Columns

રતન ટાટાની ૩,૮૦૦ કરોડ રૂપિયાની સંપત્તિનો વારસદાર કોણ બનશે?

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન નવલ ટાટાનું ૮૬ વર્ષની વયે અવસાન થયું છે. રતન ટાટાના અવસાનથી ભારતના ઔદ્યોગિક જગતને મોટો આઘાત લાગ્યો છે. રતન ટાટા પોતાની પાછળ ૩,૮૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છોડતા ગયા છે. રતન ટાટાના નિધન બાદ હવે દરેક લોકો જાણવા માંગે છે કે તેમની સંપત્તિનો વારસદાર કોણ બનશે? રતન ટાટાએ લગ્ન નથી કર્યા. તેનું પોતાનું કોઈ કુટુંબ નથી કે દત્તક લીધેલું કોઈ સંતાન નથી? આવી સ્થિતિમાં ઉત્તરાધિકારીને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. ટાટા ગ્રુપમાં આગામી પેઢીના નેતૃત્વ વિશે હંમેશા ચર્ચાઓ થતી રહી છે. હવે લોકો જાણવા માંગે છે કે રતન ટાટાની અપાર સંપત્તિનો માલિક કોણ હશે?

માયા ટાટા વિશે એવી ચર્ચા છે કે તેઓ ટાટા ગ્રુપના બિઝનેસ અને વારસાને સંભાળી શકે છે. માયા ટાટા ઉપરાંત તેમના ભાઈ નેવિલ ટાટા પણ તેમના વારસદાર બની શકે છે. આ બંને ટાટા ગ્રુપમાં સતત વિકાસ કરી રહ્યા છે અને અન્ય પ્રોફેશનલ્સની જેમ કંપનીમાં કામ કરી રહ્યા છે. જો કે રતન ટાટાના ઉત્તરાધિકારી બનવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ સંદર્ભમાં માયા ટાટાનું નામ ચર્ચામાં છે.

નોએલ ટાટા રતન ટાટાના સૌથી નજીકના સંબંધીમાંના એક છે. નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે. આ કૌટુંબિક સંબંધો નોએલ ટાટાને રતન ટાટા વારસાને સંભાળવામાં મહત્ત્વની સ્થિતિમાં મૂકે છે. નોએલ ટાટાનાં ત્રણ બાળકો છે, જેમને રતન ટાટાના સંભવિત વારસદાર તરીકે જોવામાં આવે છે. તેમનાં નામો માયા ટાટા, નેવિલ ટાટા અને લેહ ટાટા છે. આ ત્રણમાંથી માયા ટાટાના વારસદાર બનવાની સૌથી વધુ તકો છે.

માયા ટાટા પરિવારની યુવા પેઢીનો એક ભાગ છે. માયાની માતા આલુ મિસ્ત્રી આયર્લેન્ડની નાગરિક છે. તે સાયરસ મિસ્ત્રીની બહેન છે, જેઓ ટાટા ગ્રુપના ચેરમેન હતા. એવું માનવામાં આવે છે કે રતન ટાટા ટાટા જૂથનો વારસો સંભાળવા માટે માયાને તૈયાર કરી રહ્યા હતા. માયા તેના ભાઈ-બહેન લીઓ અને નેવિલ સાથે ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટના બોર્ડ સભ્ય છે. ટાટા પરિવારના સમૃદ્ધ વારસાના ભાગરૂપે માયામાં પણ બિઝનેસમાં વૃદ્ધિ કરવાની ક્ષમતા છે.

