Columns

સાચો ધનવાન કોણ?

એક પેઢી દર પેઢી અતિ શ્રીમંત પરિવાર. ખૂબ પૈસા પણ ઘરમાં શાંતિ નહિ. સતત ઘરનાં સભ્યોમાં દેખાદેખી થાય અને ઝઘડા થતાં રહે. સતત બધાં એકબીજાને નીચા દેખાડવા મથે અને વડીલ શેઠને આ સમસ્યાનો કોઈ ઉકેલ મળે નહિ. એક મોટા બિઝનેસમેન. દેશભરમાં પ્રખ્યાત પણ સતત કામ કામ. કુટુંબ માટે પણ સમય નહિ અને સેક્રેટરી સાથે આડા સંબંધો. એક યુવાન પિતાના નાનકડા વેપારને પોતાની સૂઝથી કરોડોના વેપારમાં ફેરવ્યો. રોજ લાખો કમાય પણ દારૂનું વ્યસન. રોજ દારૂ પીએ અને પત્ની અને માતા પિતા તેનું આ વ્યસન છોડાવી ના શકે એટલે સતત દુઃખી. એક શ્રીમંત શેઠાણી. પતિ કરોડો કમાય. લાખો વાપરવા આપે પણ શેઠાણીથી એક પૈસો ન છૂટે. પોતાના ઘરના નોકરોને ક્યારેય રાજી થઈને ઇનામ તો ન જ આપે પણ જરૂરિયાત હોય તો પણ એક પૈસાની મદદ ન કરે.

અતિ ગરીબ વ્યક્તિ. ભાગ્યના બળે પૈસાદાર થઇ ગયો અને અભિમાનના આકાશમાં ઊડવા લાગ્યો. પોતાની ગરીબીના સમયના મિત્રોને હવે તે નીચા ગણે અને કોઈ સાથે સીધી રીતે બોલે નહિ. અપમાન કરે. બધા ધીમે ધીમે તેનાથી દૂર થઇ ગયા. નવા મિત્રો બન્યા પણ તે સાચા મિત્રો ન હતા. તે તો માત્ર પૈસા જોઈ ખુશામત કરનારા હતા. આપણે બધાં માનીએ છીએ કે જેની પર મા લક્ષ્મીની કૃપા હોય જે ધનવાન હોય તે એકદમ સુખી અને સંપન્ન. હવે ઉપર જણાવેલાં ઉદાહરણો ફરીથી વાંચો તો બધા જ પૈસાદાર અને સમૃદ્ધ છે પણ શું તેઓ તમને સાચા અર્થમાં ધનવાન ..ભાગ્યવાન …સુખી લાગે છે? જવાબ છે ‘ના.’

સાચા ધનવાન કોને સમજવા? વ્યક્તિ પૈસાથી શ્રીમંત હોય પણ તેના આચાર વ્યવહાર ચરિત્ર સારાં ન હોય તો તે ખરા અર્થમાં ધનવાન નથી. પૈસાની રેલમછેલ હોય પણ ઘરમાં અને મનમાં કોઈ ને કોઈ કારણસર અશાંતિ હોય તો તે ભાગ્યવાન નથી અને ભાગ્યથી પૈસા આવી જાય પણ સાથે અભિમાન આવે. પોતીકા જન અને મિત્રોનું અપમાન કરે અને પછી કોઈ સાચો મિત્ર કે સ્વજન ન રહે તે વ્યક્તિ ધનવાન નથી. ધનની રેલમછેલ હોય પણ મનમાં અનુકંપા અને દયા ન હોય, કોઈની મદદ કરવા હાથ ન ઊપડે તે વ્યક્તિનું ધન નકામું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top