અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સાથે જ રામ ભક્તોની ૫૦૦ વર્ષની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવના યજમાન બનીને ૩૩ વર્ષ પહેલાં લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા ઉપરાંત અયોધ્યાના ઇતિહાસમાં એક નવા પ્રકરણનું આલેખન કર્યું છે. રામ મંદિરના ઉદ્ઘાટનમાં જે મહાનુભાવો આવ્યા તેની યાદી કરતાં ન આવનારા મહાનુભાવોની યાદી બહુ સૂચક છે. રાષ્ટ્રીય સ્તરના આ સમારંભમાં ભારતનાં રાષ્ટ્રપતિ ઉપરાંત ઉત્તર પ્રદેશને બાદ કરતાં તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો અને ગવર્નરો ગેરહાજર હતા.
હકીકતમાં તેમને અયોધ્યા ન આવવાનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું. અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર જેવા બોલિવૂડના મોટા સિતારાઓ હાજર રહ્યા હતા, પણ સલમાન ખાન, આમિર ખાન અને શાહરૂખ ખાન જેવા મુસ્લિમ સુપર સ્ટારોની ગેરહાજરી બહુ સૂચક હતી. શું તેમને નિમંત્રણ જ આપવામાં આવ્યું નહોતું? મુકેશ અંબાણી અને અનિલ અંબાણી જેવા ઉદ્યોગપતિઓ હાજર થઈ ગયા હતા, પણ ગૌતમ અદાણી ક્યાંય દેખાયા નહોતા. શું તેમને મોદી સાહેબ દ્વારા વિવાદોથી અને અયોધ્યાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી હતી.
વિરોધ પક્ષના નેતાઓ ગેરહાજર રહ્યા તે અપેક્ષિત હતું; પણ અહીં તો શાસક પક્ષના દિગ્ગજ નેતાઓ પણ ગેરહાજર હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળનો એક પણ સાથી તેમાં જોવા મળ્યો નહોતો. ગૃહ પ્રધાન અમિત શાહ ઉપરાંત નાણાં પ્રધાન નિર્મલા સીતારામન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીની ગેરહાજરી ઊડીને આંખે વળગતી હતી. કેમેરાનું ફોકસ મોદી સાહેબ પરથી એક ક્ષણ માટે પણ ન હટે તેની જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી હતી. રામ મંદિરના આંદોલનમાં જેમણે સૌથી વધુ બલિદાન આપ્યું છે તેવા લાલક્રિશ્ન અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા વગેરે હિન્દુત્વવાદી નેતાઓને ઇરાદાપૂર્વક દૂર રાખવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુત્વના એકમાત્ર પહેરેદાર તરીકે ઉભરી આવ્યા હતા.
રામાયણ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યામાં જ થયો હતો. કહેવાય છે કે ભગવાન શ્રી રામના પુત્ર કુશે અયોધ્યામાં તેમનું મંદિર બનાવ્યું હતું. એકલા અયોધ્યામાં સીતારામનાં ૩,૦૦૦ મંદિરો હતાં. ઈતિહાસકારોનું કહેવું છે કે પહેલી સદીમાં આમાંથી ઘણાં મંદિરોની હાલત ખરાબ થવા લાગી હતી. તે જ સમયે ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય અયોધ્યા આવ્યા હતા અને તેમણે મંદિરોનું સમારકામ કરાવ્યું. પછી ઘણી સદીઓ સુધી મંદિર સારું રહ્યું હતું. ૨૧ એપ્રિલ ૧૫૨૬ ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે યુદ્ધ થયું હતું. ૧૫૨૮ સુધીમાં બાબરની સેના અયોધ્યા પહોંચી હતી. એવો દાવો કરવામાં આવે છે કે મુગલ સમ્રાટ બાબરના આદેશ પર મંદિર તોડી પાડવામાં આવ્યા બાદ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
બાદમાં તેને બાબરી મસ્જિદ તરીકે ઓળખવામાં આવી હતી. તે સમયે મુગલોનું શાસન હતું અને તેનાં મૂળ ખૂબ મજબૂત હતાં તેથી જ ૨૫૦ વર્ષ વીતી ગયાં છતાં અહીં કોઈ હિલચાલ થઈ નહોતી. યુરોપિયન ભૂગોળશાસ્ત્રી જોસેફ ટિફેન્થેલર ૧૭૬૬ અને ૧૭૭૧ વચ્ચે આ સ્થાન પર હતા. તેમના પુસ્તકમાં તેમણે અહીં રામ ચબૂતરાના અસ્તિત્વ વિશે વાત કરી છે. ૧૮૧૩માં પ્રથમ વખત હિન્દુ સંગઠનોએ દાવો કર્યો કે બાબરે રામ મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી. તે સમયે દેશમાં અંગ્રેજોનું શાસન હતું. ૧૮૫૩માં અહીં પહેલી વાર સાંપ્રદાયિક હિંસા થઈ હતી. વધી રહેલા વિવાદને જોઈને ૧૮૫૯માં અંગ્રેજોએ વિવાદિત સ્થળની આસપાસ વાડ લગાવી દીધી હતી.
