એક માણસ એક ગાયને દોરડાથી બાંધીને પોતાની સાથે લઇ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.ગાય જવા માંગતી ન હતી એટલે એક પગલું પણ આગળ વધતી ન હતી.આ મથામણમાં ઘણો સમય વીતી ગયો. એક ફકીર થોડે દૂર ઝાડ નીચે બેસીને ક્યારના આ દૃશ્ય જોઈ રહ્યા હતા.ફકીર જોરથી હસવા લાગ્યા.માણસ આમ પણ ગાય સાથે મથામણ કરીને થાક્યો હતો અને ખિજાયેલો હતો એટલે ફકીરનું હસવાનું તેને બહુ ખટક્યું. તેણે ફકીરને ખિજાઈને પૂછ્યું, ‘તમે શું કામ હસો છો?’ ફકીરે કહ્યું, ‘ભાઈ, હું તારા પર નથી હસતો. હું મારી જાત પર હસું છું.આ મારો ઝોળો છે પણ મને હવે સમજાતું નથી કે આ ઝોળાનો માલિક હું છું કે આ ઝોળો મારો માલિક છે.’ માણસે કહ્યું, ‘એમાં ન સમજાય તેવું શું છે? ઝોળો તમારો છે તો તમે જ તેના માલિક થયા.જેમ આ ગાય મારી છે અને હું તેનો માલિક છું.’
ફકીર બોલ્યા, ‘નહિ ભાઈ, અહીં તારી ભૂલ છે. મને સમજાઈ ગયું કે આ ઝોળો મારો માલિક છે અને હું તેનો ગુલામ છું. આ ઝોળાને મારી જરૂરત નથી પણ મને ઝોળાની જરૂરત છે એટલે મેં તેને સાથે ખભે લટકાવી રાખ્યો છે.તું પણ આ ગાયનું દોરડું છોડી દે. તને ગાયની જરૂરત છે. ગાયને તારી જરૂરત નથી.સમજ, જે જેની પાછળ જાય તે તેનો ગુલામ હોય છે.અત્યારે હું ઝોળાનો અને તું ગાયનો ગુલામ લાગે છે.’ આટલું બોલીને ફકીર ઝોળો રસ્તા પર ફેંકીને જોરથી હસતાં હસતાં ‘હું આઝાદ થઈ ગયો.’બોલતાં બોલતાં આગળ વધી ગયા.
ફકીરે સમજાવી દીધું કે આપણે પોતાને બધા ઘણી બધી વસ્તુઓ અને વ્યક્તિઓના માલિક સમજીએ છીએ. હકીકત તેનાથી સાવ ઉલટી જ છે.વાસ્તવમાં આપણે બધી વસ્તુઓના માલિક નહિ પણ ગુલામ છીએ.માલિક બધી વસ્તુઓ અને વ્યક્તિઓ છે કારણ કે આપણને બધી વસ્તુઓની આવશ્યકતા છે. આપણે અન્ય વ્યક્તિઓ પર આધાર રાખીએ છીએ. જેણે જેટલા વધારે ઝોળા ઉપાડ્યા છે કે જેટલા દોરડા પકડી રાખ્યા છે તે એટલો વધારે ગુલામ છે.જેણે ઝોળો ફેંકી દીધો કે દોરડાઓ છોડી દીધા છે તે માલિક છે અને જે નથી છોડી શકતો તે ગુલામ જ રહે છે.જેને કોઈ અપેક્ષા નથી તે જ માલિક છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે