Comments

પ્રદૂષણને ફેલાવે છે કોણ?

ઈસુનું વધુ એક વર્ષ પૂરું થયું અને વધુ એક નવું વર્ષ આરંભાયું. સામાન્ય રીતે વર્ષાન્‍તે વીતેલા વર્ષની મહત્ત્વની ઘટનાઓ પર નજર નાખવાનો અખબારી રિવાજ છે. હવે સામાજિક નેટવર્કિંગ માધ્યમના યુગમાં અનેક લોકો પોતાની વ્યક્તિગત ઘટનાઓનો પણ હિસાબ જાહેરમાં માંડે છે. અલબત્ત, વ્યક્તિગતથી લઈને સાર્વત્રિક સ્તરનો વ્યાપ ધરાવતી કેટલીક બાબતો વિશે ભાગ્યે જ વાત થાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે આપણી પૃથ્વી પર હવા, પાણી અને જમીનના પ્રદૂષણમાં જબ્બર વધારો થઈ રહ્યો છે અને તેનાથી થતી વિપરીત અસરો હવે છાની રહી નથી. એ બાબતે જાતભાતની આંતરરાષ્ટ્રીય બેઠકો ભરાય છે, કાગળ પર નીતિઓ બનાવાય છે, તેમાંથી થોડીઘણીનો અમલ થતો હશે એમ માનીએ તો પણ સરવાળે પૃથ્વીના પ્રદૂષણમાં થોડોઘણો ઉમેરો કરીને આવી બેઠકોનું સમાપન થાય છે.

મોટા ભાગનાં લોકોને હજી પ્રદૂષણની આ સમસ્યા સામુહિક જણાય છે અને તેઓ એમ માને છે કે આમાં વ્યક્તિગત સ્તરે ભાગ્યે જ કશું થઈ શકે. આપણા ગુજરાતનું જ એક ઉદાહરણ જોઈએ. 2023ના નવેમ્બરની 28મીએ ગિરનારની લીલી પરિક્રમા સમાપન પામી હતી. પાંચ દિવસ ચાલેલી આ પરિક્રમા દરમિયાન સાડા તેર લાખ જેટલા લોકો ઊમટી પડ્યાં હતાં. પરિણામ? પાંચ દિવસના અંતે એકઠો થયેલો આશરે દોઢસો ટન એટલે કે દોઢ લાખ કિલોગ્રામ જેટલો કચરો. અહીં આવનારાં પ્રવાસીઓને શ્રદ્ધાળુ, યાત્રાળુ કે ભાવિક ભક્ત તરીકે ઓળખવામાં આવે છે. તેમની શ્રદ્ધા કે ભક્તિ તેમને સીધો સાદો માનવધર્મ શીખવી કે સમજાવી શકતી નથી. પુણ્યનું ભાથું બાંધવા જતાં તેઓ પૃથ્વીને પ્રદૂષણનું ભાથું બંધાવી આપે છે.

અને આ સ્થળ કંઈ અપવાદ નહીં હોય! જ્યાં કોઈ પણ પ્રકારના મેળાવડા ભરાતા હશે- ચાહે એ ધાર્મિક હોય, સામાજિક હોય, રાજકીય હોય કે પ્રવાસન સ્થળોના હોય, ત્યાં સ્થિતિ ઓછે વત્તે અંશે આવી જ રહેવાની. કચરાના ઢગલા કે ઉકરડા જોઈને આપણને સૌને કદાચ શૂરાતનની અને નિર્વેદની મિશ્ર લાગણીઓ થતી હોય છે. શૂરાતન એ વાતનું કે આવડા મોટા કચરાના ઢગમાં આપણું કશું પ્રદાન ન હોય એ કેમ ચાલે? અને નિર્વેદ એ વાતે કે કચરાનો આવડો મોટો ઢગ ખડકાયો હોય ત્યાં આપણા એકના ચિંતા કરવાથી શું વળવાનું?

ધર્મ, જાતિ, રાષ્ટ્રના નામે એવું અફીણ પીવામાં સમસ્ત માનવજાત મસ્ત છે કે ખુદ તેના અસ્તિત્વ માટે દિનબદિન ખતરારૂપ એવી, પ્રદૂષણ જેવી અનેક સમસ્યાઓની ચર્ચા ભાગ્યે જ થતી જોવા મળે છે અને જ્યાં થાય છે ત્યાં પણ નામની જ. પૃથ્વીના વાતાવરણના રક્ષણમાં મહત્ત્વની ભૂમિકા અદા કરતા ગ્રીનહાઉસ વાયુઓ અને તેના થકી થતી ‘ગ્રીનહાઉસ અસર’થી હવે સૌ કોઈ વાકેફ છે.

