હેલમેટનું ભૂત તો ધૂણે જ છે. પોતાના ઘરેથી થોડે દૂર ચાર રસ્તા નજીકમાં શાકભાજી કે જીવન જરૂરિયાતની ખરીદી કરવા જવું હોય તો એક હાથમાં હેલમેટ, બીજા હાથમાં થેલી સાથે એકનું બાળક, ઓફિસના કામે જવાનું થાય ત્યારે લાઈનમાં હેલમેટ લઇને ઊભા રહેવાનું, કયારેક એક કામ અર્થે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું થાય તો કયારેક હેલમેટ ભૂલાઈ જાય. યાદ આવે લેવા જાય. ત્યાં હેલમેટ ગાયબ!! ર. 500 નો દંડ વત્તા હેલ્મેટનો ખર્ચ. આમ જનતા બેકારી મોંઘવારીથી ત્રસ્ત તેમાં ઉપરથી વધારાનો ત્રાસ…. આટલું ઓછું પડતું હોય ત્યાં B.R.T.S.ના રૂટમાં પ્રવેશ કરો તો દંડ! ઓવરબ્રીજનાં કામો, મેટ્રો ટ્રેઇનની કામગીરી રસ્તા નાના થતા જાય છે ત્યારે ખરેખર તો B.R.T.S.નું દબાણ જ હાલ પૂરતું કાઢી નાખવું જરૂરી છે.
આ ઉપરાંત એક અગત્યની બાબત રસ્તાના દબાણ કાયમી ધોરણે દૂર કરવાની જરૂર છે. આખા શહેરમાં પગે ચાલનારા માટે ફૂટપાથ છે? જે નાના બે ફૂટના છે તેમાં ઝાડો રોપવામાં આવ્યા એટલે પગપાળા ચાલનારાં ચાલી શકે નહીં. શાકભાજી અને લારીવાળા પૂરેપૂરું દબાણ કરી બેસે છે અને સાથે ખરીદી કરવાવાળાનો ઝમેલો. ઓટોગેરેજ હોય તો આખો વિસ્તાર વાહનોથી ભરેલો હોય, બધે જ આવું દબાણ હોય ત્યાં પ્રજા બિચારી અને લાચાર બની જાય છે. સાહેબ, ડ્રોનના ઉપયોગ કરી કુંભમેળામાં ભકતોની ગણતરી થતી હોય તો સુરતના સમગ્ર વિસ્તારનો સર્વ કરી ગેરકાયદે દબાણો છે તે દબાણો કોઇ પણ જાતની શેહ શરમ વગર કાયમને માટે હટાવવાં જોઈએ.
અમરોલી – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
આપણો બૌદ્ધિક વિકાસ ધન વિદેશમાં ઢસડાઈ રહ્યું છે
આપણું વિકાસધન તો ભારતમાં જ ઘડાઈ રહ્યું છે પણ ઇન્ફ્રાસ્ટ્રકચરના અભાવે, ખોરાકી ભેળસેળ, વારંવાર શહેરમાં પૂરનાં પાણી ફરી વળે છે, પણ સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી. દિવાળી પહેલાં વિન્ડોડ્રેશીંગ થઇ જશે. હાલમાં કમ્મરના મણકા ખસી જાય એવા ખાડા કયારે પુરાશે? પ્રદૂષણ એ બિમારીનું પહેલું લક્ષણ છે. શિક્ષણનું ખાનગીકરણ (વ્યાપારીકરણ) આપણાં વાલીઓને પોસાય એમ નથી. વિદેશોમાં ભણતર સાથે શિક્ષણ ફી પણ બારોબાર નિકળી જાય છે.ઉલટું શનિ-રવિએ પણ કાળી મજૂરી કરી પોતાનાં સ્નેહીઓને મોકલે છે. ભારતમાં નજીવા કામ માટે પણ ધક્કે ચઢાવી ઢીલાં કરી નાખે છે. ભાગ્યે જ નસીબદાર હોય તેને એક જ ધક્કામાં કામ પતી જાય છે. વેઇટ મૂકો એટલે તમારી રૂબરૂમાં ફાઈલ કાઢી શેરો મારી આપવામાં આવે છે. સરકારી બાબુઓને વેતન વધારામાં રસ છે અને બીજો રસ ધક્કે ચઢાવવાનો!
અડાજણ – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
