Columns

સૌથી શ્રેષ્ઠ કોણ

એક દિવસ બગીચામાં ફૂલો વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો. બધાં જ ફૂલો, ફૂલોમાં સૌથી શ્રેષ્ઠ કોણ? તે બાબત ઉપર ઝઘડવા લાગ્યાં. ગુલાબે કહ્યું, ‘મારી મીઠી સુગંધ અને સુંદર પાંદડીઓ હું સૌથી શ્રેષ્ઠ છું.’ સૂરજમુખી કહે,’ હું સૌથી સુંદર છું.’ કમળ કહે, ‘સૌથી વધુ સુંદરતા તો મારી પાસે જ છે.’ કંઈ નિર્ણય ના નીકળતાં સૂરજમુખીએ કહ્યું, ‘મનુષ્ય સૌથી બુદ્ધિશાળી છે. આપણે તેને નક્કી કરવા દઈએ.’ બગીચામાં એક માનવીએ પ્રવેશ કર્યો. સૌથી પહેલાં તેની નજર કમળના ફૂલ પર પડી પણ સુંદર કમળને તોડવા જતાં જ તેના પગ કાદવવાળા થઈ ગયા.

તેને મનમાં થયું, મારા પગ ગંદા થાય એવું આ ફૂલ હું શું કામ તોડું…. કમળનું દિલ તૂટી ગયું, ‘અરે રે હું આટલું સુંદર પણ કાદવમાં ખીલું તેમાં મારો શું વાંક?’  માનવની નજર ગુલાબના ફૂલ પર પડી,ગુલાબ મનોમન હરખાતું હતું કે હું તો છું જ મનમોહક. મારો રંગ સુંદર અને સુગંધ પણ મનભાવન. હું બધાને ગમું છું. માનવી ગુલાબથી આકર્ષાઈને તેની પાસે તેને તોડવા ગયો અને જેવો ગુલાબને હાથ લગાડે, ત્યાં તેના હાથમાં કાંટા વાગ્યા. માનવી દૂર ચાલ્યો ગયો. ગુલાબ નિરાશ થઈ ગયું કે મારા કાંટા મને શ્રેષ્ઠ નહીં બનવા દે.

 સૂરજમુખીનું ફૂલ ખૂબ જ સુંદર, કાંટા પણ નહીં અને કાદવ પણ નહીં. માનવી તેની નજીક ગયો પણ સૂરજમુખીના ફૂલમાં બિલકુલ સુગંધ ન હતી એટલે તે પાછો વળી ગયો. સૂરજમુખી પણ દુઃખી દુઃખી થઈ ગયું.  પવનની લહેરખી આવી અને સુંદર સુગંધ લઈ આવી, માનવી તે સુગંધ તરફ ગયો. આ સુગંધ નાનકડા ચમેલીના ફૂલની હતી. માનવીએ કહ્યું,’ અરે, આ તો કેટલું નાનું ફૂલ છે. મને તો મોટું ફૂલ જોઈએ.’ ચમેલી વિચારવા લાગી કે મારો આકાર એટલો નાનો કે કોઈને ગમે જ નહીં.’

 બધાં ફૂલો પોતાની ખામી જાણીને દુઃખી દુઃખી થઈ ગયાં. ત્યારે એક ભમરો આવ્યો. તેણે બધી વાત જાણી.પછી બધાને ક્હ્યું, ‘તમે બધા જ શ્રેષ્ઠ છો ,તમે બધા જ ખાસ છો. ગુલાબના કાંટા સૌને પ્રેરણા આપે છે કે કુમળી વસ્તુ ક્યારેય નબળી નથી હોતી. કમળ કાદવમાં રહીને પણ સૌંદર્યનું પ્રતીક છે. સૂરજમુખીમાં સુગંધ નથી તો શું થયું? સુરજ જેવો પ્રભાવશાળી દેખાવ છે. ચમેલીનો આકાર નાનો હોય તો શું થયું પણ અદભુત સુગંધ છે. ગલગોટાની નાની નાની પાંદડીઓ કહે છે ઝીણી ઝીણી વસ્તુઓ સાથે મળીને એક સુંદરતાનું સર્જન કરે છે. એ એકતાનું પ્રતીક છે. તમે બધા જ ખુશ થાવ. સૌથી શ્રેષ્ઠ કોણ? એ છોડી દો, કારણ કે તમે બધા જ શ્રેષ્ઠ છો. ભમરાની વાત સાંભળી બધાં ફૂલો ખુશ થઈ ગયાં.    
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top