ભૂગોળનું સામાન્ય જ્ઞાન ધરાવનારને પણ એટલી જાણ હોય છે કે આપણી પૃથ્વી પર બે તૃતીયાંશ ભાગ પાણી છે અને બાકીનો ભાગ જમીન. જે તે રાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલા, 200 દરિયાઈ માઈલ સુધીના વિસ્તારનો દરિયો એ રાષ્ટ્રની માલિકીનો ગણાય છે. આ દરિયાઈ વિસ્તારને ‘એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન’ (ઈ.ઈ.ઝેડ.) તરીકે ઓળખવામાં આવે છે પણ જ્યાં કેવળ ત્રીજા ભાગની જ જમીન છે એવી પૃથ્વી પર રાષ્ટ્રની સીમાથી પાર હોય એવો મોટો દરિયાઈ વિસ્તાર હોય એ સ્વાભાવિક છે. આવા વિસ્તારને ‘હાઈ સીઝ’ એટલે કે ‘ખુલ્લો સમુદ્ર’ કહેવામાં આવે છે. આ અફાટ જળરાશિ પૃથ્વીના ‘સ્વાસ્થ્ય’ને જાળવવાની અતિ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે એ હકીકત કોઈ પણ સમજી શકશે.
સાવ પ્રાથમિક રીતે વિચારીએ તો પણ આ વિસ્તારો, સ્થળાંતર કરતી વ્હેલથી લઈને છેક ઊંડે આવેલાં પરવાળાંના ખડક જેવી, પૃથ્વીની કેટલીક સૌથી ગૂઢ અને શક્તિશાળી જૈવપ્રણાલીઓનો આવાસ છે. કાર્બન અને ગરમીનું શોષણ કરીને તે વૈશ્વિક હવામાનના નિયંત્રણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. એક લીટીમાં કહેવું હોય તો કહી શકાય કે દરિયાઈ જૈવપ્રણાલીઓ અને માનવજીવન માટે ખુલ્લા સમુદ્રનો વિસ્તાર જીવાદોરી સમાન છે. વક્રતા એ છે કે આટલા મહત્ત્વ છતાં, આ વિસ્તાર મોટે ભાગે અસુરક્ષિત, બેફામ માછીમારી, દરિયાના તળના ખનન તેમજ પ્લાસ્ટિકના પ્રદૂષણ માટે સાવ ખુલ્લો બની રહે છે.
એ હકીકત છે કે ખુલ્લા સમુદ્રમાં થતી માછીમારી વિશ્વભરમાં દરિયાઈ આહારનો મુખ્ય સ્રોત છે, જે એની પર આધારિત વૈશ્વિક અર્થતંત્રને ટકાવવામાં મહત્ત્વનું પ્રદાન કરે છે. સૂર્યપ્રકાશ વિના પણ અહીં જીવન પાંગરેલું હોય છે. વિજ્ઞાનીઓએ આ જળવિસ્તારમાં એવા ગુણધર્મો ધરાવતા સૂક્ષ્મ જીવો શોધ્યા છે કે જે તબીબી વિજ્ઞાનમાં અસાધ્ય રોગોના ઈલાજ બાબતે ચમત્કાર સર્જી શકે એમ છે. હજી તો આ ક્ષેત્રમાં પા પા પગલી જ મંડાઈ રહી છે.
દાયકાઓ લગી મનાતું રહ્યું કે ખુલ્લા સમુદ્રનો આ વિસ્તાર અતિ વિશાળ છે અને એથી માનવીય ગતિવિધિઓની પહોંચથી તે બહાર હશે. પણ હવે આ વિસ્તાર પર ગંભીર સંકટ તોળાતું હોવાની જાણકારી મળતાં અગાઉની માન્યતા ભાંગીને ભુક્કો થઈ ગઈ છે. વધુ પડતી માછીમારી તો જાણે કે સૌથી દેખીતું અને તત્કાળ નજરે પડતું સંકટ છે. ધનાઢ્ય દેશોના વિશાળ ઔદ્યોગિક જહાજોનો કાફલો આ વિસ્તારમાં માછીમારી કરવામાં પ્રભુત્વ ધરાવે છે. ચોક્કસ પ્રકારની માછલીઓની સંખ્યામાં ઘટાડો થવા ઉપરાંત તે આહાર સંતુલન પર આધારિત જૈવપ્રણાલીને પણ ખોરવી નાખે છે.
દરિયાના તળમાં મળતા કોબાલ્ટ, નિકલ અને અન્ય દુર્લભ ખનિજોના કારણે વિવિધ કંપનીઓ અને સરકારો ખનનકાર્ય કરે છે, જે નાજુક જૈવપ્રણાલીઓને કાયમી ધોરણે નુકસાન પહોંચાડે છે. આ નુકસાનને સરભર કરવામાં હજારો વર્ષ લાગી શકે. અલબત્ત, વિજ્ઞાનીઓ અને કેટલાક દેશો દ્વારા નજીકના ભૂતકાળમાં આરંભાયેલા ‘ધ ડીપ સી માઈનિંગ મોરેટોરિયમ કેમ્પેઈન’ થકી એ બાબત ધ્યાને આવી છે કે આવી અનેક જૈવપ્રણાલીઓનો નાશ આપણે કરીએ છીએ, પણ એના વિશે કેટલી ઓછી જાણકારી આપણે ધરાવીએ છીએ!