પાછલાં વરસોમાં ઔદ્યોગિકીકરણમાં થયેલી અનેકગણી વૃદ્ધિ અને અશ્મિજન્ય ઈંધણના બેફામ ઉપયોગને કારણે પૃથ્વી પરના તાપમાનમાં સતત વધારો થતો રહ્યો છે, જેમાં બીજાં અનેક પરિબળો ઉમેરાતાં રહ્યાં છે. આ સમસ્યા કોઈ એકલદોકલ દેશની નહીં, પણ સમગ્ર વિશ્વની છે. આ મામલે એકસમાન ભૂમિકા પર વાત કરવા કોઈ રાષ્ટ્ર તૈયાર નથી, કેમ કે, તેમને ઝઘડવા જેવી બીજી અનેક સમસ્યાઓ છે. આ મુદ્દા તેમની પ્રાથમિકતામાં જ નથી.

પોતાના ટૂંકા ગાળાના હિત સિવાય બીજી એકે બાબતમાં તેમને રસ નથી. ક્યારેક કોઈ આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં જળવાયુ પરિવર્તન જેવો મહત્ત્વનો મુદ્દો છેડાય તો પણ એ ચર્ચા માટે નહીં, સામસામી આક્ષેપબાજી માટે. સામાન્ય રીતે વિકસિત દેશો તમામ નૈસર્ગિક સ્રોતોનો બેફામ દુરુપયોગ કરીને દોષનો સમગ્ર ટોપલો વિકાસશીલ અથવા ગરીબ દેશોના માથે નાખવાનો પ્રયત્ન કરે છે. વિકાસશીલ કે ગરીબ દેશના કોઈક નેતા કદીક સામો જવાબ વાળે તો પણ એ દલીલબાજીથી વિશેષ નથી હોતો, કેમ કે, એમાં છેવટે મૂળ સમસ્યાની ચર્ચા કોરાણે જ રહી જાય છે.

પહેલાં પણ એ હતું અને હવે આજે ઝડપી પ્રસરતી તેમજ સુલભ બનેલી માહિતીના યુગમાં માહિતીને આપણે આપણા સામાજિક પરિવેશ અનુસાર જોઈએ છીએ કે તેનું અર્થઘટન કરીએ છીએ. પર્યાવરણની નીતિઓ વિવિધ સમુદાયને એકસમાન નહીં, પણ અલગ અલગ રીતે અસર કરે છે. જેમ કે, અશ્મિજન્ય ઈંધણના ઉપયોગને ઘટાડવા અંગેની નીતિનો કોલસાના ખાણકામ સાથે સંકળાયેલો વર્ગ વિરોધ કરશે. આવી નીતિ સીધે સીધી તેમની આજીવિકાને અસર કરે છે એટલે તેઓ આમ વિચારે એ સ્વાભાવિક છે.

એ જ રીતે જળવાયુ પરિવર્તન અંગે વિવિધ ધર્મ કે આસ્થા ધરાવતા સમુદાયના વિચારો અલગ હોઈ શકે. મોટા ભાગના દેશોમાં ધર્મ અને અન્ય સમુદાયના વિવિધ ફાંટા હોય છે, પણ આપણે ત્યાં ‘બાર ભાયા અને તેર ચોકા’ જેવો ઘાટ કાયમી ધોરણે હોય છે. માનવજાતના મૂળભૂત ગૌરવ અને ગરિમાના સ્થાપન માટે તેઓ એકમત નથી થઈ શકતા, ત્યાં પૃથ્વી પરના પ્રદૂષણ કે તેને અસર કરતા જળવાયુ પરિવર્તનના મુદ્દે તેઓ એકત્વ સાધે એ વિચારવું વધુ પડતું છે.

જળવાયુ પરિવર્તન ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે એકાદ દાયકાથી કાર્યરત એવા ખ્યાતનામ અમેરિકન અભિનેતા અને ઑસ્ટ્રિયાના વતની આર્નોલ્ડ શ્વાર્ઝનેગરે એક મુલાકાતમાં કહેલું: ‘વૈશ્વિક જળવાયુ પરિવર્તન વિશે તેઓ વાત કરતાં રહેશે તો કશું વળવાનું નથી, કેમ કે, કોઈને એની પડી નથી. મારું એ કહેવું છે કે કહેવાની રીત બદલીએ અને એના વિશે જુદી ભૂમિકાએ વાત કરીએ. લોકોને કહીએ કે અમે પ્રદૂષણની વાત કરી રહ્યા છીએ. તેને લીધે જળવાયુ પરિવર્તન થાય છે અને પ્રદૂષણ વિનાશ કરે છે.’  આર્નોલ્ડની વાતનો સાર એટલો જ કે વેળાસર સમજો, વાતોનાં વડાં બંધ કરો અને સૌને સીધી ને સ્પષ્ટ ભાષામાં જણાવો કે પ્રદૂષણને નાથશો નહીં તો મરી જશો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top