ભારત સરકાર અને સુજ્ઞ ગુણીજન જ્ઞાનીજનો વારંવાર બળાપો વ્યક્ત કરતા હોય છે કે દેશમાંથી સતત “બ્રેઈન ડ્રેઈન” થઈ રહ્યું છે અર્થાત બુદ્ધિજીવીઓનું બહિર્ગમન થઈ રહ્યું છે, બુદ્ધિધનની હિજરત થઈ રહી છે! પણ કેમ? તેની પાછળના કારણો તારણો સૂચિતાર્થો અને ધ્વન્યાર્થો તપાસવાની-ચકાસવાની તાતી જરૂર છે. વિશેષ કળા-કૌશલ્યની રાષ્ટ્ર જ કદર ન કરે, દેશમાં જ સમયસર ઉચિત માન સન્માન બહુમાન ન મળે તો સ્વાભાવિક છે કે બુદ્ધિજીવીઓ બહાર જવાનો માર્ગ અચૂક અખત્યાર કરે છે.
ચાણક્ય મુનિ પણ કહે છે સાદર રોજગારી અર્થે દેશ છોડવો પડે તોપણ જરાય અફસોસ ન કરવો જોઈએ અને સત્વરે નિર્ણય લેવો જ જોઈએ. અનુભવથી જણાય છે કે મોટે ભાગે સંશોધક અભ્યાસુ ભારતીયને સૌપ્રથમ નોબલ પારિતોષિક વડે નવાજવામાં આવે છે અને ત્યારપછી જ ફટાફટ ઉતાવળે ભારત રત્ન આપવામાં આવે છે જેમકે રવીન્દ્રનાથ ટાગોર, સી વી રામન, મધર ટેરેસા અને અમર્ત્ય સેન. તો શું દેશની વિરાટ વિશાળ પ્રતિભા વિદેશમાં પોંખાય તેની રાહ જોવામાં આવે છે કે પછી દેશ દ્વારા તે અનિવાર્ય માપદંડ નક્કી કરવામાં,સાચા ધારાધોરણની ખરાઈ કરવામાં વણજોઈતો વિલંબ થાય છે ? સવાલ સૂચક સાર્થક સચોટ અને વેધક પણ છે,જેના પર વિચાર કરવો જ રહ્યો!
ડીસા, બનાસકાંઠા – જિતેન્દ્ર એમ ટાંક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.