આ કેસ ૧૮૮૫માં પહેલી વાર કોર્ટમાં પહોંચ્યો હતો. મહંત રઘુબીર દાસે રામ ચબૂતરા પર મંદિર બનાવવા માટે ફૈઝાબાદ જિલ્લા કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. ૧૯૪૯માં મસ્જિદની અંદરથી ભગવાનની મૂર્તિ મળી આવી હતી. હિન્દુ પક્ષે ભગવાન રામના પ્રગટ થવાનો દાવો કર્યો હતો, જ્યારે મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે હિન્દુઓએ ગુપ્ત રીતે મૂર્તિઓ અંદર મૂકી દીધી હતી. બંને પક્ષોએ એકબીજા સામે કેસો કર્યા હતા. બીજી તરફ પ્રશાસને તેને વિવાદિત માળખું ગણીને તેને તાળું મારી દીધું હતું.
૧૯૫૦માં ગોપાલ સિંહ વિશારદે રામ ચબૂતરામાં પૂજા કરવાની પરવાનગી માંગતી અરજી દાખલ કરી હતી. ૧૯૫૯ માં નિર્મોહી અખાડાએ કબજા માટે ત્રીજી અરજી દાખલ કરી હતી. ૧૯૬૧માં ઉત્તર પ્રદેશના સુન્ની વક્ફ બોર્ડે અરજી દાખલ કરી અને મસ્જિદની જમીન પર દાવો કર્યો હતો. ૧૯૮૬માં જિલ્લા મેજિસ્ટ્રેટે વિવાદિત માળખું ખોલવાની અને દર્શન માટેની પરવાનગી આપી હતી. ૧૯૮૯માં વિશ્વ હિન્દુ પરિષદે વિવાદિત જમીન પર રામ મંદિરનો શિલાન્યાસ કર્યો અને પહેલો પથ્થર મૂક્યો હતો.
વિશ્વ હિંદુ પરિષદે વિવાદિત જમીન પર મસ્જિદની જગ્યાએ રામ મંદિર બનાવવાની ચળવળ શરૂ કરી દીધી હતી. ૧૯૯૦ના દાયકામાં રાજનેતાઓ માટે રામ મંદિરનો મુદ્દો ખૂબ જ મહત્ત્વનો બની ગયો હતો. ૧૯૯૦માં લાલકૃષ્ણ અડવાણીએ મંદિરના નિર્માણ માટે રથયાત્રા કાઢી હતી. આ જુસ્સો એટલો વધી ગયો હતો કે ૧૯૯૨માં વિશ્વ હિન્દુ પરિષદ સહિત તમામ હિંદુ સંગઠનોએ સાથે મળીને વિવાદિત માળખાને તોડી પાડ્યું હતું. આ પછી દેશભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં, જેમાં ૨,૦૦૦ થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
બાબરી ધ્વંસનો કેસ નોંધવામાં આવ્યો હતો અને તેમાં ૪૯ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ચંપત રાય, કમલેશ ત્રિપાઠી સહિત ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદના ઘણા નેતાઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. ૨૮ વર્ષ કેસ ચાલ્યા બાદ કોર્ટે પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. ૨૦૦૨ માં વિવાદિત માળખાને તોડી પાડ્યાનાં ૧૦ વર્ષ પછી, અલ્હાબાદ હાઈકોર્ટે જમીનના માલિકી હકો માટે સુનાવણી શરૂ કરી હતી. ૨૦૧૦ માં હાઇકોર્ટે વિવાદિત જમીનને સુન્ની વક્ફ બોર્ડ, રામ લલ્લા વિરાજમાન અને નિર્મોહી અખાડા વચ્ચે ત્રણ સમાન ભાગોમાં વહેંચવાનો આદેશ આપ્યો હતો.
૨૦૧૧માં હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. મુસ્લિમોને પાંચ એકર જમીન અલગથી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પછી, ૫ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ વડા પ્રધાન મોદીએ રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું અને હવે મંદિરનું ઉદ્ઘાટન ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ થઈ ગયું છે. મુખ્ય મંદિર ઉપરાંત જન્મભૂમિ સંકુલમાં વધુ સાત મંદિરો બનાવવામાં આવી રહ્યાં છે. તેમાં શ્રી રામના ગુરુ બ્રહ્મર્ષિ વશિષ્ઠ, બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ વાલ્મીકિ, અગસ્ત્ય મુનિ, રામભક્ત કેવત, નિષાદરાજ અને માતા શબરીનાં મંદિરોનો સમાવેશ થાય છે.
તેમનું નિર્માણ ૨૦૨૪ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્રણ માળનું ભવ્ય રામ મંદિર ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં તૈયાર થઈ જશે. પ્રથમ તબક્કામાં ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ હમણાં જ પૂર્ણ થયું છે. પ્રથમ અને બીજા માળનું કામ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. રામ મંદિરના ઉદ્ઘાટનનો સમારંભ ચારેય શંકરાચાર્યોની ગેરહાજરીને કારણે પણ યાદગાર બની રહ્યો. સનાતન ધર્મનો આટલો મોટો મહોત્સવ હોય અને તેમાં ચારેય શંકરાચાર્યો ગેરહાજર હોય તેની પણ ઇતિહાસમાં અચૂક નોંધ લેવાશે. આ મહોત્સવમાં વર્તમાન કલિકાળમાં ધર્મસત્તા પર સરકારની, રાજસત્તાની અને રાજકારણીઓની સર્વોપરિતા સાબિત થઈ ગઈ હતી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.