આ પાણિયારું આજે કેટલા ઘરોમાં છે? આજની પેઢી આ શબ્દથી પરિચિત છે ખરી? પિત્તળના ઘુમ્મટ આકારના ચકચકિત ઢાંકણ વાળું માટીનું માટલું, બાજુમાં ચકચકિત પિત્તળ કે સ્ટીલનું બેડું કે પછી સ્ટીલની પવાલી, નજીકમાં જ ટીંગાતો ડોયો અને સવારમાં ત્યાં થતો દીવો… પાણિયારું એટલે મંદિર અને તુલસી ક્યારા પછીની પવિત્ર જગ્યા. રોજ સવારમાં આ પાણિયારું ધોવાય, માટલાં વિંછળાય અને સફેદ ગરણાથી ગાળીને તાજુ પાણી ભરાય. સ્ત્રી વર્ગનો આ નિત્યક્રમ. માટલા પર ઢંકાતું ગોળ ઢાંકણ જે બુઝારુ કહેવાતું અને એને તો કળાયેલો મોર હોય.
કેટલું સુંદર લાગતું! ઉનાળામાં તો મમ્મી માટલા પર સફેદ સુંવાળો કટકો પણ ભીનો કરીને વિંટાળતી જેથી પાણી ઠંડુ રહે તો વળી દાદીમાની શ્રદ્ધાનાં લીલાછમ પડીકા સમી ફૂલપાંડળીથી માંડીને ઉનાળામાં આવતા તરબૂચ, ટેટી કે શાકભાજી સીધા આ પાણિયારે જ મુકાતા. આમ પાણિયારુ જ ફ્રીઝની ગરજ સારતું. વળી નવા ઘરના ગૃહ પ્રવેશનો શુકનવંતો કુંભઘડો પણ આ જ પાણિયારે મુકાતો. હવે? આજના મોડ્યુલર કિચનના યુગમાં આ પાણિયારુ જ ગાયબ. આ એક્વાગાર્ડ થઈને દિવાલ પર ટીંગાયું તો ફ્રિઝના ડોરમાં પ્લાસ્ટિકના બાટલાઓમાં સંતાયુ! આધુનિકતાના આ યુગમાં આપણા ઘરનો એક હિસ્સો ગણાતા અને આપણી સંસ્કૃતિના પ્રતિક સમા એવા પાણિયારા ભુલાતા જાય છે, તૂટતા જાય છે અને આઉટ ઓફ ફેશન બનતા જાય છે.
સુરત – ડૉ પલ્લવી વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
