વિકસિત, વિકાસશીલ અને અવિકસિત દેશોમાં મુખ્ય ફરક શો હોય છે? આમ તો, અનેક પ્રકારના ફરક ગણાવી શકાય, પણ સૌથી મુખ્ય બાબત એ કહી શકાય કે માનવજીવનનું મૂલ્ય વિકાસશીલ અને અવિકસિત દેશોમાં નહીંવત્ હોય છે. ભારતની ગણના વિકાસશીલ દેશમાં થાય છે, પણ આપણા દેશમાં ત્રણ-ચાર સદીઓનો સમયગાળો સમાંતરે ચાલી રહ્યો છે. માનવજીવનનું મૂલ્ય આપણા દેશમાં ઓછું અંકાતું હોવાની વાત કદાચ ઘણાને ગળે ન પણ ઊતરે, છતાં એ હકીકત હોવાના પુરાવા આપણને સમયાંતરે નિયમિતપણે મળતા રહે છે. આવી એક બાબત છે એસ્બેસ્ટોસના બજારની. આપણો દેશ એસ્બેસ્ટોસનું સૌથી મોટું બજાર ગણાય છે, પણ ઉદ્યોગો અને સરકાર એસ્બેસ્ટોસ સંબંધી રોગોથી તેની સાથે સંકળાયેલા કામદારો તેમજ તેમનાં પરિવારો પર તોળાતા જોખમને કાં અવગણે છે, કાં તેઓ એનાથી અજાણ છે.
ઈ.સ.2000થી અનેક દેશોએ સફેદ એસ્બેસ્ટોસ એટલે કે ક્રાઈસોટાઈલના ઉપયોગને પ્રતિબંધિત કરેલો છે. તેને કારણે એસ્બેસ્ટોસ ઉદ્યોગ સાવ સંકોચાઈ ગયો છે, પરિણામે પોતાનાં ઉત્પાદનો માટે તેમણે નવું બજાર શોધવાની ફરજ પડી છે અને ખાસ કરીને એશિયામાં તેઓ પગપેસારો કરી રહ્યા છે. એક સમાચાર મુજબ ભારતમાં ઈ.સ.2000માં સફેદ એસ્બેસ્ટોસની આયાત 99,000 ટન હતી, જે વધીને 2023માં 4,85,182 ટને પહોંચી છે.
જોવાની વાત એ છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન તેમજ 65 કરતાં વધુ દેશોની વિજ્ઞાનલક્ષી સંસ્થાઓએ સફેદ એસ્બેસ્ટોસને પ્રતિબંધિત કરેલો છે અને બિનઉદ્યોગી ભંડોળના ઉપયોગથી થયેલા અસંખ્ય વૈજ્ઞાનિક અભ્યાસોમાં જણાવાયું છે કે સફેદ એસ્બેસ્ટોસ ઘાતક છે. વિજ્ઞાનીઓ એ બાબતે સંમત છે કે સફેદ એસ્બેસ્ટોસ સહિતનાં એસ્બેસ્ટોસનાં તમામ સ્વરૂપોમાં બ્રાઉન અને ભૂરો એસ્બેસ્ટોસ સૌથી ઝેરી હોય છે. તેનાથી એસ્બેસ્ટોસિસ, ફેફસાંનું કેન્સર અને મેસોથેલિઓમા જેવા જીવલેણ રોગો થાય છે. એક અંદાજ મુજબ, એસ્બેસ્ટોસને કારણે વર્ષ 2023માં એક લાખ કરતાં વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં.
હાનિકારક રસાયણોની આંતર રાષ્ટ્રીય યાદીનું નિયમન કરતી સંયુક્ત રાષ્ટ્રોની સમજૂતિમાં અલબત્ત, સફેદ એસ્બેસ્ટોસનો સમાવેશ નથી. ભારત ઉપરાંત રશિયા અને કઝાખસ્તાન જેવા દેશો હજી સફેદ એસ્બેસ્ટોસની આયાત કરે છે, યા તેનું ખનન કરે છે અને આ દેશો સફેદ એસ્બેસ્ટોસને જોખમી ગણવાની વિરુદ્ધમાં પોતાનો મત આપે છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલાઓની દલીલ છે કે અન્ય એસ્બેસ્ટોસ થકી જે જોખમ છે એ તેના તાંતણાઓ થકી છે. તેઓ જણાવે છે કે સફેદ એસ્બેસ્ટોસ સલામત છે. તેઓ આ બાબતને એક સાઝીશ તરીકે જુએ છે.
