આવી ઘટના તો માત્ર ભારતમાં જ બની શકે અને ઘટના પછી જે ઘટનાઓ બની રહી છે એ પણ માત્ર ભારતમાં જ બની શકે!
પહેલાં કથાનક: ચિત્રા રામકૃષ્ણન નામનાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બહેનની એપ્રિલ ૨૦૧૩ માં નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (સીઈઓ) તરીકે નિમણૂક કરવામાં આવે છે. હવે એનએસઈ કેટલું મોટું એક્સચેન્જ છે એ તો તમે જાણો છો અને એમાં આ બહેન તો તેની સ્થાપના કરવામાં આવી એ પહેલાંથી તેની સાથે સંકળાયેલાં હતાં. નવા કોમ્યુટર યુગમાં ઓનલાઈન ટ્રેડીંગ કરી શકાય એવું એક એક્સચેન્જ સ્થાપવું જોઈએ એમ નાણાં મંત્રાલયને લાગ્યું હતું અને તેના સ્વરૂપની કલ્પના કરવાનું કામ જેમને સોંપવામાં આવ્યું હતું એમાં એક ચિત્રાબહેન પણ હતાં. ખરું પૂછો તો ચિત્રા રામકૃષ્ણન મુખ્ય હતાં. શેરબજારની રિંગમાં દલાલો રાડો પાડીને સોદા કરતા હોય એની જગ્યાએ, એટલે કે રિંગની જગ્યાએ, એક સર્વર હોય, એક બેકઅપ સર્વર હોય અને દલાલો પણ પોતપોતાનાં સર્વર ધરાવતા હોય અને એનેએસઈ સાથે જોડાયેલા હોય તો કોઈને સદેહે શેરબજારની રિંગમાં આવવાની જરૂર ન પડે. આમ નેશનલ સ્ટોક એક્સચેન્જની કલ્પના કરનારાઓમાં ચિત્રા રામકૃષ્ણન એક અને મુખ્ય હતાં. એનએસઈનો ઢાંચો તૈયાર કરવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી.
એનએસઈના સર્વર સાથે દલાલોનાં સર્વર જોડાયેલાં હોય એ તો જાણે સમજ્યા, પણ પ્રશ્ન હતો દલાલોના સર્વરના લોકેશનનો. જૂના શેરબજારમાં એક જ સ્થળે (શેરબજારની રિંગ) દલાલો એકત્ર થતા હતા, માર્કેટની રુખની એક સાથે જાણકારી મેળવતા હતા, તેના આધારે સોદાઓ કરતા હતા અને શેરબજારમાં લખાવતા હતા. નવા ઢાંચામાં દલાલોએ શેરબજારમાં આવવાનું નહોતું, પણ પોતાના સ્થળેથી ધંધો કરવાનો હતો, સર્વર દ્વારા. એનએસઈનું મુખ્ય સર્વર એ લોકેશન અને દલાલોનાં સર્વર એ કો-લોકેશન. હવે લોકેશન અને કો-લોકેશન વચ્ચે જે અંતર હોય એનાથી ધંધામાં કોઈ ફરક પડે ખરો? મિલિયન ડોલર ક્વેશ્ચન આ છે.
એનએસઈ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આ કો-લોકેશન વિષે પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. હાઈ ફ્રિકવન્સી હોય અને કો-લોકેશન મુખ્ય લોકેશનની નજીક હોય તો શેરબજારની મુવમેન્ટની જાણકારી એવા લોકોને બે-ચાર સેકન્ડ વહેલી મળે અને બે-ચાર સેકંડનો ફરક અબજો રૂપિયાના નફા-નુકસાનનો ફરક પેદા કરી શકે. માટે નાના દલાલો અને ધંધામાં સમાન તકની નૈતિકતાનો આગ્રહ રાખનારા પારકી છઠ્ઠીના જાગતલો (વ્હીસલ બ્લોઅર્સ) વારંવાર સત્તાવાળાઓનું ધ્યાન દોરતા હતા કે કો-લોકેશનમાં અસમાનતા એક કૌભાંડ છે. એમાં એવી ટેકનોલોજી દાખલ કરવી જોઈએ કે જેથી માહિતી ક્યારે મળે તેની અસમાનતાને કારણે કેટલાક લોકોને મળતા લાભ નિવારી શકાય.
