Columns

ઇંગ્લેન્ડમાં ઋષિ સુનકની વિદાય અને કીર સ્ટારમરના સત્તારોહણમાં કોણે ભાગ ભજવ્યો?

આજથી ચાર વર્ષ પહેલાં ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન બન્યા ત્યારે ભારતનાં લોકોનો હર્ષ સમાતો નહોતો. ઋષિ સુનકે તેમનાં ચાર વર્ષના શાસન દરમિયાન બ્રિટનના અર્થતંત્રના જે હાલહવાલ કર્યા તેને કારણે બ્રિટનનાં મતદારોએ તેમના રૂઢિચુસ્ત પક્ષને આકરી સજા કરી છે. લેબર પાર્ટીએ અત્યાર સુધીમાં ૪૧૧ સીટો જીતી છે અને ઋષિ સુનકના નેતૃત્વમાં રૂઢિચુસ્ત પાર્ટી માત્ર ૧૧૯ સીટો જીતવામાં સફળ રહી છે.

ભારતની ચૂંટણી પહેલાં વડા પ્રધાન મોદીએ ‘અબ કી બાર, ૪૦૦ કે પાર’ નો નારો આપ્યો હતો તે સફળ થયો નહોતો, પણ બ્રિટનમાં લેબર પાર્ટીએ નારો આપ્યા વગર ૪૦૦ થી વધુ બેઠકો જીતી બતાડી છે. લેબર પાર્ટીએ કીર સ્ટારમરના નેતૃત્વમાં બ્રિટીશ ચૂંટણીમાં મોટી જીત નોંધાવી છે. લેબર પાર્ટી ૨૦૧૦ પછી ફરી વાર સત્તામાં આવી છે. ૧૯૯૭માં ટોની બ્લેર બાદ લેબર પાર્ટીની આ સૌથી મોટી જીત છે. પરંતુ લેબર પાર્ટીને આ ઐતિહાસિક જીત તરફ દોરી જનાર કીર સ્ટારમર કોણ છે? કીર સ્ટારમર હવે બ્રિટનના વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે તેમના વિશે જાણવાની ઉત્સુકતા થાય તે સહજ છે.

કીર સ્ટારમરના પિતા ટૂલમેકર હતા અને તેમની માતા નર્સ તરીકે કામ કરતી હતી.  કીમ સ્ટારમરનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. તેમણે રીગેટ ગ્રામર સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ૧૬ વર્ષની ઉંમર સુધી તેમની ફી સ્થાનિક કાઉન્સિલ દ્વારા ચૂકવવામાં આવતી હતી. શાળા પછી તેઓ યુનિવર્સિટીમાં જનારા તેમના પરિવારના પ્રથમ સભ્ય બન્યા અને લીડ્ઝ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો.

લીડ્ઝ પછી તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો. તેઓ ૧૯૮૭માં બેરિસ્ટર બન્યા. તેઓ કેરેબિયન અને આફ્રિકામાં રહેતા હતા ત્યારે તેમણે મૃત્યુદંડનો સામનો કરી રહેલા કેદીઓના કેસો લડ્યા હતા. ૧૯૯૦ના દાયકાના અંતમાં તેમણે મેકલિબેલ કાર્યકરોનો કેસ મફતમાં લડ્યો હતો. તેમાં મેકડોનાલ્ડ્સ કોર્પોરેશને કંપનીની ટીકા કરનારા પર્યાવરણીય કાર્યકરો સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કાર્યકરોએ એક પત્રિકાનું વિતરણ કર્યું હતું, જેમાં મેકડોનાલ્ડ્સ કંપનીના પર્યાવરણીય દાવાઓ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

કીર સ્ટારમર ૨૦૧૫ માં ઉત્તર લંડનમાં હોબર્ન અને સેન્ટ પેનક્રાસ માટે સાંસદ બન્યા હતા. તેમણે ભૂતપૂર્વ લેબર નેતા જેરેમી કોર્બીનની મોખરાની ટીમમાં બ્રેક્ઝિટ સેક્રેટરી તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે બીજી બ્રેક્ઝિટ ચૂંટણીને ધ્યાનમાં લેવા હાકલ કરી હતી.  ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીની જંગી હાર બાદ કીમ સ્ટારમર ચૂંટણી લડીને ૨૦૨૦માં લેબર પાર્ટીના નેતા બન્યા હતા.

