જર્મન સરમુખત્યાર હિટલરની નાઝી પાર્ટીના મુખ્ય પ્રચારક ગોબેલ્સનું નામ તેમના દ્વારા ફેલાવાયેલાં હડહડતાં જૂઠાણાં માટે કુખ્યાત છે. જો કે, હાલના વિવિધ દેશોના રીઢા, ક્રૂર અને સત્તાલોલુપ રાજકારણીઓની જૂઠાણાં ફેલાવવાની રીત એવી છે કે ગોબેલ્સ પણ શરમાઈ જાય. પણ અહીં વાત રાજકારણીઓની નથી. જૂઠાણાંનો પ્રચાર કરવામાં અને વારંવારના પ્રચારના મારા પછી તેને સત્ય તરીકે પ્રસ્થાપિત કરવામાં જાહેરખબર જગતના કેટલાક રાજકારણીઓને પણ આંટી દે એવા નીવડ્યા છે. રાજકારણમાં જાહેરખબરના ક્ષેત્રની વ્યક્તિઓની સેવા લેવાનું કદાચ એટલે જ આરંભાયું હશે.
‘દિવસમાં એક વાર છાંટવાથી દુર્ગંધ દૂર રહેશે’, ‘સ્વચ્છતા અને તાજગી પર ભાર’, ‘શુદ્ધિ અને સલામતીનું વેચાણ’, ‘સુરક્ષા પ્રથમ’ જેવાં સૂત્રો થકી અમેરિકન કંપની ‘જ્હોન્સન એન્ડ જ્હોન્સન’ પોતાનાં ઉત્પાદનોનું વેચાણ કરી રહી છે. સૌ જાણે છે એમ, ખાસ કરીને બાળકો માટેનાં તેનાં ઉત્પાદનો ઘણાં લોકપ્રિય છે. પણ આ વર્ષે (2025) પ્રકાશિત એક પુસ્તકના લેખકે આ કંપનીની અસલિયતને ઉજાગર કરી છે અને તેનો શેતાની ચહેરો ઉઘાડો કર્યો છે. મામલો કેવળ ચોંકાવનારો જ નહીં, જીવલેણ પણ છે.
‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના ફાર્મા રિપોર્ટર ગાર્ડીનર હેરિસે ‘પેંગ્વિન’ દ્વારા પ્રકાશિત પોતાના પુસ્તક ‘ધ ડાર્ક સિક્રેટ્સ ઑફ જ્હોન્સન એન્ડ જ્હોન્સન’માં આ કંપનીની કુંડળી ચીતરી છે. ઈ.સ.1886માં સ્થપાયેલી આ કંપનીએ પોતે બનાવેલા બેબી પાઉડરના ઈ.સ.1918માં જાહેર ખબરની પ્રચંડ ઝુંબેશ આદરી.
આ ઝુંબેશનો પ્રચાર એટલો પ્રભાવશાળી નીવડ્યો કે આજે એક સદી વીત્યા છતાં કંપનીનું નામ બાળસંભાળને લગતાં ઉત્પાદનોનું પર્યાય બની રહ્યું છે. અલબત્ત, 1970ના દાયકામાં કંપનીના ધ્યાનમાં આવ્યું કે તેના દ્વારા બનાવાતા બેબી પાઉડરમાં વપરાતા ટેલ્ક નામના ખનીજમાં એસ્બેસ્ટોસના અંશ ભળેલા હોય છે. એસ્બેસ્ટોસ એક જાણીતું કેન્સરકારક છે. એ પછી છેક 2020માં તે કેનેડા અને અમેરિકામાં અને 2023માં વિશ્વભરમાંથી આ ઉત્પાદન પાછું ખેંચી લેવામાં આવ્યું.
પુસ્તકના લેખક હેરિસને 2004માં શિકાગોના વિમાનીમથકે એક ફાર્માસ્યુટિકલ પ્રતિનિધિ સાથે અનાયાસે વાત નીકળતાં આ મામલે આગળ વધવાનું સૂઝ્યું હતું. તેઓ આગળ વધતા ગયા એમ જાણવા મળતું ગયું કે શી રીતે આ કંપનીએ અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની આચારસંહિતામાં રહેલાં છીંડાંનો લાભ લઈને પોતાનાં ઉત્પાદનોને વિવાદથી દૂર રાખીને બજારમાં તરતાં રાખ્યાં હતાં.
પોતાનાં ઉત્પાદનો બાબતે ફિકર વ્યક્ત કરતાં સંશોધનાત્મક અહેવાલ તૈયાર કરનાર વિવિધ વિજ્ઞાનીઓને જાતભાતની લાલચ આપીને એને દબાવી રાખવાનો કંપનીએ પ્રયત્ન કરેલો અને એમાં નિષ્ફળતા મળતાં એ સૌને બદનામ કરવા માટે ઝેરીલી પ્રચારઝુંબેશ પણ ચલાવેલી. ટેલ્ક ઉપરાંત કંપનીની વ્યાપક રીતે વેચાતી દવા ટાઈલેનમાં વારંવાર જોવા મળતી મલિનતા, એરિથ્રોપોઈટીન અને રીસ્પર્ડલ જેવી દવાઓની ઘાતક કહી શકાય એવી આડ અસરોને સિફતથી છુપાવી, એટલું જ નહીં, અમેરિકામાં વ્યસનકારક દવાઓ થકી સર્જાયેલી કટોકટીને વકરાવવામાં તેનો સિંહફાળો રહ્યો.