સત્તાવાળાઓ એટલે એનએસઈના સંચાલકો, શેરબજારનું નિયમન કરનારી સંસ્થા સેબી (સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા)ના હોદ્દેદારો અને નાણાં પ્રધાન સહિત નાણાં મંત્રાલયના મૂડીબજારનો હવાલો ધરાવનારા અધિકારીઓ. હવે બને છે એવું કે ચિત્રા રામકૃષ્ણન લોકેશન અને કો-લોકેશનવાળા એનએસઈના ઢાંચાની યોજના બનાવે છે અને દાખલ કરે છે. વાત અહીં પૂરી થતી નથી. સેબીએ શેરબજારનું નિયમન કઈ રીતે કરવું એની રૂપરેખા બનાવવામાં પણ ચિત્રા રામકૃષ્ણન મુખ્ય ભૂમિકાએથી કામ કરે છે. જે વ્યક્તિ કેસીનોનો ઢાંચો વિકસાવે એ વ્યક્તિ કેસીનો ઉપર નજર કેમ રાખવી એની સંહિતા પણ વિકસાવે. આ થોડુંક વિચિત્ર હતું, પણ કદાચ એવી ગણતરી હશે કે જે વ્યક્તિએ ઢાંચો વિકસાવ્યો છે એ વ્યક્તિ ઢાંચાની બારીકીઓ વધારે જાણતી હોય એટલે એ વ્યક્તિ નિયમનોનું સ્વરૂપ પ્રમાણમાં વધારે અસરકારકપણે વિચારી શકે અને આવે છે ૨૦૧૩ ની સાલ. ચિત્રા રામકૃષ્ણનની એનએસઈના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવે છે.
ચિત્રા રામકૃષ્ણનને સોંપવામાં આવેલી આ ત્રણેય ભૂમિકા (અત્યંત નિર્ણાયક ભૂમિકા) સદહેતુનું પરિણામ હતું અને એમાં કોઈ કૌભાંડ નહોતું એમ આપણે માની પણ લઈએ તો પણ સવાલ તો બચે જ છે કે એનએસઈના લોકેશન અને કો-લોકેશનમાંની ક્ષતિ બાબતે નાના દલાલો અને વ્હીસલ બ્લોઅરો ધ્યાન દોરતા હતા તો તેના તરફ ધ્યાન કેમ આપવામાં ન આવ્યું? કોના હિતમાં એ વ્યવસ્થા કાયમ રાખવામાં આવી છે અને સુધારવામાં આવતી નથી? આ પ્રશ્ન જ્યારે કરો ત્યારે ચિત્રા રામકૃષ્ણનનું ત્રણેય જગ્યાએ હોવું એ કોઈ અજ્ઞાત હાથ કે હાથોનું ભારતના સામાન્યજનોના પૈસા લૂંટવાનું કાવતરું હોય એમ ભાસે છે. અજ્ઞાત હાથ! ચિત્રા રામકૃષ્ણન જેવા એનએસઈના સીઈઓ બને છે કે તરત તેઓ હિમાલયના કોઈ સિદ્ધ યોગીની સલાહ લે છે અથવા એ સિદ્ધ યોગી સલાહ આપે છે. એ સિદ્ધ યોગી સદેહે કોઈને મળતા નથી.