કીરના નેતૃત્વના શરૂઆતનાં વર્ષોમાં તેમને લેબર પાર્ટીની લોકપ્રિયતા વધારવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ૨૦૨૧ની પેટાચૂંટણીમાં લેબરની હાર પછી તેમનું ધ્યાન રેડ વોલને જીતવા પર હતું. રેડ વોલનો અર્થ છે ઉત્તરી ઈંગ્લેન્ડ અને મિડલેન્ડની તે બેઠકો જે ભૂતકાળમાં લેબર બેઠકો હતી, પરંતુ ૨૦૧૯ની ચૂંટણીમાં રૂઢિચુસ્ત પાર્ટીએ તેમના પર જીત મેળવી હતી. રૂઢિચુસ્ત પાર્ટી જેમ જેમ અળખામણી થતી ગઈ તેમ તેમ લેબર પાર્ટીની લોકપ્રિયતા વધતી ગઈ હતી.

વર્ષ ૨૦૨૩થી હાથ ધરવામાં આવેલા તમામ સર્વેમાં લેબર પાર્ટી રૂઢિચુસ્ત પાર્ટી કરતાં ૨૦ ટકા આગળ જોવા મળી હતી. રૂઢિચુસ્ત પાર્ટીની હારનું મોટું કારણ આરોગ્ય સેવાનું ખાનગીકરણ હતું. જો બ્રિટનનો કોઈ નાગરિક સરકારી દવાખાનામાં દાંતની સારવાર કરાવવા માગતો હોય તો તેને ત્રણ મહિના પછીની એપોઇન્ટમેન્ટ મળતી હતી. જો તે ખાનગી દવાખાનામાં જાય તો તેની કિંમત મધ્યમ વર્ગ માટે ચૂકવી ન શકાય તેવી હતી. લેબર પાર્ટી દ્વારા સરકારી હોસ્પિટલોનું વેઇટિંગ લિસ્ટ હળવું કરવાનું વચન આપવામાં આવ્યું હતું.

ચૂંટણીમાં કારમી હાર બાદ ઋષિ સુનકે બ્રિટનનાં નાગરિકોની માફી માંગીને વડા પ્રધાનપદ પરથી રાજીનામું આપી દીધું છે. ઋષિ સુનક ભારતીય મૂળના છે અને જ્યારે તેઓ બ્રિટનના વડા પ્રધાન બન્યા ત્યારે ભારતમાં તેમની ખૂબ ચર્ચા થઈ હતી. ઋષિ સુનક માટે વર્ષ ૨૦૨૨ ખૂબ જ ખાસ રહ્યું હતું. આ વર્ષે ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન બન્યા હતા. બ્રિટનમાં લોકતાંત્રિક સત્તાના શિખર પર પહોંચનાર તેઓ પ્રથમ બ્રિટિશ એશિયન અને પ્રથમ હિન્દુ હતા. વર્ષ ૨૦૨૦માં તત્કાલીન વડા પ્રધાન બોરિસ જોન્સને ઋષિ સુનકને નાણાં મંત્રી બનાવ્યા હતા.

સુનકની નિમણૂક કોવિડ રોગચાળાની શરૂઆત સાથે થઈ હતી. તેમણે નોકરીમાંથી છૂટાં થયેલાં લોકોને મદદ કરવા માટે ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ યોજના શરૂ કરી; પરંતુ કોવિડના વધતા જતા કેસોને કારણે તેમને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછી વડા પ્રધાન બોરિસ જ્હોન્સનનું નામ પાર્ટીગેટ કૌભાંડમાં સામે આવ્યું હતું અને આનાથી તેમની છબીને અસર થઈ હતી. જુલાઈ ૨૦૨૨ માં જ્યારે રૂઢિચુસ્ત પાર્ટીમાં રાજીનામાની લહેર હતી ત્યારે વડા પ્રધાન બોરિસ જોન્સન પછી ઋષિ સુનકે પણ તેમના સમર્થનમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

