નગરમાં વાર્ષિક ઉત્સવ હતો અને વાર્ષિક ઉત્સવ ત્રણ દિવસ ચાલવાનો હતો. આ વાર્ષિક ઉત્સવમાં નગરમાં રહેતા દરેકે દરેક મોટા અગ્રણીઓ વચ્ચે સૌથી શ્રીમંત કોણ? એનું પ્રદર્શન કરવાની જાણે છૂપી હોડ લાગી હતી. રોજ બધા નવા કપડાં અને દાગીનાના ઠઠારા કરીને ફરતા હતા. બધા પોતાની વાતોમાં પોતાની પાસે શું મિલકત છે તે વિશે દેખાડો કરતા હતા. વધારી ચઢાવીને વાતો કરતા હતા. નગરના મંદિરના પૂજારીએ આ વાત ધ્યાનમાં લીધી.
બધાને પાઠ ભણાવવા અને તેમણે અચાનક જ મંદિરમાં આરતી કરવા બધા આવ્યા તે સમયે જાહેર કર્યું કે ‘જે સૌથી શ્રીમંત થશે તે કાલ સવારની પહેલી આરતી કરી શકશે’. બધા શ્રીમંતોમાં છૂપી હોડ તો ચાલુ જ હતી, હવે આ ખુલ્લેઆમ પોતાની શ્રીમંતાઈ દેખાડવાની હરિફાઈ થઈ ગઈ. આ હરિફાઈ એવી ચાલુ થઈ કે લોકોએ શ્રીમંતાઈ બતાવવા બધા જ રસ્તા શોધ્યા. કોઈ સોનાની છડી લઈને આવ્યો, કોઈએ સોનાના લાંબા લાંબા હાર પહેર્યા, કોઈ સોનાની મોજડી પણ સીવડાવીને આવ્યું, કોઈ ચાંદીની બગીમાં આવ્યું…
કંઈક કેટલા શ્રીમંતાઈના ઠઠારા હતા બધાએ પૂજારીને કહ્યું કે ‘તમે હવે નક્કી કઈ રીતે કરશો કે સૌથી શ્રીમંત કોણ?’ પૂજારીએ કહ્યું, ‘સૌથી શ્રીમંત એ છે જેની પાસે એવી વસ્તુઓ હોય કે જે ગમે તેટલા પૈસાના ઢગલા કરીએ… સોના-મહોરોના ઢગલા કરીએ તો પણ જે વસ્તુ ખરીદી ન શકાય.’ બધા શ્રીમંતો થોડા અવાચક થઈ ગયા કે એ રીતે કઈ વસ્તુ છે કે જેને અમારા પૈસા ખરીદી ન શકે.
પુજારી બોલ્યા, ‘સૌથી શ્રીમંતએ છે જેની પાસે સાચો પ્રેમ છે… સાચો જીવનસાથી છે, જે દુઃખમાં પણ સાથ છોડીને જતો નથી. સૌથી શ્રીમંત એ છે કે જેની પાસે એવો મિત્ર છે જે તમારા મોઢા પરના સ્મિતની પાછળ છુપાયેલું તમારું દુઃખ ઓળખી જાય. સૌથી શ્રીમંત એ છે જેનો પરિવાર એને ખૂબ પ્રેમ કરે છે. સૌથી શ્રીમંત એ છે કે જે જેની પર તેના ગુરુ વિશ્વાસ કરે છે. સૌથી શ્રીમંત એ છે કે જેની પાસે એક એવો સંબંધ છે, એક એવી લાગણી છે, એક એવો સાથી છે, જે તેને ક્યારેય છોડીને જવાનો નથી.’
શ્રીમંતો કઈ બોલ્યા નહિ એક જને હિંમત કરી પૂછ્યું, ‘તો હવે આ નક્કી કોણ કરશે?’ પૂજારી બોલ્યા, ‘ જે વસ્તુ પૈસાથી ખરીદી શકાતી નથી તેવી લાગણી, પ્રેમ, મિત્રતા, સાથી, ઈમાનદારી, વિશ્વાસ જેની પાસે છે તે સૌથી શ્રીમંત છે. તમારી બધા પાસે આવા સંબંધો હોય કે ન હોય પણ આ શ્રીમંતાઈનો ઠઠારો બંધ કરો અને આવા સોનેરી સંબંધો બાંધી અને સૌથી શ્રીમંત બનો.’ બધા ઠઠારો કરનારા શ્રીમંતો નીચું જોઈ ગયા અને પૂજારીએ બે બાળપણના મિત્રો આજે વૃદ્ધ થયા હતા પણ મિત્રતા અતુટ હતી તેવા વડીલોના હાથે આરતી શરૂ કરાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