ચિત્રા રામકૃષ્ણન સીઈઓ બન્યા એ પછી યોગી ચિત્રા રામકૃષ્ણનને સલાહ આપે છે કે તેઓ બાલમેર લૉરી નામની કંપનીમાં વરસે ૧૫ લાખના પગારની નોકરી કરતા આનંદ સુબ્રમણ્યમ નામના માણસને એનએસઈમાં સલાહકાર તરીકે નિયુક્ત કરે. યોગીએ જ પગાર ઠરાવ્યો. એક કરોડ ૪૬ લાખ અને એ પણ સપ્તાહમાં ત્રણ દિવસ કામ કરવા માટે. બાલમેર લૉરી ટ્રાવેલ અને લોજિસ્ટિકના ક્ષેત્રમાં કામ કરનારી કંપની છે અને તેને નાણાંક્ષેત્ર સાથે કોઈ સંબંધ નથી એટલે દેખીતી રીતે આનંદ સુબ્રમણ્યમને ફાયનાન્સનું કોઈ જ્ઞાન નહોતું. ચિત્રા રામકૃષ્ણન યોગીના આદેશને માથે ચડાવે છે અને નિમણૂકો માટેની જરૂરી વિધિ કર્યા વિના બારોબાર આનંદ સુબ્રમણ્યમની સલાહકાર તરીકે નિયુક્તિ કરે છે. હવે યોગીનો માણસ ચિત્રા રામકૃષ્ણનની સાથે એક જ કેબિનમાં બેસતો હતો અને યોગીના નામે ચિત્રાબહેનને સલાહ આપતો હતો. એક રીતે એનએસઈનું સંચાલન યોગીએ સીધું પોતાના હાથમાં લઈ લીધું. વરસ પછી યોગીએ ચિત્રા રામકૃષ્ણનને સલાહ આપી કે આનંદ હવે ત્રણની જગ્યાએ ચાર દિવસ આપશે અને તેનો પગાર ચાર કરોડ ૬૦ લાખ કરી આપવામાં આવે. તેમને એમ પણ કહેવામાં આવ્યું કે આનંદ ત્રણ દિવસ ઑફિસમાં હાજર રહેશે અને એક દિવસ એ ગમે ત્યાંથી કામ કરશે. તેને વિદેશયાત્રા માટે ફર્સ્ટ ક્લાસનું અને ભારતમાં પ્રવાસ કરવા માટે એક્ઝીક્યુટીવ ક્લાસનું ભાડું આપવામાં આવે. ચિત્રા રામકૃષ્ણને એનએસઈના બોર્ડને પૂછ્યા વિના પગાર પણ વધારી આપ્યો અને ભાડાની વ્યવસ્થા પણ કરી આપી.
આધ્યાત્મિક બાબતોની જગ્યાએ માત્ર ધંધાકીય સલાહ આપનાર યોગી હવે ચિત્રા રામકૃષ્ણનને આજે તેઓ કેવાં સુંદર દેખાય છે, આજે વાળની લટ કેવી દેખાય છે અથવા તેમાં કેવો ફેરફાર કરવો જોઈએ, પહેરેલાં કપડાંનો રંગ અને મેચિંગ વગેરે વિષે પણ કમેન્ટ્સ કરતી પોસ્ટ ઈમેઈલ્સ દ્વારા મોકલતો થાય છે. ચિત્રા રામકૃષ્ણન તો એમ જ માને છે કે આ બાબાની દિવ્યદ્રષ્ટિનું પરિણામ છે. માન્યામાં ન આવે એવી વાત લાગે છે ને! કોઈ સિદ્ધહસ્ત લેખક પણ કલ્પના ન કરી શકે એવો પ્લોટ વાસ્તવમાં ભજવાયો અને એ પણ ત્રણ વરસ સુધી. એ દરમ્યાન વ્હીસલ બ્લોઅર્સ વારંવાર સરકારનું અને સેબીનું ધ્યાન દોરતા હતા કે કોઈક કો-લોકેશનનો ફાયદો ઉઠાવી રહ્યું છે. તેમને ક્યાં ખબર હતી કે કો-લોકેશન તો એનએસઈની સાવ નજીક હતું. અને ૨૦૧૬ માં ચિત્રા રામકૃષ્ણન સામેથી રાજીનામું આપી દે છે. એ અજ્ઞાત યોગીને અને ચિત્રાબહેનને લાગ્યું હશે કે વધારે લોભ કરવામાં ક્યારેક ભાંડો ફૂટી જાય એનાં કરતાં લૂંટેલ માલ લઈને ચાલતા થવામાં વધારે માલ છે.