બોરિસ જોન્સનના સ્થાને લિઝ ટ્રસ બ્રિટનનાં વડાં પ્રધાન બન્યાં, પરંતુ તેમણે ૪૫ દિવસમાં રાજીનામું આપી દીધું. ત્યાર બાદ રૂઢિચુસ્ત પાર્ટીએ ઋષિ સુનકને વડા પ્રધાન બનાવ્યા અને તેમને ચૂંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા. મોંઘવારી ઘટાડવી, અર્થતંત્રમાં સુધારો કરવો અને સ્થળાંતર કરનારાઓને નાની હોડીઓ દ્વારા બ્રિટન આવતાં અટકાવવા એ તેમના મુખ્ય ચૂંટણી વચનો હતાં. ઋષિ સુનકે રૂઢિચુસ્ત પાર્ટીની કમાન એવા સમયે સંભાળી હતી જ્યારે પાર્ટી વિઘટનના સમયગાળામાંથી પસાર થઈ રહી હતી, જેમાં તેમને થોડી સફળતા મળી હતી.

ગયા વર્ષે ઓગસ્ટમાં બ્રિટનના વડા પ્રધાન તરીકે ઋષિ સુનકનું નિવેદન સમાચારોમાં ચમક્યું હતું. બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં કથાકાર મોરારિ બાપુ કથા સંભળાવી રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઋષિ સુનકે પણ ભાગ લીધો હતો. ઋષિ સુનકે મોરારિ બાપુની આરતી ઉતારી હતી અને મંચ પરથી પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા. ઋષિ સુનકે વધુમાં કહ્યું હતું કે હું અહીં વડા પ્રધાન તરીકે નહીં પરંતુ એક હિન્દુ તરીકે આવ્યો છું. ધાર્મિક શ્રદ્ધા મારા માટે ખૂબ જ અંગત છે. તે મને જીવનનાં દરેક પાસાંમાં દિશા બતાવે છે. વડા પ્રધાન બનવું એ સન્માનની વાત છે, પરંતુ આ એટલું સરળ કામ નથી. કઠિન નિર્ણયો લેવા પડશે.

વર્ષ ૨૦૨૦માં જ્યારે ઋષિ સુનકે નાણાં મંત્રી તરીકે શપથ લીધા ત્યારે તેમણે ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. એવા વિડિયો પણ છે જેમાં ઋષિ સુનક ગાયની પૂજા કરતા જોવા મળે છે. ૨૦૨૦માં દિવાળી પર તેમના ઘરની બહાર દીવો પ્રગટાવતા વિડિયોમાં ઋષિ સુનક પણ જોઈ શકાય છે. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીએ ૨૦૨૨માં ઋષિ સુનકને વડા પ્રધાન બનવાની મંજૂરી આપી ત્યારે તે દિવસ દિવાળી હતો. ઋષિ સુનકે ૨૦૧૫માં બિઝનેસ સ્ટાન્ડર્ડને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બ્રિટિશ ભારતીયો વસ્તી ગણતરીમાં એક શ્રેણીને ચિહ્નિત કરે છે.

હું સંપૂર્ણપણે બ્રિટિશ છું. આ મારું ઘર અને દેશ છે, પરંતુ મારો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો ભારતીય છે. મારી પત્ની ભારતીય છે. હું હિંદુ છું અને તેમાં છુપાવવા જેવું કંઈ નથી. ઋષિ સુનકનું હિંદુત્વ તેમને ચૂંટણી જીતવા માટે કામ લાગ્યું નથી. પરિણામ બાદ ઋષિ સુનકે પોતાનાં સમર્થકોની માફી માંગી હતી અને કહ્યું હતું કે ‘‘આ પરિણામમાંથી શીખવાની જરૂર છે. તેમણે કહ્યું કે બ્રિટીશ લોકોએ આજે ​​તેમનો સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. મારા માટે ઘણું શીખવા અને જોવાનું છે અને હું આ હારની સંપૂર્ણ જવાબદારી લઉં છું. દસ વર્ષ પહેલાં હું અહીં સ્થાયી થયો ત્યારથી તમે લોકોએ મને અને મારા પરિવારને અપાર પ્રેમ બતાવ્યો છે અને અમને અહેસાસ કરાવ્યો છે કે અમે અહીંનાં છીએ. હું તમારા સાંસદ તરીકે સેવા આપવા માટે ઉત્સાહિત છું.’’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top