વડોદરાના હરણી લેકમાં કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના બની. જે મા બાપે પોતાનાં સંતાનો ગુમાવ્યાં તે આઘાતમાં છે. સંવેદનશીલ લોકો આ ગોઝારી ઘટનાથી હતપ્રભ છે.જેની ગોદડી જાય,ટાઢ તો એને જ વાગે.સંતાનવિહોણાં બન્યા છે પરિવારો.કોઈની પણ શરમ રાખવામાં નહીં આવે. કસૂરવારને અવશ્ય સજા થશે. આવાં વિધાનો કેટલી વાર સાંભળ્યાં અને ભુલાયાં! ફરી કોઈ આવી ઘટના આકાર લે એટલે એ જ ચર્ચા. ગાળિયો કસવામાં આવશે કે તપાસની ધમધમાટી સંભળાશે,પછી સુરસુરિયું! આમ પણ લોકોની (આપણી) યાદદાસ્ત ખૂબ ટૂંકી છે.
સ્કુલ મેનેજમેન્ટે આચાર્યને લેખિતમાં પ્રવાસની પરવાનગી આપી હતી? શાળાએ ડીઈઓશ્રી કે ડી.પી.ઈ.ઓ શ્રીની મંજૂરી મેળવી હતી? પ્રવાસ અંગે વાલીઓ પાસેથી સંમતિપત્ર લીધું હતું? મંજૂરીમાં સ્પષ્ટ નિર્દેશ હોય છે કે બાળકોને જોખમી સ્થળોએ કે ઊંડા પાણીવાળા સ્થળે લઈ જવાં નહીં.બાળકોની સલામતીને પ્રાધાન્ય આપવું. આ બધા નિયમો અંગે અનેક ચર્ચાઓ,સમાચારો, અફવાઓ, રેલીઓ(કેન્ડલ માર્ચ) ચાલશે.ક્યાં સુધી? થોડાક દિવસ.હા,થોડાક જ દિવસ.
કોણ જવાબદાર? શાળા, સંચાલકો, શિક્ષકો,બોટચાલકો, સુરક્ષા કર્મીઓ,જેમને બોટ ચલાવવાની મંજૂરી મળી છે તે, કંપનીએ બધાને લાઈફ જેકેટ કેમ ન આપ્યાં? સુરક્ષાકર્મીઓ શું કરતાં હતાં?બોટમાં વધારે વિદ્યાર્થીઓ બેસાડ્યાં તો શિક્ષકોએ કેમ ના ન પાડી? કે બોટમાં જ કોઈ ખામી હતી? કોને પકડશો? તસ્કર ખાતર પાડવા ગયા વણિકને દ્વાર.એ વાત જેવું જ તો! પ્રશાસનને લોકોના જીવનું કોઈ મૂલ્ય નહીં? ઘણા લાગણીશીલ આવો પ્રશ્ન કરશે. પણ ભાઈઓ, તક્ષશિલા, મોરબી પુલ હોનારત અને આ બોટ દુર્ઘટના કેટલા સજા પામ્યા કે પામશે? સૌથી મોટો પ્રશ્ન, આવાં સ્થળોવાળા પ્રવાસને શૈક્ષણિક પ્રવાસ કહેવાય? વાલીઓને પ્રવાસના નિયમોનું શિક્ષણ કયારે?
સુરત – અરુણ પંડયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.