વાર્તા પૂરી થઈ, હવે કેટલાક સવાલો. સવાલ એક. કોણ છે આ યોગી? આનંદ સુબ્રમણ્યમ પોતે? કે પછી કોઈ દલાલ કે કોર્પોરેટ કંપની? કે પછી શાસકોમાંથી કોઈ? આનંદ સુબ્રમણ્યમ પોતે એકલે હાથે આટલું મોટું સાહસ કરે એ માની શકાય એવી વાત નથી. કોઈક અજ્ઞાત હાથે આનંદ સુબ્રમણ્યમને એનએસઈમાં દાખલ કર્યો હોવો જોઈએ. સાવલ બે. ચિત્રા રામકૃષ્ણન અંધશ્રદ્ધાળુ બેવકૂફ છે કે પછી તેઓ પોતે પણ કૌભાંડમાં ભાગીદાર હતાં? તેમની ઉજ્વળ કારકિર્દી ઉપર નજર કરો તો માનવું મુશ્કેલ બને કે તેઓ આટલાં અંધભક્ત હોય. સવાલ ત્રણ અને સૌથી મોટો સવાલ. ૨૦૧૪-‘૧૬ની આ ઘટના વિષે સેબીએ એક-બે નહીં છ વરસ સુધી કોઈ તપાસ ન કરી એનું શું કારણ? અંદેશો તો હતો જ. સેબીનું અને સરકારનું ત્યારે વારંવાર ધ્યાન પણ ખેંચવામાં આવ્યું હતું. શા માટે?
અને આખરી સવાલ: અનૈતિકતાની તાકાત ધરાવતા અને ઉપરથી શાસકો દ્વારા રક્ષણ મેળવતા સાંઢોના કેસીનો (શેરબજાર)માં કોના પૈસાનું ધોવાણ થાય છે? કોણ લૂંટાય છે? એક બેવકૂફ મતદાતાથી વધુ છે તમારી કોઈ કિંમત? ભલા માણસ, તમારું નહીં તો તમારાં સંતાનનાં ભવિષ્યનો તો વિચાર કરો! આ દેશમાં આવું પણ બને! કોઈ અજ્ઞાત માણસ યોગી બનીને શેરબજાર ચલાવે? જગતના પછાતમાં પછાત દેશમાં પણ આવું નહીં બનતું હોય. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આવી ઘટના તો માત્ર ભારતમાં જ બની શકે અને ઘટના પછી જે ઘટનાઓ બની રહી છે એ પણ માત્ર ભારતમાં જ બની શકે!
પહેલાં કથાનક:
ચિત્રા રામકૃષ્ણન નામનાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બહેનની એપ્રિલ ૨૦૧૩ માં નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (સીઈઓ) તરીકે નિમણૂક કરવામાં આવે છે. હવે એનએસઈ કેટલું મોટું એક્સચેન્જ છે એ તો તમે જાણો છો અને એમાં આ બહેન તો તેની સ્થાપના કરવામાં આવી એ પહેલાંથી તેની સાથે સંકળાયેલાં હતાં. નવા કોમ્યુટર યુગમાં ઓનલાઈન ટ્રેડીંગ કરી શકાય એવું એક એક્સચેન્જ સ્થાપવું જોઈએ એમ નાણાં મંત્રાલયને લાગ્યું હતું અને તેના સ્વરૂપની કલ્પના કરવાનું કામ જેમને સોંપવામાં આવ્યું હતું એમાં એક ચિત્રાબહેન પણ હતાં. ખરું પૂછો તો ચિત્રા રામકૃષ્ણન મુખ્ય હતાં. શેરબજારની રિંગમાં દલાલો રાડો પાડીને સોદા કરતા હોય એની જગ્યાએ, એટલે કે રિંગની જગ્યાએ, એક સર્વર હોય, એક બેકઅપ સર્વર હોય અને દલાલો પણ પોતપોતાનાં સર્વર ધરાવતા હોય અને એનેએસઈ સાથે જોડાયેલા હોય તો કોઈને સદેહે શેરબજારની રિંગમાં આવવાની જરૂર ન પડે. આમ નેશનલ સ્ટોક એક્સચેન્જની કલ્પના કરનારાઓમાં ચિત્રા રામકૃષ્ણન એક અને મુખ્ય હતાં. એનએસઈનો ઢાંચો તૈયાર કરવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી.
