Charchapatra

સફળ કોણ?

વ્યાવસાયિક જવાબદારીના ભાગરૂપે અંકલેશ્વરને અડીને આવેલા પિરામણ ગામની ખૂબ સુંદર એવી ભરૂચ જિલ્લા પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક શાળામાં બી.એડ.ના તાલીમાર્થીઓના પ્રાયોગિક પાઠો જોવા જવાનું થયું. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના યથાર્થ વિકાસ, ઘડતર અને એમને પ્રેરણા મળે એ માટે શાળા શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહી છે.એના ભાગરૂપે જ આખી શાળાની દિવાલો પર સુંદર મજાનાં ચિત્રો અને લખાણ કરવામાં આવ્યાં છે.એવી જ રીતે શાળાના ધોરણ આઠમાના વર્ગમાંની દિવાલ પર સફળ લોકોએ શીર્ષક સાથે ખૂબ મોટા અક્ષરો સાથે લખાણ કરવામાં આવ્યું છે.

એ મુજબ,સફળ લોકો એટલે : રોજ કંઇક નવું વાંચે છે,સતત શીખે છે,હમેશાં બીજાને મદદરૂપ રહે છે, બીજાનો આભાર વ્યક્ત કરે છે, બીજાને માફ કરી દે છે,બીજાના વખાણ કરે છે,બધાને જીતતાં જોવા ઈચ્છે છે,પરિવર્તન લાવે છે, આદર્શ પુસ્તક વાંચે છે, ખુશી વહેંચે છે,પોતાની અસફળતાની જવાબદારી સ્વયં લે છે,પોતાના વિચાર અને જ્ઞાનને વહેંચે છે,પોતાનામાં સુધારો લાવવાની દૃષ્ટિ રાખે છે,પોતાના દરેક પ્રોજેક્ટનું લિસ્ટ બનાવે છે, નવા આઈડિયાઝની વાત કરે છે,પોતાની સફળતાનું શ્રેય પણ વહેંચે છે, શું બનવું છે તેઓ જાણે છે અને હંમેશા લક્ષ્ય બનાવે છે.

શાળામાં નોંધાયેલાં આવાં લક્ષણો ધરાવતી વ્યક્તિને સફળ કહી શકાય.જીવનમાં બધાને સફળ થવું હોય છે,પણ સફળ થવું એટલે શું એ પ્રશ્ન સાપેક્ષ છે. દરેકનો સફળતાનો ખ્યાલ જુદો જુદો હોઈ શકે છે. અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, નરેન્દ્રભાઇ મોદી કે પછી કોઈ મોટી સેલિબ્રિટી બનવું એટલે જ સફળ થવું એવું નથી. અહીં નોંધ્યાં છે એવાં લક્ષણો ધરાવતી વ્યક્તિને પણ સફળ કહી શકાય.આપણાં વિદ્યાર્થીઓ અને બાળકોમાં આવી સમજ કેળવાય એ જરૂરી છે.
નવસારી           – ઈન્તેખાબ અનસારી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top