Comments

ગાંધી મૂલ્યો અને ગાંધીછાપ નોટોના સંઘર્ષમાં કોણ જીતશે?- એ સમય નક્કી કરશે કે આપણે?

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના પીલવાઇ ગામની કોલેજમાં હમણાં જ એક ઉત્સવ યોજાયો. પ્રસંગ હતો કોલેજ કેમ્પસને ભૂતપૂર્વ આચાર્ય શ્રી જે.ડી.તલાટી સાહેબનું નામ આપવાનો! દાતાઓના નામ સાથે સંસ્થાઓ જોડાઈ હોય તે બધે જોવા મળે છે પણ શિક્ષણ સંસ્થાએ પોતાના નિવૃત્ત આચાર્યની પ્રતિમા મૂકી હોય અને કેમ્પસને નામ આપ્યું હોય તેવું ભાગ્યે જ બને છે. વળી એક ઘટના તો એથી પણ આગળ છે. પીલ્વબાઈ કોલેજમાં આચાર્ય તરીકે છવ્વીસ વર્ષ ફરજ બજાવી નિવૃત્ત થયેલા ડૉ.જે.ડી.તલાટી સાહેબના અવસાન બાદ તેમણે વર્ષો પહેલા ખરીદેલા શેર પરિવારજનોને હાથ લાગ્યા જેનું બજાર મુલ્ય છ-સાત કરોડથી વધુનું હતું. તલાટી સાહેબના પત્ની શ્રીમતી નલીની બહેને આ રૂપિયામાંથી પોતના વતન મોડાસામાં મેડીકલ કોલેજ અને નર્સિંગ કોલેજની સુવિધા વધે તે માટે ચાર કરોડથી વધુનું દાન મોડાસા કોલેજમાં આપ્યું અને પોતાના પતિએ જ્યાં જીવનના છવ્વીસથી વધુ વર્ષ આચાર્ય પદ શોભાવ્યું ત્યાં પણ કોઈ શરત વગર એકાવન લાખ રૂપિયાનું દાન આપ્યું. પોતાને ત્યાં કામ કરનારા સેવકોને પણ મોટી આર્થિક મદદ કરી.

આ કિસ્સો આજે એટલા માટે લખ્યો છે કે ભારતીય ઉપનિષદમાં “તેન ત્યક્તેન ભુંજીથા”નું મહત્વ છે. “તેને તું ત્યાગીને ભોગવ” આ વિચારના આધારે જ ગાંધીજીએ ટ્રસ્ટી શીપનો સિધ્ધાંત આપ્યો હતો અને ભારતમાં ટ્રસ્ટી શીપનો કાયદો પણ બન્યો. ગાંધીજીએ દેશના ધનિકોને કહ્યું કે તમારી સંપત્તિ પર માત્ર તમારો આધિકાર નથી. તમે તેના માલિક બની સ્વ લાભાર્થે વપરાશ કરવાને બદલે તેના રખેવાળ બની સમાજ ઉપયોગી કામમાં વાપરો.

ભારતમાં એક સમય હતો જ્યારે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે જેવા સમાજચિંતકોની અપીલ પછી અનેક લોકોએ પોતાની સંપત્તિનું જાહેર ટ્રસ્ટ બનાવ્યું હતું અને જાહેર ટ્રસ્ટો દ્વારા હોસ્પિટલો, સ્કૂલો, ધર્મશાળાઓ, મંદિરો ચલાવવામાં આવ્યા. શિક્ષણનાં ક્ષેત્રમાં અનેક લોકોએ પોતાની સંપત્તિ સમાજમાં જ્ઞાન અને શિક્ષણનું પ્રમાણ વધે તે માટે ટ્રસ્ટ બનાવી સ્કૂલો ખોલી, આ શાળાઓ સમાજને મળેલા આશીર્વાદ રૂપ હતી. આજે સમાજમાં જે લેખકો, શિક્ષકો, નેતાઓ, વક્તાઓ, ઉદ્યોગપતિઓ, વહીવટદારો, વૈજ્ઞાનિકો છે તે બધા જ આ ટ્રસ્ટ દ્વારા ચલાવતી અને ખુબ નજીવી ફી લેનારી સંસ્થાઓમાં ભણ્યા હશે. આજે જેઓ એમ કહે છે કે અમે શહેરમાં ખાનગી સ્કુલમાં આમારા બાળકોને ભણાવીએ છીએ તે બધા જ આ સરકારી ગણાતી ગ્રાન્ટ ઇન ઍઇડ સ્કુલોમાં ભણ્યા છે પણ હવે સમય બદલાયો છે આ જાહેર ટ્રસ્ટથી ચાલતી સ્કુલોના ટ્રસ્ટીઓની નવી પેઢી આવી છે.