એનએસઈના સર્વર સાથે દલાલોનાં સર્વર જોડાયેલાં હોય એ તો જાણે સમજ્યા, પણ પ્રશ્ન હતો દલાલોના સર્વરના લોકેશનનો. જૂના શેરબજારમાં એક જ સ્થળે (શેરબજારની રિંગ) દલાલો એકત્ર થતા હતા, માર્કેટની રુખની એક સાથે જાણકારી મેળવતા હતા, તેના આધારે સોદાઓ કરતા હતા અને શેરબજારમાં લખાવતા હતા. નવા ઢાંચામાં દલાલોએ શેરબજારમાં આવવાનું નહોતું, પણ પોતાના સ્થળેથી ધંધો કરવાનો હતો, સર્વર દ્વારા. એનએસઈનું મુખ્ય સર્વર એ લોકેશન અને દલાલોનાં સર્વર એ કો-લોકેશન. હવે લોકેશન અને કો-લોકેશન વચ્ચે જે અંતર હોય એનાથી ધંધામાં કોઈ ફરક પડે ખરો? મિલિયન ડોલર ક્વેશ્ચન આ છે.
એનએસઈ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આ કો-લોકેશન વિષે પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. હાઈ ફ્રિકવન્સી હોય અને કો-લોકેશન મુખ્ય લોકેશનની નજીક હોય તો શેરબજારની મુવમેન્ટની જાણકારી એવા લોકોને બે-ચાર સેકન્ડ વહેલી મળે અને બે-ચાર સેકંડનો ફરક અબજો રૂપિયાના નફા-નુકસાનનો ફરક પેદા કરી શકે. માટે નાના દલાલો અને ધંધામાં સમાન તકની નૈતિકતાનો આગ્રહ રાખનારા પારકી છઠ્ઠીના જાગતલો (વ્હીસલ બ્લોઅર્સ) વારંવાર સત્તાવાળાઓનું ધ્યાન દોરતા હતા કે કો-લોકેશનમાં અસમાનતા એક કૌભાંડ છે. એમાં એવી ટેકનોલોજી દાખલ કરવી જોઈએ કે જેથી માહિતી ક્યારે મળે તેની અસમાનતાને કારણે કેટલાક લોકોને મળતા લાભ નિવારી શકાય.
સત્તાવાળાઓ એટલે એનએસઈના સંચાલકો, શેરબજારનું નિયમન કરનારી સંસ્થા સેબી (સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા)ના હોદ્દેદારો અને નાણાં પ્રધાન સહિત નાણાં મંત્રાલયના મૂડીબજારનો હવાલો ધરાવનારા અધિકારીઓ. હવે બને છે એવું કે ચિત્રા રામકૃષ્ણન લોકેશન અને કો-લોકેશનવાળા એનએસઈના ઢાંચાની યોજના બનાવે છે અને દાખલ કરે છે. વાત અહીં પૂરી થતી નથી. સેબીએ શેરબજારનું નિયમન કઈ રીતે કરવું એની રૂપરેખા બનાવવામાં પણ ચિત્રા રામકૃષ્ણન મુખ્ય ભૂમિકાએથી કામ કરે છે. જે વ્યક્તિ કેસીનોનો ઢાંચો વિકસાવે એ વ્યક્તિ કેસીનો ઉપર નજર કેમ રાખવી એની સંહિતા પણ વિકસાવે. આ થોડુંક વિચિત્ર હતું, પણ કદાચ એવી ગણતરી હશે કે જે વ્યક્તિએ ઢાંચો વિકસાવ્યો છે એ વ્યક્તિ ઢાંચાની બારીકીઓ વધારે જાણતી હોય એટલે એ વ્યક્તિ નિયમનોનું સ્વરૂપ પ્રમાણમાં વધારે અસરકારકપણે વિચારી શકે અને આવે છે ૨૦૧૩ ની સાલ. ચિત્રા રામકૃષ્ણનની એનએસઈના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવે છે.
