેમ થ્રોટલને ધીમું અને બંધ કરવામાં આવ્યું. વળી ત્યાં હવા નથી તેથી તે માટી ઊડીને જગ્યા થઈ નથી.
શંકાશીલો કહે છે કે ચંદ્રની ધરતી પર વાત એલન નામક વિકિરણો, રેડીએશનનો બેલ્ટ હોવાથી અવકાશવીરો ત્યાં સલામત રહી શક્યા ન હોત. નાસા તેના જવાબમાં કહે છે ચંદ્રયાનની ફલાઈટનો રૂટ એ રીતે ઘડવામાં આવ્યો હતો કે અવકાશવીરોને રેડીએશનનો સૌથી ઓછા પ્રમાણમાં સામનો કરવો પડે. વળી અવકાશયાન પર બરાબર સુરક્ષા કવચ મઢેલું હતું તે ત્યાંના ખૂબ ટૂંકા રોકાણ માટે પર્યાપ્ત હતું. આ મિશન ઊપજાવી કઢાવેલું, ફેંક હતું એ શંકાને હોલીવૂડની ફિલ્મો, જેવી કે ‘કેપ્રિકોર્ન વન’ વગેરેએ વધુ હવા આપી હતી. આ મિશન આર્ટેમિસ-2 પોતાની રીતે અનોખું છે. આ મિશન ચંદ્રની સપાટીથી 800 કિલોમીટરથી વધુ નજીક રહીને પસાર થશે. મિશન સાથે ઓરીઓન સ્પેસક્રાફ્ટ છે. ચંદ્ર અને પૃથ્વીના બે બિંદુઓ ગણી તે રૂટનો અંગ્રેજી આઠનો આંકડો રચશે. મિશનની ઊડવાની ઝડપ પણ રેકોર્ડ બ્રેક કરશે. ચંદ્રની પેલી બાજુએ પણ તે 65,000 કિલોમિટર સુધી દૂર જશે. સરળ ભાષામાં કહીએ ચંદ્રને બાજુએથી પસાર કર્યા બાદ 65,000 કિલોમિટર તે વધુ આગળ જશે. અવકાશવીરો ઓરીઓન કેપ્સુલ (કક્ષ)ને હાથથી પાઈલટ કરવાના પ્રયોગો કરશે. રેડીએશનનું માપ જાણશે અને હવે પછી જનારા આર્ટેમિસ-3 માટે ઊતરાણનું સ્થળ નક્કી કરીને આવશે. દસ દિવસ પૂરા થયે પેસેફિક મહાસાગરમાં યાન ડૂબકી મારીને તે જમીન પર આગમન કરશે.