Comments

કૃતિ પર અધિકાર કોનો? સર્જકનો કે ભાવકનો?

સર્જકતા અને સર્જન બહુ વિશિષ્ટ બાબતો છે. સર્જન પર વધુ અધિકાર કોનો? સર્જકનો કે ભાવકનો? આ સવાલ એવો છે કે જેનો જવાબ વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોઈ શકે અને અમુક વાર તો જૂદા જૂદા સંજોગોમાં પણ અલગ હોઈ શકે. કેમ કે, એક વાર કોઈ કૃતિ જાહેર બને એ પછી ભાવકો તેની સાથે અનુસંધાન સાધે છે અને તાદાત્મ્ય અનુભવે છે. અલબત્ત, એનાથી કૃતિની ગુણવત્તા નક્કી થઈ શકતી નથી.

બહુ જાણીતું ઉદાહરણ અંગ્રેજ ગુનાશોધક પાત્ર શેરલોક હોમ્સનું છે. સર આર્થર કોનન ડોયલે સર્જેલું આ પાત્ર અતિશય લોકપ્રિય બની ગયું. લોકપ્રિયતાની ચરમ સીમા પર શેરલોકની કથાઓ હતી એ વખતે આર્થર કોનન ડોયલે ‘ધ ફાઈનલ બેટલ’ વાર્તામાં આ પાત્રનું મૃત્યુ દર્શાવ્યું. એનો સીધો અર્થ એ હતો કે હવે પછી શેરલોક હોમ્સની વાર્તાઓ નહીં લખાય. આને પગલે શેરલોકનાં ચાહકો અકળાયાં, લેખક પર પત્રોનો મારો ચલાવ્યો તેમજ ‘ધ સ્ટ્રેન્‍ડ મેગેઝીન’માં આ કથાઓ પ્રકાશિત થતી હતી એનું લવાજમ રદ કરાવ્યું. આખરે લોકોની માંગ સમક્ષ લેખકે ઝૂકવું પડ્યું અને આઠ વર્ષના અંતરાલ પછી તેમણે આ પાત્રને જીવિત કરવું પડ્યું.

આવાં અનેક ઉદાહરણ જોવા મળી શકે એમ છે. ગુજરાતી સાપ્તાહિક ‘ચિત્રલેખા’માં તત્કાલીન તંત્રી હરકિસન મહેતાની ધારાવાહિક નવલકથા ‘જડચેતન’ પ્રકાશિત થઈ રહી હતી, જેમાં બળાત્કારનો ભોગ બનેલી એક નર્સ તુલસીની કથા હતી. ઘણા વખત સુધી બેભાનાવસ્થામાં રહેલી તુલસી નવલકથાના એક હપતામાં ભાનમાં આવે છે. એ વાંચીને ઘણા વાચકોએ પેંડા વહેંચીને ખુશાલી વ્યક્ત કરી હતી. આવી ઘટના બને ત્યારે સર્જકને આનંદ થઈ શકે ખરો, પણ હંમેશાં એમ ન બને. કેમ કે, લોકપ્રિયતા ગમે ખરી, પણ એનાથી દોરવાવું કેટલાય સર્જકને પસંદ નથી હોતું.

આવો વધુ એક કિસ્સો થોડા સમય પહેલાં બન્યો. એ અગાઉ તેની પૂર્વભૂમિકા. 1977માં ફિલ્મકાર જ્યોર્જ લુકાસે અવકાશી ફિલ્મના ક્ષેત્રે એક નવા યુગનો આરંભ કર્યો એમ કહી શકાય. આજ સુધી ચાહકો જેને ભૂલી નથી શક્યા એવી ‘સ્ટારવૉર્સ’ ત્રિપુટીની સૌ પ્રથમ ફિલ્મની રજૂઆત આ વર્ષે થઈ. એ પછી  1980માં ‘ધ એમ્પાયર સ્ટ્રાઈક્સ બૅક’ના નામે આ ફિલ્મની બીજી કડી રજૂઆત પામી અને 1983માં ‘રિટર્ન ઑફ ધ જેદાઈ’ નામથી ત્રીજી કડી આવી. અદ્‍ભુત સિનેમેટોગ્રાફી, એવું જ સંગીત અને સાવ નવીન એવી ભવ્ય અવકાશી સૃષ્ટિએ પ્રેક્ષકોને રીતસર ઘેલું લગાડ્યું. ફિલ્મ તો ખરી જ, એની સાથે સંકળાયેલી અનેક ચીજોનું અમેરિકન રિવાજ મુજબ બજાર વિકસ્યું. આ ફિલ્મોએ દર્શકોના મન પર ઊંડો પ્રભાવ પાડ્યો.