ચિત્રા રામકૃષ્ણનને સોંપવામાં આવેલી આ ત્રણેય ભૂમિકા (અત્યંત નિર્ણાયક ભૂમિકા) સદહેતુનું પરિણામ હતું અને એમાં કોઈ કૌભાંડ નહોતું એમ આપણે માની પણ લઈએ તો પણ સવાલ તો બચે જ છે કે એનએસઈના લોકેશન અને કો-લોકેશનમાંની ક્ષતિ બાબતે નાના દલાલો અને વ્હીસલ બ્લોઅરો ધ્યાન દોરતા હતા તો તેના તરફ ધ્યાન કેમ આપવામાં ન આવ્યું? કોના હિતમાં એ વ્યવસ્થા કાયમ રાખવામાં આવી છે અને સુધારવામાં આવતી નથી? આ પ્રશ્ન જ્યારે કરો ત્યારે ચિત્રા રામકૃષ્ણનનું ત્રણેય જગ્યાએ હોવું એ કોઈ અજ્ઞાત હાથ કે હાથોનું ભારતના સામાન્યજનોના પૈસા લૂંટવાનું કાવતરું હોય એમ ભાસે છે. અજ્ઞાત હાથ! ચિત્રા રામકૃષ્ણન જેવા એનએસઈના સીઈઓ બને છે કે તરત તેઓ હિમાલયના કોઈ સિદ્ધ યોગીની સલાહ લે છે અથવા એ સિદ્ધ યોગી સલાહ આપે છે. એ સિદ્ધ યોગી સદેહે કોઈને મળતા નથી.
ચિત્રા રામકૃષ્ણન સીઈઓ બન્યા એ પછી યોગી ચિત્રા રામકૃષ્ણનને સલાહ આપે છે કે તેઓ બાલમેર લૉરી નામની કંપનીમાં વરસે ૧૫ લાખના પગારની નોકરી કરતા આનંદ સુબ્રમણ્યમ નામના માણસને એનએસઈમાં સલાહકાર તરીકે નિયુક્ત કરે. યોગીએ જ પગાર ઠરાવ્યો. એક કરોડ ૪૬ લાખ અને એ પણ સપ્તાહમાં ત્રણ દિવસ કામ કરવા માટે. બાલમેર લૉરી ટ્રાવેલ અને લોજિસ્ટિકના ક્ષેત્રમાં કામ કરનારી કંપની છે અને તેને નાણાંક્ષેત્ર સાથે કોઈ સંબંધ નથી એટલે દેખીતી રીતે આનંદ સુબ્રમણ્યમને ફાયનાન્સનું કોઈ જ્ઞાન નહોતું. ચિત્રા રામકૃષ્ણન યોગીના આદેશને માથે ચડાવે છે અને નિમણૂકો માટેની જરૂરી વિધિ કર્યા વિના બારોબાર આનંદ સુબ્રમણ્યમની સલાહકાર તરીકે નિયુક્તિ કરે છે. હવે યોગીનો માણસ ચિત્રા રામકૃષ્ણનની સાથે એક જ કેબિનમાં બેસતો હતો અને યોગીના નામે ચિત્રાબહેનને સલાહ આપતો હતો. એક રીતે એનએસઈનું સંચાલન યોગીએ સીધું પોતાના હાથમાં લઈ લીધું. વરસ પછી યોગીએ ચિત્રા રામકૃષ્ણનને સલાહ આપી કે આનંદ હવે ત્રણની જગ્યાએ ચાર દિવસ આપશે અને તેનો પગાર ચાર કરોડ ૬૦ લાખ કરી આપવામાં આવે. તેમને એમ પણ કહેવામાં આવ્યું કે આનંદ ત્રણ દિવસ ઑફિસમાં હાજર રહેશે અને એક દિવસ એ ગમે ત્યાંથી કામ કરશે. તેને વિદેશયાત્રા માટે ફર્સ્ટ ક્લાસનું અને ભારતમાં પ્રવાસ કરવા માટે એક્ઝીક્યુટીવ ક્લાસનું ભાડું આપવામાં આવે. ચિત્રા રામકૃષ્ણને એનએસઈના બોર્ડને પૂછ્યા વિના પગાર પણ વધારી આપ્યો અને ભાડાની વ્યવસ્થા પણ કરી આપી.
