તા. 7/2 ના ચર્ચાપત્ર વિભાગમાં કિરણ સુર્યાવાલાનું તાપી શુદ્ધિકરણના 900 કરોડ અંગેનું ચર્ચાપત્ર અત્યંત મહત્ત્વનું છે. વર્તમાન શાસકો છેલ્લાં 25 વર્ષ ઉપરથી હિંદુત્વના ગોબેલ્સ પ્રચારના જોરે પ્રજાને છેતરીને શાસન કરે છે. મજબૂત વિરોધ પક્ષ ન હોવાથી જાતજાતના ભ્રામક પ્રોજેક્ટો પાછળ હજારો કરોડ રૂા. ઉડાવી પ્રજાના માથે વેરા વધારાઓ લાદી રહ્યા છે. જવાબ માંગવાવાળું કોઈ નથી ! બોગસ પ્રોજેકટો પાછળ કેટલા રૂા. ઉડાવાય છે તેનો હિસાબ તો મીંડો કેન્દ્રમાં મોદીજીની સરકાર રચાયા પછી તુરંત કેન્દ્ર સરકારે ગંગા શુદ્ધિકરણ અભિયાન જાહેર કરી તેના માટે 9000 (નવ હજાર) કરોડ ફાળવવાની જાહેરાત કરીને સાધ્વી ઉમા ભારતી ગાયબ છે.
ફાળવાયેલા નવ હજાર કરોડમાંથી કેટલા વપરાયા? કેટલા ખવાયા? ગંગા કેટલી શુદ્ધ થઈ? કોઈ પૂછતું નથી અને કોઈ બોલતું યે નથી! એવું જ સાબરમતી શુદ્ધિકરણનું થયું. સાબરમતી માટે 1600 કરોડ ફાળવાયેલાના અહેવાલ સામે કેન્દ્રીય પોલ્યુશન બોર્ડ દ્વારા હાલમાં જ સાબરમતી ભારતની સૌથી ગંદી નદીઓમાં બીજા નંબરનું ‘માનવંતુ’ સ્થાન મેળવી ગયાની જાહેરાત થઈ ! આવા તો અઢળક બોગસ પ્રોજેકટો પાછળ પ્રજાના અરબો રૂા. ઉઠાવાઈ કે ચવાઈ રહ્યા છે. સત્ય એક જ છે. ભ્રષ્ટ સત્તાધારીઓ ‘માલામાલ’ બની રહ્યા છે અને પ્રજાના માથે પીવાના પાણીનાંયે મીટરો લાગી રહ્યાં છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
વરઘોડાથી થતાં ટ્રાફિક જામ અને ડી-જે નો ત્રાસ
જયાં જોઇએ ત્યાં DJનો ઘોંઘાટ અને વરઘોડાની સમસ્યા કોઇ ઉકેલ ખરો કે આવું જ ચાલ્યા કરશે? રસ્તા પર ટ્રાફિક જામ હોય છે તો પણ ત્યાં વરઘોડો નીકળે તો કોઇ બોલવાવાળું નથી. સોસાયટીમાં જયાં પણ કોમ્યુનીટી હોલ છે ત્યાં પણ DJની પરમિશન નહીં હોવી જોઇએ. ફકત પાર્ટી પ્લોટમાં અનુમતી હોવી જોઇએ. આ બેફામ ત્રાસ કયાં સુધી આપણે સહન કરવાનો? આની ગાઇડલાઇન છે કે પછી ફકત ને ફકત ચોપડામાંજ છે ? પૈસાના જોરે DJ વાળાને પરમીશન મળે છે. હવે આ સાંખી નહીં લેવાય.
સુરત – તૃષાર શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.