નવી સિવિલમાં અનેક પ્રકારની ગોબાચારી ચાલે છે. સરકારી તંત્રોમાં વ્યક્તિગત નહીં, સામુહિક જવાબદારીઓ હોય છે અને તેમાંથી વરવી બેદરકારી જન્મે છે. હમણાં તબીબી બેદરકારીને કારણે એક બાળકનો હાથ કાપવો પડ્યો. આ ભયાનક અને અત્યંત ઘૃણાસ્પદ બેજવાબદારી છે. કલેકટરની તપાસથી પેલો ગયેલો હાથ પાછો નથી આવવાનો. એક જિંદગી સાથે આટલી ક્રૂર રમત? નવી સિવિલમાં આવું બધું અનેક વાર બને છે, પણ કોઇને મોટી સજા થતી નથી. તંત્રમાંથી કોઇ ગુનો કરે તો તેને ત્યાંથી બીજે બદલી આપીને બચાવી લેવામાં આવે છે. નવી સિવિલ અંગે તો એમ કહેવું પડે કે ત્યાં એવાં ગરીબો સારવાર માટે આવે છે, જે ખાનગી હોસ્પિટલોના બેફામ ખર્ચ કરી શકે એવા નથી. આ વર્ગ ન્યાય માંગી શકવા જેવો સક્ષમ નથી એટલે તંત્ર વડે તેમને લાચાર કરી દેવામાં આવે છે. કરુણતા એ છે કે સુરતમાં એવી સામાજિક જાગૃતિવાળી સંસ્થાઓ નથી, જે નવી સિવિલની કાર્યરીતિ પર દબાણ લાવી, નિયમ-કાયદા સમજાવે અને ત્યાં આવતાં દર્દીઓને માનવીય ન્યાય અપાવે. સુરતની નાગરિક વ્યવસ્થા ભાંગી પડી છે. મનપા ને પોલીસના જ ભરોસે સમાજ રહી ન શકે. લોકો જાગે.
સુરત નીલુ ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શુભ પ્રસંગોમાં ભેટ-ચાંદલાના વ્યવહાર માટે
શુભ પ્રસંગોમાં ઘણા માલેતુજાર કે સામાન્ય વ્યકિત પણ તેમની આમંત્રણપત્રિકામાં લખે છે કે બૂકે કે ભેટ સોગાદ ન લાવવા વિનંતી. આપણે આવા પ્રસંગોના પરિવારજનોને સલામ કરીએ તેમની ભલી લાગણી બદલ. ખેર! ભેટ-ચાંદલા ન સ્વીકારી તેઓ તો તેમનું સગાં-સંબંધી પ્રત્યેનું ઋણ અદા કરી લે છે પણ જો, તેઓ આમંત્રણપત્રિકામાં જ લખે કે તમારા તરફથી મળેલ ચાંદલા રૂપી રૂપિયા ભેટ સોગાદ કોઇ જરૂરિયાતવાળી સંસ્થા કે વ્યકિતને ભેટ કરવામાં આવશે તો એક મોટી રકમ તેઓ ઈચ્છા મુજબ જરૂરિયાતમંદોની સાધન સગવડ પાછળ ખર્ચી એક સામાજિક જવાબદારી પણ અદા કરી લેશે અને તેમાં તેમનાં જ સ્નેહીજનોનો સહકાર પણ મળ્યો કહેવાશે અને જરૂરતમંદ પણ આ પરિવારને ખૂબ ખૂણ આશીર્વાદ આપશે જેની કિંમત ડોલર કે ડીનારમાં પણ આંકી શકાય નહીં. આશા રાખીએ કે શુભ પ્રસંગો આ રીતે ઉજવનાર એક પેટી મૂકી તેમાં તેમની ભેટ સોગાદ કે રૂપિયાના કવર તેમાં નાંખી શકે તેવી સગવડ ઊભી કરી એક સામાજીક જવાબદારી સ્વીકારી તેમાં સહભાગી બનશે.સુરત પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.