Charchapatra

પઠાણોનો ઉપયોગ કોણ શા માટે કરવા માંગે છે?

અફઘાનિસ્તાનના સમાચાર જોતાં કે વાંચતાં અફઘાનિસ્તાનથી કલકત્તા આવેલ પઠાણ રહેમત – કાબુલીવાલા અને બંગાળી બાળકી મિનિ વચ્ચેની સંવેદના જગાડતી દોસ્તીવાળી નોબેલ વિજેતા રવીન્દ્રનાથ ટાગોરની ટૂંકી વાર્તા ‘કાબૂલીવાલા’ અવશ્ય યાદ આવે. રહેમત કલકત્તામાં ડ્રાયફ્રુટની ફેરી કરે છે. બંગાળી બાળકી મિનિમાં તેને પોતાની અફઘાનિસ્તાન રહેતી દીકરી દેખાય છે અને બંને વચ્ચે મિત્રતા જામે છે. લોકો કાબુલીવાલા પર આરોપ મૂકે છે કે તે નાના છોકરા પોતાના થેલામાં ઉપાડી જાય છે. મિનિ – કાબુલીવાલા વચ્ચેની મિત્રતા ઘણાને પસંદ નથી. કાબુલીવાલો પોતાની દીકરીને મળવા અફઘાનિસ્તાન જવા તૈયારી કરે છે ત્યારે પૈસા માટે ઉઘરાણી બાબત બોલાચાલી થતાં તેનાથી કોઇની હત્યા થાય છે અને જેલમાં જાય છે.

કાબુલીવાલો મજાકમાં જેલને સસુરાલ કહેતો હોય છે. જેલમાંથી છૂટે છે ત્યારે તેને મિનિના લગ્નની ખબર પડતાં તેને મળવા જાય છે અને ઘણી વિનવણી બાદ તેને મિનિની એક ઝલક જોવા પરવાનગી મળે છે. આ સંવેદનશીલ અફઘાનિસ્તાનીઓ આજે કયા રસ્તે જઇ રહ્યા છે? ડ્રાયફ્રુટ વેચવાને બદલે ડ્રગ વેચતાં કોણે કર્યા? અફઘાન કન્યાઓ પર જુલ્મ કરે ત્યારે ભારતની નાની બાળકી મિનિ કેમ નથી દેખાતી? રવીન્દ્રનાથ ટાગોરની આ ટૂંકી વાર્તાનો અફઘાનિસ્તાનમાં પ્રચાર કરવામાં  આવે તો કદાચ કન્યાઓ ઉપરના જુલ્મો અટકી શકે. પઠાણો જલ્દી ગુસ્સે થનારી, મહેનતુ, પોતાના માલિકનાં કારણોને વફાદાર અને ગજબની નાણાંકીય લેણાંની ઉઘરાણી કરી શકતી પ્રજા હોવાને કારણે અંગ્રેજોએ તેમને ભારતમાં મહેસૂલ વસુલ કરવા માટે તથા સલામતી સ્ટાફ માટે ઉપયોગ કરેલ. બારડોલીના સત્યાગ્રહમાં પણ અંગ્રેજોએ મહેસૂલ વસુલી માટે પઠાણોનો ઉપયોગ કરેલ.

આઝાદી પછી ભારતમાં રહેલા પઠાણોનો ઉપયોગ વેપારીઓએ ગેરકાયદે નાણાંકીય વસુલાત માટે કરવા લાગેલ. બોમ્બેની કુખ્યાત પઠાણગેંગ કે કરીમલાલા ભારતીય વેપારીઓની ઉપજ હતી. અલબત્ત સલામતી સ્ટાફ માટે કે મીલ મજૂરી માટે પણ તેઓનો ઉપયોગ થતો. સીનેમા હાઉસમાં વોચમેન તરીકે પઠાણોનો ભરપૂર ઉપયોગ થતો હતો. જૂની હિન્દી ફિલ્મ જોનારાને લાલા અને પઠાણ યાદ હશે? હવે, પઠાણોનો ઉપયોગ કોણ, શા માટે કરવા માંગે છે તે યુનો કે યુનાઇટેડ નેશન્સ સીકયોરીટી કાઉન્સીલને પણ ખબર નથી.
અમદાવાદ         -કુમારેશ ત્રિવેદી    -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top