ખેદજનક વાત એ છે કે પ્રસાર માધ્યમો પણ આ બાબતે મૌન રહ્યાં. તેમણે દુર્લક્ષ સેવ્યું કે જાહેરાતોના જંગી મારા થકી તેમનો અવાજ દાબી દેવામાં આવ્યો. પ્રતિષ્ઠિત પત્રકારોને ગૂંચવીને, કેટલાક કિસ્સામાં તેમને ધમકાવીને આ કંપનીએ શી રીતે આ બધો ખેલ પાર પાડ્યો તેની વિગત હેરિસે દર્શાવી છે. પોતાની જ શરતોએ પ્રસાર માધ્યમો સાથે સંકળાઈને, વિવિધ પ્રસંગો કે પુરસ્કારોને પ્રાયોજિત કરી કરીને આ કંપની લગભગ અડધી સદીથી પોતાનાં દુષ્કૃત્યો પર ઢાંકપિછોડો કરતી આવી છે.
આ આખા મામલે મુખ્ય સવાલ સમસ્યાના અજ્ઞાનનો નથી, બલકે સમસ્યાની ઓળખ થવા છતાં ઈરાદાપૂર્વક તેના પર કરાતા ઢાંકપિછોડાનો છે. બેબી પાઉડરમાં એસ્બેસ્ટોસ હોવાની જાણકારી મળ્યા પછી બીજી અનેક કંપનીઓએ ટેલ્કને બદલે અન્ય સલામત વિકલ્પ અપનાવવાનું છેક 1980ના દાયકાથી શરૂ કરી દીધેલું, પણ ‘જ્હોન્સન એન્ડ જ્હોન્સન’ આ જાણવા છતાં ધરાર ટેલ્ક પાઉડર બનાવતી રહી.
બાળકોને આ પાઉડર છાંટતી વખતે મહિલાઓ પણ તેના સંપર્કમાં આવે છે, યા તેઓ પોતે પણ એ લગાવે છે. એસ્બેસ્ટોસના સંસર્ગને કારણે મહિલાઓમાં અંડાશયના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું હોવાના પુરાવામાં વૃદ્ધિ થવા લાગી. આમ છતાં, વિવિધ સંશોધકો, કેન્સરનિષ્ણાતો, નાગરિક જૂથો તેમજ અસરગ્રસ્ત દર્દીઓના પ્રયાસો ચચ્ચાર દાયકા સુધી અણથક ચાલતા રહ્યા. આખરે છેક 2020માં એક મોટો મુકદ્દમો હારી જતાં અને રાષ્ટ્રવ્યાપી ટીકા થતાં કંપનીએ આ ઉત્પાદન અમેરિકા અને કેનેડામાંથી પાછું ખેંચ્યું. તેની દાંડાઈ જુઓ કે એ પછીય ત્રણ વર્ષ સુધી વૈશ્વિક બજારોમાં તેણે આ ઉત્પાદનનું વેચાણ ચાલુ રાખ્યું.
પોતાનાં ઉત્પાદન દર્દીઓ માટે જીવલેણ હોવાની જાણ છતાં કંપનીએ એ અંગેના પુરાવા ગુપ્ત રાખ્યા એ ખરું, પણ બીજાં મહત્ત્વનાં પાસાં પર હેરિસે પ્રકાશ પાડ્યો છે એ પણ જાણવા જેવો છે. મોટા ભાગની ફાર્મા કંપનીઓ જાણે છે કે દર્દીઓ સુધી પહોંચવાનો સૌથી આસાન માર્ગ છે ડૉક્ટરો. તેઓ આ કંપનીની દવાઓ દર્દીઓને લખી આપે એટલા સારું ડૉક્ટરોને અપાતાં વિવિધ પ્રલોભનો, ઉપરાંત પોતાનાં ઉત્પાદનોની તરફદારી કરતાં લેખો લખાવીને તેને ઓછાં જાણીતાં પ્રકાશનોમાં પ્રકાશિત કરાવવાના નુસખા બહુ પ્રચલિત છે.
આવી એક કંપની, પોતાના ગ્રાહકોને થતા નુકસાનને સરેઆમ અવગણીને, જાતભાતના હથકંડા અપનાવીને, દેશના નિયમન તંત્રને ઝાંસામાં નાખીને માત્ર ને માત્ર નફાખોરી માટે આ કક્ષાએ ઊતરી શકે છે એ જાણીને ખેદ તો થાય, સાથે એક નાગરિક તરીકે લાચારી પણ અનુભવાય કે માનવજીવનું મૂલ્ય આવાં લોકો માટે સાવ નગણ્ય છે અને કોઈ તેમને કશું કરી શકતું નથી. આ તો અમેરિકાની વાત થઈ. આ જ કંપનીએ ભારતમાં કરેલાં કારનામા પર પણ એક પુસ્તક હમણાં પ્રકાશિત થયું છે. તેની વાત આગામી સપ્તાહે.
(માહિતી સહયોગ: જગદીશ પટેલ) આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.