Comments

સૌથી વધારે સુખી કોણ?

એક ટાપુ પર ત્રણ જણ અચાનક ભેગા થયા.પોતાનાથી દૂર અહીં રહેતા હતા.તેમણે નક્કી કર્યું કે હવે આપણે અહીં જ એકમેકના સાથી બનીને રહેવાનું છે તો ચાલો, કંઈ છુપાવ્યા વિના આપણા જીવનની વાતો એકબીજાને કરીએ. પહેલા વ્યક્તિએ શરૂઆત કરી. તેણે કહ્યું, ‘ડોકટરે કહ્યું જેમ જેમ મોટો થઈશ આંખો વધુ નબળી થશે અને ધીમે ધીમે સાવ દેખાવાનું ઓછું થઇ જશે.આ જાણ્યા બાદ એક મારી માતા સિવાય ઘરમાં બધાને હું બોજરૂપ લાગવા માંડ્યો.મારી માતા મારી આંખો માટે બધા જ ઉપચાર કરતી અને અનેક વ્રત તપ અને માનતા રાખતી.

બાર વર્ષની ઉંમરે મને સાવ ઝાંખું દેખાતું.મારી માતા સતત મારી સંભાળ રાખતી, પણ મારી માતા પર હું બોજરૂપ બનવા માંગતો ન હોવાથી ઘર છોડીને હું અહીં આ ટાપુ પર રહેવા આવી ગયો.ત્યારથી અહીં જ રહું છું.નાનકડી ઝૂંપડી છે અને મારી માતાના જ આશિષ છે કે હજી મને ઝાંખું ઝાંખું દેખાય છે.સુખી છું, બસ મા ની યાદ કયારેક બહુ સતાવે છે.’ બીજા વ્યક્તિએ પોતાની વાતની શરૂઆત કરી. ‘હું વેપારી કુટુંબમાં જન્મ્યો, ૧૬ વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા અને જવાબદારી બધી મારા પર આવી ગઈ.મેં વેપાર સંભાળ્યો.

કુટુંબ અને ભાઈબહેનને જાળવ્યાં.લગ્ન કર્યાં,હસતું રમતું કુટુંબ અને બહોળો વેપાર, પૈસાની કોઈ જ કમી ન હતી, પણ મારા નસીબે મને ૪૦ વરસની ઉંમરે કેન્સર જેવો અસાધ્ય રોગ થયો અને ઘરના બધાનો પ્રેમ ગાયબ થઈ ગયો. માતા, પત્ની ,ભાઈ, બહેન કે સંતાનો કોઈને મારી પરવા ન રહી. બધાને એમ થયું કે મારા ઇલાજમાં પાણીની જેમ પૈસા વહાવવા પડશે એટલે તેઓ મને ચાલાકીથી વર્ષો પહેલાં આ ટાપુ પર મૂકીને ચાલ્યા ગયા.કેન્સરથી નહિ, હું ઘરનાં લોકોએ કરેલા દગાથી તે દિવસે જ મરી ગયો. બસ ત્યારથી અહીં જ રહું છું.

અહીંનાં આદિવાસીઓએ અમુક ઓસડિયાં આપ્યાં તેનો રસ રોજ પીવાથી હજી જીવું છું. ખબર નથી કેન્સર કયારે જીવન પૂરું કરશે.’ ત્રીજા વ્યક્તિએ પોતાની વાત શરૂ કરી. ‘મને કંઈ યાદ નથી હું અહી કેવી રીતે આવ્યો,હું અહીં જ રહું છું. મને મારા બાળપણના દિવસો આછા આછા યાદ છે. માતા પિતા અને એક બહેન અને હું એમ ચાર જણનો નાનકડો પરિવાર, નાનકડો બંગલો અને ગાર્ડનમાં રમતાં અમે ચાર જણ…બસ મને આટલું જ યાદ છે. પછી જીવનમાં શું થયું, હું અહીં કઈ રીતે આવ્યો, મને કંઈ યાદ નથી.પણ અહીંના જીવનમાં મને મજા આવે છે.’આ ત્રણ જણની વાતો સાંભળી ઊંડાણથી વિચારીએ તો એમ લાગે કે તેઓ બધા દુઃખી છે, પણ તેમનામાં સૌથી સુખી જેને કંઈ યાદ નથી તે જ છે.બધું જ ભૂલી જવાનો રોગ પણ જાણે આશીર્વાદ છે.ચાલો, સુખી થવા અણગમતી યાદોને ભૂલી જઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top