વધુમાં ખુલ્લા સમુદ્રના વિસ્તારોમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ બેફામ હોય છે. દરિયાઈ પ્રવાહો એકમેક સાથે મળીને વિશાળ ચક્રાકાર પ્રવાહો પેદા કરે છે, જ્યાં પાણીનું વહેણ ધીમું હોય છે. આથી ત્યાં પ્લાસ્ટિકના કચરાના ઢગ ખડકાય છે. એકઠા થયેલા પ્લાસ્ટિકનું માઈક્રોપ્લાસ્ટિકમાં વિઘટન થાય છે અને પછી તે આહારકડીમાં પ્રવેશે છે. દરિયાના સાવ અંતરિયાળ કહી શકાય એવા જળચરોમાં સંશોધકોને પ્લાસ્ટિકના રેસા જોવા મળ્યા છે. આમ, બધા દેશો જાણે કે આ વિસ્તાર ખુલ્લું ખેતર હોય એમ વર્તે છે. આ વિસ્તારનું નિયમન કોણ કરે? વધુ ધનવાન અને એટલે વધુ જોરાવર દેશો મન ફાવે એમ કરે. એમને કહેનાર કોણ?
આ બધામાં ઉમેરો કરે છે જળવાયુ પરિવર્તન. પરિણામે આ ખુલ્લા સમુદ્રનાં પાણી તપી રહ્યાં છે, વધુ એસિડીક બની રહ્યાં છે અને પ્રાણવાયુ ગુમાવી રહ્યાં છે. આને લઈને ચોક્કસ તાપમાન અને પ્રાણવાયુ પર આધારિત પરવાળાંનાં ખડકો, પ્લાન્ક્ટીનની વસતિ તેમજ સ્થળાંતર કરતી રહેતી પ્રજાતિઓ પર વિપરીત અસર થઈ રહી છે. છેક 1982માં અપનાવાયેલા ‘યુનાઈટેડ નેશન્સવ કન્વેતન્શેન ઑન ધ લૉ ઑફ ધ સી’ (યુ.એન.સી.એલ.ઓ.એસ.) અનુસાર ખુલ્લા સમુદ્રનું નિયમન થઈ રહ્યું છે ખરું, પણ તેનું કાર્યક્ષેત્ર કેવળ દિશાસૂચન, પ્રાદેશિક દાવા તેમજ ‘ઈન્ટઓરનેશનલ સી-બેડ ઓથોરિટી’ દ્વારા સાગરતળના ખનન પૂરતું જ મર્યાદિત છે. સમગ્ર જૈવવિવિધતાની જાળવણી બાબતે તેની ભૂમિકા ખાસ કશી નથી.
અલબત્ત, લગભગ બે દાયકાની વાટાઘાટો પછી, સંયુક્ત રાષ્ટ્રસંઘે, માર્ચ, 2023થી ‘હાઈ સીઝ ટ્રીટી’ને અપનાવી છે, જે ‘બાયોડાઇવર્સિટી બિયોન્ડે નેશનલ જ્યુરિસ્ડિક્શન’ (બી.બી.એન.જે.) કરાર તરીકે પણ ઓળખાવાય છે. આ કરાર કાગળ પર તો સક્ષમ જણાય છે અને ખુલ્લા સમુદ્રમાં રક્ષિત વિસ્તારો ઘોષિત કરીને તેના સુચારુ સંચાલન દ્વારા યોગ્ય કાર્યવ્યવસ્થા તે ગોઠવી શકે એમ છે. પૂર્ણ રીતે તેનું પાલન અને અમલ કરવામાં આવે તો 2030 સુધીમાં એ ત્રીસ ટકા વિસ્તારનું રક્ષણ કરી શકે એમ છે. 2022માં ભરાયેલી યુ.એન.બાયોડાઇવર્સિટી કોન્ફરન્સમાં આમ ઠરાવાયું હતું.
હજી આ કરાર માટે પચાસ દેશો સંમત થયા છે અને એ સંખ્યા સાઠે પહોંચે તો જ તેનો યોગ્ય અમલ કરી શકાય એમ છે. કેમ કે, એમ થાય તો પછી નાણાંકીય, અમલીકરણ અને રાજકીય પરિબળોની જવાબદારી પણ નિર્ધારિત કરી શકાય. આશ્વાસન લેવું હોય તો એટલું કે ખુલ્લા સમુદ્રની આ સમસ્યાની ઓળખ પહેલવહેલી વાર વૈશ્વિક સમુદાયે કરી છે અને તેને સહિયારી જવાબદારી તરીકે સ્વીકારી છે. તેનો અમલ કેટલો, કેવો અને ક્યારથી થશે એ જોવું રહ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.