એવું માનવામાં આવે છે કે નોએલ ટાટા રતન ટાટાની મિલકતોના વારસદાર હશે. અત્યાર સુધી રતન ટાટાનું કોઈ વિલ સામે આવ્યું નથી, તેથી તેમના પારિવારિક સંબંધી હોવાને કારણે નોએલ ટાટાને તેમના ઉત્તરાધિકારી તરીકે ગણવામાં આવે છે.રતન ટાટાના પિત્રાઈ નેવલ ટાટાની બીજી પત્ની સિમોનથી જન્મેલા નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે. આ કૌટુંબિક બોન્ડ નોએલ ટાટાને ટાટા વારસો સંભાળવા માટેના અગ્રણી દાવેદારોમાંના એક બનાવે છે. તેમનાં ત્રણ બાળકોએ પણ બિઝનેસ જગતમાં પોતાની ઓળખ બનાવી છે અને ટાટા ગ્રુપ સાથે કોઈ ને કોઈ રીતે સંકળાયેલા છે. નોએલ ટાટા સાથે રતન ટાટાના સારા સંબંધો હતા અને સાવકા ભાઈઓ હોવા છતાં બંને ભાઈઓ વચ્ચેના સંબંધોમાં ક્યારેય તિરાડના સમાચાર બહાર નથી આવ્યા.

નોએલ ટાટાનાં ત્રણેય બાળકો હાલમાં ટાટા ગ્રુપમાં જુદી જુદી જવાબદારીઓ સંભાળી રહ્યાં છે. ૩૪ વર્ષીય માયા ટાટાએ ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને ટાટા ડિજિટલમાં ભૂમિકાઓ સંભાળી છે. ટાટાની નવી એપ લોન્ચ કરવામાં તેમનો ઘણો ફાળો હતો. ૩૨ વર્ષનો નેવિલ ટાટા અગ્રણી હાઇપરમાર્કેટ ચેઇન સ્ટાર બજારનું નેતૃત્વ કરે છે. ૩૯ વર્ષીય લિયા ટાટા ટાટા ગ્રુપના હોસ્પિટાલિટી સેક્ટરનું ધ્યાન રાખે છે. તે તાજ હોટેલ્સ રિસોર્ટ્સ અને પેલેસ સંભાળે છે.

લિયા ટાટા નોએલ ટાટાનાં ત્રણ બાળકોમાં સૌથી મોટી પુત્રી છે. લિયાને ટાટા ગ્રુપના હોસ્પિટાલિટી સેક્ટરની કરોડરજ્જુ માનવામાં આવે છે. તેણે IE બિઝનેસ સ્કૂલ, સ્પેનમાં અભ્યાસ કર્યો. તાજ હોટેલ્સના વિસ્તરણમાં લેહએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. હાલમાં તે ઈન્ડિયન હોટેલ કંપનીનું કામકાજ સંભાળી રહી છે. લિયા ટાટા ગ્રુપના હોસ્પિટાલિટી ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમની પાસે ટાટા ગ્રુપના અનુગામી બનવાના તમામ ગુણો છે.

માયા ટાટાએ લંડનની પ્રખ્યાત બિઝનેસ સ્કૂલ યુનિવર્સિટી ઓફ વોરવિક અને બેયસ બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. માયા ટાટાએ રતન ટાટાના માર્ગદર્શન હેઠળ ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે પોર્ટફોલિયો મેનેજર અને રોકાણકાર સંબંધોના પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી. ટાટા કેપિટલ સાથે કામ કર્યા બાદ તાજેતરમાં જ તેઓ ટાટા ડિજિટલમાં ગયા છે. તેમણે ટાટા ટ્રસ્ટ અને ટાટા ગ્રુપની કેટલીક અન્ય પાંખોમાં પણ ભૂમિકાઓ નિભાવી હતી. ટાટા ગ્રૂપની બાબતોમાં તેમની ઊંડી રુચિ છે. ટાટા ગ્રુપના ચેરમેન રહી ચૂકેલા રતન ટાટાએ ભારતમાં બિઝનેસનો અર્થ બદલી નાખ્યો છે.

તેમણે હંમેશા વ્યવસાય કરતાં સમાજ પ્રત્યેની તેમની જવાબદારીઓને વધુ મહત્ત્વ આપ્યું હતું, જેના કારણે રતન ટાટાની કુલ અંગત સંપત્તિનો અંદાજ લગાવવો મુશ્કેલ બની જાય છે, પરંતુ રિપોર્ટ અનુસાર રતન ટાટા ૩,૮૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ પાછળ છોડી ગયા છે. રતન ટાટાનું નામ માત્ર ભારતમાં જ નહીં પણ એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં સામેલ હતું. પરંતુ તેમની મોટા ભાગની સંપત્તિ તેમના નામ સાથે સીધી રીતે જોડાયેલી નથી. તેનું કારણ એ છે કે ટાટા ગ્રુપની મોટા ભાગની કંપનીઓ ટાટા ટ્રસ્ટ હેઠળ આવે છે. ટાટા સન્સના લગભગ ૬૬ ટકા શેર ટાટા ટ્રસ્ટ પાસે છે અને આ શેરોમાંથી થતી આવક મુખ્યત્વે સામાજિક કલ્યાણ માટે વપરાય છે. આ કારણોસર ટાટા જૂથની સામુહિક સંપત્તિ રતન ટાટાની વ્યક્તિગત નેટવર્થ કરતાં વધુ દેખાય છે.

