National

વિવાદાસ્પદ કફ સિરપનો ભારતમાં પણ ઉપયોગ ન કરવા WHOની ચેતવણી

નવી દિલ્હી: ઉઝબેકિસ્તાન (Uzbekistan)માં ભારતીય કંપનીની કફ સિરપ(Cough Syrup) પીધા બાદ 19 બાળકોના મોત (Death) મામાલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ભારતીય કફ સિરપના ઉપયોગ અંગે ચેતવણી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ઉઝબેકિસ્તાનના ઘણા વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છે અને આ સમગ્ર મામલે WHO તરફથી માહિતી લેવામાં આવી રહી છે. WHOએ કહ્યું છે કે નોઈડા સ્થિત કંપની મેરિયન બાયોટેક દ્વારા બનાવેલ બે કફ સિરપનો ઉપયોગ ન કરવો જોઈએ. ઉઝબેકિસ્તાનની સરકારે બાળકોના મૃત્યુ માટે નોઈડા સ્થિત મેરિયન બાયોટેકના કફ સિરપ ‘ડોક-1 મેક્સ’ને જવાબદાર ઠેરવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી મેરિયન બાયોટેકે આ ઉત્પાદનોની સલામતી અને ગુણવત્તા અંગે WHOને ગેરંટી આપી નથી.

કફ સિરપ વિશે WHO ચેતવણી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભલામણ કરી હતી કે ઉઝબેકિસ્તાનમાં બાળકો માટે બે ભારતીય કફ સિરપ – એમ્બ્રોનોલ સીરપ અને ડોક-1 મેક્સ સીરપનો ઉપયોગ ન ભારતમાં કરવો જોઈએ. WHOએ કહ્યું કે મેરિયન બાયોટેક દ્વારા ઉત્પાદિત કફ સિરપ એવા ઉત્પાદનો છે જે ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતા નથી. પ્રયોગશાળાના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે બંને ઉત્પાદનોમાં અસ્વીકાર્ય માત્રામાં ડાયેથિલિન ગ્લાયકોલ અથવા ઇથિલિન ગ્લાયકોલ દૂષકો તરીકે છે.

ઉઝબેકિસ્તાનનો દાવો
ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે વિશ્લેષણ કરતા દાવો કર્યો હતો કે ભારતીય કફ સિરપમાં એક ઝેરી પદાર્થ એથિલિન ગ્લાયકોલ હોય છે. એવું કહેવાય છે કે બાળકોને ધોરણ કરતાં વધુ માત્રામાં ડોઝ આપવામાં આવે તે અત્યંત જોખમી છે. ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે તેમના દેશના બાળકોએ નોઈડા સ્થિત મેરિયન બાયોટેકની કફ સિરપ ‘ડોક-1 મેક્સ’નું સેવન કર્યું હતું. જે બાદ તે બાળકો મૃત્યુ પામ્યા હતા.

શું ભારતમાં વેચાય છે આ સિરપ?
ઉઝબેકિસ્તાનમાં 19 બાળકોના મૃત્યુને સિરપ સાથે જોડતા નોઇડા સ્થિત દવા ઉત્પાદકના દાવા અંગે ભારત સરકાર તપાસ કરી રહી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ખાસ સીરપ હાલમાં ભારતીય બજારમાં વેચવામાં આવી રહ્યું નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે યુપી ડ્રગ કંટ્રોલર અને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ) એ તપાસ શરૂ કરી દીધી છે. સીરપના સેમ્પલ ચંદીગઢ મોકલવામાં આવ્યા હતા.

ગામ્બિયામાં પણ સિરપથી મોતનો મામલો સામે આવ્યો હતો
Doc-1 Max Syrup માં ઇથિલિન ગ્લાયકોલની હાજરી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. તેમાં તે જ ખતરનાક રસાયણ છે જેને ગામ્બિયામાં મૃત્યુ માટે જવાબદાર ગણવામાં આવ્યું હતું. આફ્રિકન દેશ ગામ્બિયામાં વર્ષ 2022માં ભારતમાં ઉત્પાદિત કફ સિરપના કારણે 60થી વધુ બાળકોના મોતનો દાવો કરવામાં આવ્યો હતો. આ પછી કેન્દ્ર સરકારે મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. જોકે હજુ સુધી સિરપથી મૃત્યુની પુષ્ટિ થઈ નથી.

Most Popular

To Top