સોની, સુવર્ણકાર, સુનાર જે સોના ચાંદીનાં આભૂષણો, દાગીનાઓ ઘડાવનાર ગરીબ કારીગરોની જ્ઞાતિ છે. પહેલાં તો બધી જ જ્ઞાતિનાં લોકો સોનીના 10X10 ના દુકાનમાં જ વર-વધૂનાં અલંકાર બનાવી લેતા હતા પણ આ આધુનિક યુગમાં તૈયાર દાગીનાઓની મોટી મોટી પ્રશસ્ત પેઢીઓ ઉભરી ગઇ છે. મશીનથી અલંકાર બનતાં હોય છે. તો પેઢી દર પેઢી સોનીનો ધંધો કરનાર કારીગરની રોજીરોટી છીનવાઇ ગઇ છે. એના પરિવાર સભ્યો ભણતાં બાળકો ભયમાં મુકાઇ ગયાં છે. એક જમાનાનો સુખી સોની સમાજ દુ:ખી સમાજમાં પરિવર્તિત થયો છે. એટલે ગુજરાતમાં રહેનારો સોની કષ્ટ અને યાતનાઓનો સામનો કરી રહ્યો છે.
દેશનાં અનેક રાજયોમાં સોની જ્ઞાતિને OBC (ઓબીસી) અંતર્ગત સમાઇ લીધું છે. તો સરકાર તરફથી જે કાંઇ રાહત મળે છે તે આ સમાજને ઉપયોગી પડે છે. પણ ગુજરાત સરકારે સોની જ્ઞાતિને OBC માં સ્થાન આપ્યું નથી, અને તે જ્ઞાતિના વિદ્યાર્થી અને પરિવાર સરકાર તરફથી મળનારા લાભોથી વંચિત છે. સુવર્ણકાર જ્ઞાતિને સરકારી નિયમાનુસાર અનેક પ્રકારે ફોર્મ ભરીને આપ્યાં છે. સરકારના સ્વતંત્ર પંચ સાથે રૂબરૂ વાતો કરી છે. પણ આશ્વાસનો સિવાય કોઇ જાતનું સ્પષ્ટીકરણ થયું નથી. વિધાનસભાની ચૂંટણી પહેલાં સોની જ્ઞાતિ ઓ.બી.સી. માં આવી જ જશે એવો નિર્ણય પણ સંભળાવ્યો હતો.
પણ ભાજપ સરકારના સંકલ્પપત્રમાં જ્ઞાતિવિષયક ‘વિશ્વકર્મા નિગમથી સ્થાપના સંકલ્પમાં’ અન્ય જાતિના ઉલ્લેખમાં ‘સુનાર સોની’ જાતિનું જ નામ નથી. વાસ્તવિક વિશ્વકર્માએ જે જાતિઓ બનાવી તેમાં પ્રથમ ક્રમે ‘સુનાર’ પછી સુથાર, લોહાર, કડિયા, કંસારા, પંચાલ વગેરે જ્ઞાતિઓ છે. અન્ય રાજયોમાં ઓ.બી.સી.માં માન્ય સોની સમાજની આ જ્ઞાતિ ગુજરાતમાં ઓબીસીમાં કેમ આવતી નથી? અને આ જ્ઞાતિ પરનો અન્યાય કોણ દૂર કરશે?
સુરત – બાળકૃષ્ણ વડનેરે – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઓછું મતદાન એ ચિંતાનો વિષય છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનું મતદાન પૂર્ણ થયું છે તેનો અભ્યાસ કરીએ તો જણાશે કે આ અગાઉની ચૂંટણીની સરખામણીમાં ટકાવારીની દૃષ્ટિએ 6 ટકાથી 7 ટકા ઓછું મતદાન થયું છે. જેમાં કેટલાંક ગામોમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે, જે લોકશાહીની દૃષ્ટિએ વિચારીએ તો ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે કેમ કે ગયા વિધાનસભાની ચૂંટણીમાં પાંચ વર્ષ પછી પ્રથમ મતદાન કરતાં યુવાનોની સંખ્યા પાંચ લાખ કે તેથી વધુ મતદાતાઓ કુલ સંખ્યામાં વધારો થયો છે. પરંતુ આ યુવાનો જે દેશનું ભવિષ્ય છે તેમણે મતદાન કરવામાં નિરસતા પ્રદર્શિત કરી છે જે તમામ પક્ષોના વરિષ્ઠ નેતાઓ માટે ચિંતન કરવાનો વિષય છે.હવે પછી 2024માં આવનાર લોકસભાની ચૂંટણી માટે દેશની પ્રજા ઉત્સાહિત થઈને મતદાન કરે એ માટે સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષોએ પ્રજાની ચિંતાના મુદ્દાઓ સમજી તેનું યોગ્ય નિરાકરણ કરવું રહ્યું.
સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.