‘ક્યારેક મનમાં આ પ્રશ્ન થયો છે? પોતાને પૂછ્યું છે કે આપણું કોણ છે? પૂછી જોજો અને જવાબ મળે તો સાચો મળ્યો છે કે નહીં તે કેવી રીતે સમજાશે.’ આવા જ કંઈક વિચારોને લઈને એક માણસ સંત પાસે ગયો અને સંતને તેણે પૂછ્યું, ‘બાપજી, આપણા જીવનમાં આપણું કોણ કહેવાય? આપણને જન્મ આપનાર માતા-પિતા જેની સાથે લોહીનો સંબંધ હોય તે ભાઈ બહેન આપણા કહેવાય કે પછી જેની સાથે લાગણીના સંબંધ હોય એ સ્વજનો આપણા કહેવાય?’ સંત બોલ્યા, ‘તને શું લાગે છે? તું કોને તારા માને છે?’ માણસે કહ્યું, ‘મને કંઈ જ ખબર પડતી નથી, ક્યારેક લોહીના સંબંધ પોતાના લાગે છે તો ક્યારેક લાગણીના સંબંધ પોતાના લાગે છે.
ક્યારેક મિત્રતાના સંબંધ પણ પોતાના લાગે છે મિત્ર પણ આપણા કહેવાય અને હંમેશા જેની સાથે કામ કરીએ છીએ જેનો હાથ પકડીને આગળ વધવાની કોશિશ કરીએ છીએ તે સાથી કર્મચારીઓ પણ આપણા કહેવાય એમ મારું મન કહે છે. એટલે મને ખબર નથી પડતી કે સાચે આપણા કોણ કહેવાય? તમે મને સમજાવો.’ સંતે કહ્યું, ‘માતા -પિતા, ભાઈ બહેન, મિત્રો, સ્વજનો, સાથીઓ આ બધા જ તારા જીવનમાં છે અને તારું જીવન આ બધાના સાથથી ચાલે છે એટલે બધા જ આપણા છે, પણ સાચે આપણું કોણ? જાણવું હોય ને તેને માટે તો એક જ કસોટી છે કે જે વિપત્તિમાં સાથ આપે તે આપણા કહેવાય ?’
માણસે કહ્યું, ‘એટલે ??’ સંત બોલ્યા, ‘જ્યારે તારા પર કોઈ વિપત્તિ આવે, શારીરિક, આર્થિક ,માનસિક, કોઇપણ તકલીફ આવે ત્યારે જે બાજુમાં રહીને, ખભે હાથ મુકીને કહે હું તારી સાથે છું …. આ સાથ જે આપે તે આપણા કહેવાય એટલે કે જ્યારે તું મુશ્કેલીમાં હોય અને તારી સાથે રહે તે આપણા કહેવાય. તેને હાથ આપી અને મુશ્કેલીમાંથી બહાર કાઢે મુશ્કેલીમાં તને એકલો મૂકીને ભાગી ન જાય તે બધા જ આપણા કહેવાય અને બાકી બધા ભલે લોહીનો સંબંધ હોય કે પ્રેમનો સંબંધ હોય કે લાગણીનો સંબંધ હોય કે મિત્રતાનો સંબંધ હોય, જો છોડીને ચાલ્યા જાય તો તે આપણા નથી. તે યાદ રાખજે આપણા એ જ છે, આપણું એ જ છે, જે વિપત્તિમાં આપણી સાથે છે.’ સંતે ચોખ્ખો અને ચટ જીવનની સાચી સમજ આપતો ઉત્તર આપ્યો. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.