આધ્યાત્મિક બાબતોની જગ્યાએ માત્ર ધંધાકીય સલાહ આપનાર યોગી હવે ચિત્રા રામકૃષ્ણનને આજે તેઓ કેવાં સુંદર દેખાય છે, આજે વાળની લટ કેવી દેખાય છે અથવા તેમાં કેવો ફેરફાર કરવો જોઈએ, પહેરેલાં કપડાંનો રંગ અને મેચિંગ વગેરે વિષે પણ કમેન્ટ્સ કરતી પોસ્ટ ઈમેઈલ્સ દ્વારા મોકલતો થાય છે. ચિત્રા રામકૃષ્ણન તો એમ જ માને છે કે આ બાબાની દિવ્યદ્રષ્ટિનું પરિણામ છે. માન્યામાં ન આવે એવી વાત લાગે છે ને! કોઈ સિદ્ધહસ્ત લેખક પણ કલ્પના ન કરી શકે એવો પ્લોટ વાસ્તવમાં ભજવાયો અને એ પણ ત્રણ વરસ સુધી. એ દરમ્યાન વ્હીસલ બ્લોઅર્સ વારંવાર સરકારનું અને સેબીનું ધ્યાન દોરતા હતા કે કોઈક કો-લોકેશનનો ફાયદો ઉઠાવી રહ્યું છે. તેમને ક્યાં ખબર હતી કે કો-લોકેશન તો એનએસઈની સાવ નજીક હતું. અને ૨૦૧૬ માં ચિત્રા રામકૃષ્ણન સામેથી રાજીનામું આપી દે છે. એ અજ્ઞાત યોગીને અને ચિત્રાબહેનને લાગ્યું હશે કે વધારે લોભ કરવામાં ક્યારેક ભાંડો ફૂટી જાય એનાં કરતાં લૂંટેલ માલ લઈને ચાલતા થવામાં વધારે માલ છે.
વાર્તા પૂરી થઈ, હવે કેટલાક સવાલો.
સવાલ એક. કોણ છે આ યોગી? આનંદ સુબ્રમણ્યમ પોતે? કે પછી કોઈ દલાલ કે કોર્પોરેટ કંપની? કે પછી શાસકોમાંથી કોઈ? આનંદ સુબ્રમણ્યમ પોતે એકલે હાથે આટલું મોટું સાહસ કરે એ માની શકાય એવી વાત નથી. કોઈક અજ્ઞાત હાથે આનંદ સુબ્રમણ્યમને એનએસઈમાં દાખલ કર્યો હોવો જોઈએ. સાવલ બે. ચિત્રા રામકૃષ્ણન અંધશ્રદ્ધાળુ બેવકૂફ છે કે પછી તેઓ પોતે પણ કૌભાંડમાં ભાગીદાર હતાં? તેમની ઉજ્વળ કારકિર્દી ઉપર નજર કરો તો માનવું મુશ્કેલ બને કે તેઓ આટલાં અંધભક્ત હોય. સવાલ ત્રણ અને સૌથી મોટો સવાલ. ૨૦૧૪-‘૧૬ની આ ઘટના વિષે સેબીએ એક-બે નહીં છ વરસ સુધી કોઈ તપાસ ન કરી એનું શું કારણ? અંદેશો તો હતો જ. સેબીનું અને સરકારનું ત્યારે વારંવાર ધ્યાન પણ ખેંચવામાં આવ્યું હતું. શા માટે?
અને આખરી સવાલ:
અનૈતિકતાની તાકાત ધરાવતા અને ઉપરથી શાસકો દ્વારા રક્ષણ મેળવતા સાંઢોના કેસીનો (શેરબજાર)માં કોના પૈસાનું ધોવાણ થાય છે? કોણ લૂંટાય છે? એક બેવકૂફ મતદાતાથી વધુ છે તમારી કોઈ કિંમત? ભલા માણસ, તમારું નહીં તો તમારાં સંતાનનાં ભવિષ્યનો તો વિચાર કરો! આ દેશમાં આવું પણ બને! કોઈ અજ્ઞાત માણસ યોગી બનીને શેરબજાર ચલાવે? જગતના પછાતમાં પછાત દેશમાં પણ આવું નહીં બનતું હોય.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.