Columns

સાચો ધનવાન કોણ?

એક કંજૂસ શેઠને બે દીકરા હતા. નાનો દીકરો શેઠ જેવો સ્વભાવ ધરાવે. એકદમ કંજૂસ અને મોટો પુત્ર વિપરીત સ્વભાવનો હતો. તે કંજૂસાઈ કરતો ન હતો. સમાજસેવામાં જરૂરિયાતમંદોને અને નોકરોને સતત મદદ કરતો. કંજૂસ શેઠને પોતાના મોટા દીકરાનું આ ઉદાર વર્તન ગમતું નહીં. કંજૂસ શેઠના ઘરે એક દિવસ તેમના કુલગુરુ પધાર્યા. શેઠે તેમનું સ્વાગત કર્યું. પૂરો પરિવાર તેમના આશિષ લેવા આવ્યો. કુલગુરુની ચરણવંદના બાદ કંજૂસ શેઠે કુલગુરુને ફરિયાદ કરી કે, ‘‘ગુરુજી, મારા મોટા દીકરાને જરા ઉપદેશ આપો કે, લક્ષ્મીને સાચવીને રાખે, નહીં તો લક્ષ્મી તેની પાસે રહેશે નહીં. તે તો ખૂબ જ પૈસા વાપરે છે.

મારી ઈચ્છા છે કે તે પણ મારા નાના દીકરાની જેમ સત્ય હકીકત સમજી લક્ષ્મીને જાળવીને, સાચવીને રાખે નહીં તો આ શ્રીમંતાઈ રહેશે નહીં.’’ કુલગુરુ હસ્યા અને પછી બોલ્યા, ‘‘શેઠજી, તમારી સમજણમાં ભૂલ છે. મારી નજરમાં તો તમારો મોટો દીકરો સાચો ધનવાન છે અને તે વર્ષોવર્ષ નહીં… માત્ર આ જન્મ નહીં પણ જન્મોજન્મ ધનવાન જ રહેશે.’’ શેઠજી બોલ્યા, ‘‘ગુરુજી, કંઈ સમજાયું નહિ. મારો મોટો દીકરો મહેનત કરે છે.

પૈસા કમાય છે પણ પૈસાને જરાય સાચવતો નથી તો પછી તે કઈ રીતે હંમેશા ધનવાન રહેશે?’’ ગુરુજી બોલ્યા, ‘‘ શેઠજી, તમારી દૃષ્ટિમાં કણકણનો સંગ્રહ કરે. એક એક પૈસો બચાવે. તે જીવનભર શ્રીમંત રહે પરંતુ મારી દૃષ્ટિએ જીવનમાં મહેનત કરીને પૈસા કમાય અને દરેક પૈસાનો સંગ્રહ કર્યા વિના જીવનમાં પ્રાપ્ત કણ કણ અને પૈસાનો સદુપયોગ કરે અને પોતાના જીવનની ક્ષણ ક્ષણનો ઉપયોગ સારા કામ કરવામાં કરે તે જન્મોજન્મ શ્રીમંત જ રહે છે.’’ શેઠજી બોલ્યા, ‘‘ ગુરુજી એ કઈ રીતે?’’ ગુરુજીએ કહ્યું, ‘‘સમજો, આ જીવનમાં કંજૂસાઈ કરીને બચાવેલો એક એક પૈસો માત્ર આ જીવન દરમિયાન કામ લાગશે. આ જીવનનો જમા થયેલો પૈસો આગલા જન્મમાં કામ નહીં આવે.

પરંતુ સતત મહેનત કરીને કમાયેલો પૈસો જીવનની ક્ષણે ક્ષણે સારાં કામ કરવામાં, વાપરવામાં આવશે તો તમારાં પુણ્ય માત્ર આ જન્મમાં નહીં પરંતુ જન્મોજન્મ સુધી જમાપૂંજી તરીકે સાથે રહેશે માટે શેઠજી, તમે કંજૂસાઈ છોડો. મોટા દીકરા પાસેથી જીવન જીવવાની સાચી રીત શીખો. લક્ષ્મીને સદ્માર્ગે વાપરો.મહેનત કરીને મેળવેલી કણ કણનો સદુપયોગ કરો તો સાચા અર્થમાં ધનવાન બની જશો.’’ શેઠજી અને તેના પરિવારે ગુરુજીની શીખ સમજી અને આશિષ લીધા. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top