૧૫૭ વર્ષ જૂનું ટાટા જૂથ જમશેદજી ટાટા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ટાટાનું નામ ઘરના રસોડાથી લઈને આકાશની મુસાફરી સુધી દરેક જગ્યાએ જોવા મળશે, પછી તે મસાલા હોય, ચા, પાણી, કોફી, ઘડિયાળો, જ્વેલરી, લક્ઝરી કપડાં, હવાઈ મુસાફરી, મોટર કાર, ટેલિકોમ વગેરે તમામ ક્ષેત્રોમાં ટાટા ગ્રુપનો બિઝનેસ છે. રતન ટાટાએ ૧૯૯૧માં ટાટા ગ્રૂપની કમાન સંભાળી હતી અને તેમના નેતૃત્વમાં આજ સુધીમાં ઘણી કંપનીઓ શરૂ થઈ છે અને ગ્રુપમાં ઉમેરાઈ છે.

આ બધા ચમત્કારો રતન ટાટાના કારણે થયા છે. રતન ટાટા ટાટા જૂથના ચેરમેન હતા, પરંતુ ૨૦૧૩ માં તેમણે રાજીનામું આપ્યું હતું અને સાયરસ મિસ્ત્રીને ચેરમેન બનાવ્યા હતા. સાયરસ મિસ્ત્રી ૪ વર્ષ સુધી પણ આ પદ સંભાળી શક્યા નહોતા. તેમણે રાજીનામું આપ્યું ન હતું પરંતુ ટાટા ગ્રુપના બોર્ડે તેમને હટાવી દીધા હતા. તેમની અને રતન ટાટા વચ્ચે થોડો સંઘર્ષ થયો હતો, જે પછી ટાટા જૂથના બોર્ડે તેમને હટાવવાનો નિર્ણય લીધો હતો. સાયરસ મિસ્ત્રી કોર્ટમાં ગયા હતા.

જો આપણે ટાટા ગ્રુપના સામુહિક મૂલ્ય વિશે વાત કરીએ તો આ જૂથની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આશરે ૪૦૦ અબજ ડોલર એટલે કે રૂ. ૩૨ લાખ કરોડથી વધુ છે. ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ટાઇટન, ટાટા પાવર જેવી ઘણી કંપનીઓ આ જૂથનો ભાગ છે, જેનું ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મોટું નામ છે. ટાટા ગ્રુપે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ પોતાની ઓળખ બનાવી છે.

રતન ટાટા પાસે પુષ્કળ સંપત્તિ હોવા છતાં તેઓ તેમની સાદી જીવનશૈલી અને સખાવતી કાર્યો માટે જાણીતા હતા. રતન ટાટા પાસે ટાટા ગ્રુપના કેટલા શેરો હતા, તેની માહિતી બહાર પાડવામાં આવતી નથી. ભારતરત્ન રતન ટાટાના જીવનમાં ઘણા વિવાદો થયા હતા. નીરા રાડિયા ટેપમાં રતન ટાટાનું નામ ગાજ્યું હતું. તેમાં ભારતના ઘણા રાજકીય અગ્રણીઓ, પત્રકારો તેમ જ ઉદ્યોગપતિઓ પણ સંડોવાયેલા હતા. નીરા રાડિયા સાથેના રતન ટાટાના અંગત સંવાદો મિડિયામાં જાહેર ન થાય તે માટે તેમણે કોર્ટમાં જવું પડ્યું હતું અને લાંબી કાનૂની લડાઈ લડવી પડી હતી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top