જે નવી ખાનગીકરણ અને ઉદારીકરણની સમજણમાં મોટી થઇ છે, તેને સમાજ માટે પોતાની સંપત્તિ આપવાની વાત તો દૂર પણ જાહેર સેવાઓ સસ્તી અને ગરીબ વર્ગને પોસાય તે રીતે આપવા સામે પણ વાંધો છે એ લોકો આ જાહેર સંસ્થાઓને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરવામાં જરા પણ શરમ અનુભવતા નથી અને એમાય જે સરકારી સહાય લેતી સંસ્થાઓમાં ખાનગી શાળા-કોલેજો શરુ થયા છે. ત્યાં પ્રજા બિચારી એ પણ સમજી નથી શકતી કે આમાં ફેર શું? જેમ કે ગ્રાન્ટેડ સ્કુલ કે કોલેજમાં સેલ્ફ ફાઈનાન્સ વર્ગ કે કોર્ષ ચાલુ કરવામાં આવ્યા હોય તો લોકો તો એમ જ માને છે કે આ જુદી કોલેજ કે સ્કુલમાં જે ભણાવાય છે તે બધું જ સરખું જ છે સરકારી જ છે.

આપણે ત્યાં સ્કુલ કોલેજોની બાબતમાં એવું છે કે તે શરુ કરવા માટે સરકારની મંજુરી જોઈએ એ વખતે વર્ગખંડોની સંખ્યા, લાઈબ્રેરીની સગવડ, શિક્ષકોની સંખ્યા, ગુણવત્તા મેદાન, પ્રાથમિક સુવિધાઓ બધુ જ તપાસી મંજુરી આપવામાં આવે છે. પણ એક વાર આ મંજુરી મળી જાય પછી સરકાર જોવા જ નથી આવતી કે જમીની લેવલે શું ચાલે છે. સ્કુલો માટે તો હજુય વાલી થોડા જાગૃત હોય છે પણ કોલેજો અને ખાસ તો વ્યવસાયીક કોર્સ ચલાવતી કોલેજોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને ફેકલ્ટી સુધીની બાબતો સાવ નબળી હોય છે. ભ્રષ્ટાચારનું દુષણ મંજુરીની પ્રક્રિયાને પણ લાગ્યું છે અને સ્કુલ કોલેજો એ એક પ્રકારની દુકાનનાં લાઇસન્સ છે. જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંનેનું શોષણ થઇ શકે છે અને ઘણા બહુ નિરાંતે કરે પણ છે.

ભારતીય સંસ્કૃતિમાં વહેંચવાનો મહિમા છે. તે આ દાનમાં દેખાય છે. સરકારે જ્યારે ‘ખેડે તેની જમીન’નો કાયદો બનાવ્યો ત્યારે ગુજરાતમાં ક્યાંય પણ સંઘર્ષ વગર જમીનદારોએ પોતાની જમીનો ગણોતીયા કે ખેડૂતના નામે કરી. આ સંતોમહંતો અને ગાંધી વિચારની અસર હતી. જ્યાં માણસ સમાજ માટે ઉપયોગી થવાનું વિચારતો. આજે ખાનગીકરણ અને વ્યાપારીવૃત્તિના સમયમાં લોકો જાહેર ટ્રસ્ટ કે સામુહીક સેવાની જગ્યામાંથી પણ ઘર ભેગું કરવામાં પડ્યા છે. શાળા-કોલેજો જ્ઞાન વહેંચવાની જગ્યાને બદલે રૂપિયા કમાવાની જગ્યા બન્યા છે.

સેલ્ફ-ફાઈનાન્સ કોલેજો ખોલી, વિદ્યાર્થીઓ-શિક્ષકો-અધ્યાપકોનું શોષણ કરી કરોડો કમાવાની વૃત્તિ ગાંધી મૂલ્યો સામે ગાંધીછાપ નોટોનું મહત્વ વધારી રહી છે. દુખ તો એ વાતનું છે કે વર્ષો પહેલા પોતાની તમામ મિલકત સમાજને ચરણે ધરી દેનારા દાતાઓનાં વારસદારો જ આજે જાહેર ટ્રસ્ટ મારફતે રૂપિયા કમાવમાં પડ્યા છે. આ બધાની વચ્ચે શ્રીમતી નલીની બહેન તલાટી જેવા લોકો ભારતીય સંસ્કૃતિ અને ગાંધી વિચારને જીવાડવા અને જીતાડવા માથી રહ્યા છે. હવે જવાબદારી આપણા સૌની છે કે આપણે સઘળું “વેચવાની”મુડીવાદી સંસ્કૃતિ જીવાડવી છે કે “તેને તું ત્યાગીને ભોગવની” “વહેંચી ખાવાની” સંસ્કૃતિ જીવાડવી.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top