‘ઈન્ડિફયન ફાઈબર સિમેન્ટ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન’(એફ.સી.પી.એમ.એ.) દ્વારા 2019માં જણાવાયેલું કે ક્રાઈસોટાઈલનાં પતરાં બાબતે ફેલાવાતી બાબતો પાયા વિનાની અને આ ઉત્પાદનને લોકોથી દૂર રાખવાની ચાલ છે. ભારતમાં એસ્બેસ્ટોસનો મુખ્ય ઉપયોગ પતરાં તરીકે થાય છે, જે તેની ઓછી કિંમત અને ટકાઉપણાને કારણે મુખ્યત્વે ઓછી આવક ધરાવતાં લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે. ‘એફ.સી.પી.એમ.એ.’દ્વારા વધુમાં જણાવાયું કે ક્રાઈસોટાઈલની સ્વાસ્થ્ય પર કશી વિપરીત અસર થતી નથી. ક્રાઈસોટાઈલની ફેક્ટરીમાં દાયકાઓ લગી કામ કરનારાઓ પર તેની કશી વિપરીત અસર જણાઈ નથી.
એક તરફ ઉત્પાદકોના સંગઠન દ્વારા આ દાવો કરવામાં આવે છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે એસ્બેસ્ટોસસંબંધી રોગો અંગે વિવિધ સંશોધન કરનાર,હજી એસ્બેસ્ટોસનો ઉપયોગ કરનાર દેશોમાં તાલિમી કાર્યક્રમો યોજનાર,ઓસ્ટ્રેલિયાસ્થિત સંસ્થા ‘એસ્બેસ્ટોસ એન્ડય ડસ્ટ ડિસીઝીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’ના શેન મેકાર્ડલના જણાવ્યા અનુસાર,‘હજી પણ ક્રાઈસોટાઈલ એસ્બેસ્ટોસની આયાત અને તેમાંથી વિવિધ ઉત્પાદન કરનાર દેશો પાસે એસ્બેસ્ટોસસંબંધી રોગોના યોગ્ય નિદાન અંગેની જાણકારી, નિપુણતા કે સંસાધનો નથી. ડૉક્ટરો અને વિશેષજ્ઞોને એસ્બેસ્ટોસ અને તેના સંસર્ગમાં આવતાં લોકો પર થતી અસર બાબતે સાવ ઓછી કે નહીંવત્ જાણકારી હોય છે. અમુક કિસ્સામાં ડૉક્ટરોને એની જાણકારી હોય તો પણ તેમની પાસે તેના નિદાન માટેનાં ઉપકરણો અને સંસાધનો હોતાં નથી. એસ્બેસ્ટોસથી થતા રોગોના નિદાન માટે તેમણે ઘણી મુશ્કેલી વેઠવી પડે છે.
આપણા દેશમાં સરકાર પાસે એસ્બેસ્ટોસના રોગોનો ભોગ બનેલાઓના કોઈ અધિકૃત આંકડા નથી કે નથી આ રોગો અંગેની કશી જાગૃતિ માટેના પ્રયાસ. સફેદ હોય કે અન્ય પ્રકારનો એસ્બેસ્ટોસ, તેનાં જોખમો જગજાહેર છે અને પુરવાર થઈ ચૂક્યાં છે, છતાં તે અંગે જાગૃતિ કેળવવાની દિશામાં ખાસ પ્રયત્નો થયા નથી. કહી શકાય કે એસ્બેસ્ટોસના ઉપયોગ પર આજે ને આજે પ્રતિબંધ લાદવામાં આવે તો પણ આવનારા દાયકાઓ સુધી એસ્બેસ્ટોસને લગતી બિમારીઓ અને તેનાથી થતાં મૃત્યુનું પ્રમાણ ચાલુ રહેશે, કેમ કે, સમગ્ર પર્યાવરણમાં એસ્બેસ્ટોસયુક્ત સામગ્રી અને તેના સંસર્ગમાં અવાય ત્યાં સુધીની તેની સુષુપ્તતાનો સમયગાળો ઘણો છે. રોગકર્તા સામગ્રીનાં મૂળ એવા ક્રાઈસોટાઈલ એસ્બેસ્ટોસની નાબૂદી વિના એસ્બેસ્ટોસસંબંધી રોગોની નાબૂદી સંભવ નથી.
વિકાસશીલ દેશોને કોઈ પણ ભોગે વિકસિત દેશોની હરોળમાં બેસવું હોય છે, જેના માટે તેઓ પર્યાવરણથી લઈને માનવજીવન સુધીનું બધું હોડમાં મૂકવા તૈયાર હોય છે. વિવિધ વિકાસયોજનાઓ, તેને લઈને નીકળતું પર્યાવરણનું નિકંદન તેમજ તેનાં વિપરીત પરિણામો નજર સામે જોવા મળી રહ્યાં છે, પણ એસ્બેસ્ટોસની અસરો એ રીતે જોવા નથી મળતી. એ શાંત રહીને, લાંબે ગાળે મોત નિપજાવે છે. તેનો ભોગ સામાન્ય નાગરિકોએ જ બનવું પડે છે. એસ્બેસ્ટોસના ઉપયોગને પ્રતિબંધિત કરવાની કોઈ હિલચાલ કળાતી નથી. આ દર્શાવે છે કે માનવજીવનનું મૂલ્ય આપણે મન કેટલું છે!.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