વર્ષો વીત્યાં એમ નવીન ટેક્નોલોજી સિનેમામાં પ્રવેશતી ગઈ. તેનો લાભ લઈને લુકાસે આની પૂર્વકથા તરીકે એક પછી એક એમ ત્રણ ફિલ્મો ત્રણ ત્રણ વર્ષના અંતરાલે બનાવી. 1999માં રજૂ થઈ ધ ફેન્‍ટમ મિનેસ’. 2002માં ‘એટેક ઑફ ધ ક્લોન્સ’ અને 2005માં રજૂઆત પામી ‘રિવેન્‍જ ઑફ ધ સિથ’. લુકાસે અસલમાં ત્રણ ત્રિપુટી એટલે કે કુલ નવ ફિલ્મોની યોજના વિચારેલી. એ મુજબ ત્રીજી ત્રિપુટીની પ્રથમ ફિલ્મ ‘ધ ફોર્સ અવેકન્‍સ’ 2015માં, બીજી ફિલ્મ ‘ધ લાસ્ટ જેદાઈ’ 2017માં અને ત્રીજી ફિલ્મ ‘ધ રાઈઝ ઑફ સ્કાયવૉકર’ 2019માં રજૂઆત પામી. આ ત્રણે ફિલ્મો સૌ પ્રથમ ત્રિપુટીની ઉત્તરકથારૂપે હતી.

આ બરાબર, પણ સૌ પ્રથમ ત્રિપુટીની ત્રણ ફિલ્મોની ‘વિશેષ આવૃત્તિ’ની 1997માં ‘લુકાસ ફિલ્મ્સ’ દ્વારા પુન: રજૂઆત કરવામાં આવી, જેમાં કેટલાંક દૃશ્યો નવાં કે બદલાયેલાં હતાં, કમ્પ્યુટર વડે કેટલીક કળા કરવામાં આવી હતી. આ ‘સુધારેલી’ આવૃત્તિ જોઈને ‘સ્ટારવૉર્સ’નાં ચાહકો નારાજ થઈ ગયાં. ઘણા વખતથી તેઓ 1977માં રજૂઆત પામેલી મૂળ ફિલ્મની હાઈ-ડેફિનેશન આવૃત્તિની માંગ કરતા રહ્યા હતા, પણ લુકાસ એમ ઈચ્છતા નહોતા. તેમના મનમાં પોતાની ફિલ્મો માટેનું એક સ્પષ્ટ દર્શન હતું, જે ટેક્નોલોજીની તેમજ આર્થિક મર્યાદાને કારણે જે તે સમયે સાકાર ન થઈ શક્યું હોય એને તેઓ પૂર્ણ કરવા ઈચ્છતા હતા. અલબત્ત, આ રીતે ફિલ્મની રજૂઆત પછી તેમાં ફેરબદલ કરવાની ‘કળા’ને એક વખત તેમણે ‘જંગલી’ ગણાવી હતી.

અમેરિકાના ફિલાડેલ્ફિયાસ્થિત એક કમ્પ્યુટર પ્રોગ્રામર રોબર્ટ વીલીઅમ્સ પાસે આ મૂળ ફિલ્મની એ આવૃત્તિ છે, જે થિયેટરમાં રજૂઆત પામેલી. પાંચ વ્યક્તિઓના એક જૂથ ‘ટીમ નેગેટીવ વન’ના તે સભ્ય છે. ‘સ્ટારવૉર્સ’ ફિલ્મના ચાહક આવાં અનેક જૂથ પૈકીનું આ એક છે. તેમણે ફિલ્મની 35 મિ.મી.ની પ્રિન્‍ટ એકઠી કરી અને મહામહેનતે તેનું રૂપાંતર 4કે સ્વરૂપમાં કર્યું. ચાહકોએ કરેલો ફિલ્મની પ્રિન્‍ટનો જીર્ણોદ્ધાર તેમનો પ્રેમ સૂચવે છે, પણ કાનૂની રીતે તે માન્ય નથી. એના વિશે દલીલ કરતાં ચાહકો કહે છે કે કૃતિને તેના મૂળ સ્વરૂપે જોવાનો લોકોને અધિકાર છે. આના પ્રતિભાવમાં લુકાસે ચાહકોને ઉદ્દેશીને કહ્યું, ‘મોટા થાવ હવે. આ મારી ફિલ્મો છે, નહીં કે તમારી.’

આ પરિસ્થિતિ વિશિષ્ટ કહી શકાય એવી છે. સાચો સર્જક એ છે કે જે પોતાની સર્વોચ્ચ લોકપ્રિય કૃતિથી પણ અસંતુષ્ટ હોય. તેને સતત એમ રહે કે એને હજી બહેતર બનાવી શકાય. બીજી તરફ લોકલાગણી છે, જે કૃતિને ઝનૂનપૂર્વક ચાહે છે અને કૃતિમાં કશો બદલાવ તેઓ ઈચ્છતા નથી. આવા મામલે નાગરિકધર્મ કામ આવે કે ન આવે? નાગરિક તરીકે એ સ્વીકારવું રહ્યું કે કૃતિ પર પહેલો અધિકાર જે તે સર્જકનો છે. સર્જકની સર્જકતાને અવરોધે એવો ઝનૂની પ્રેમ લાંબે ગાળે કળાસ્વરૂપને હાનિ પહોંચાડે છે એમ કહી શકાય. લુકાસે પોતાનાં ચાહકોને કહ્યું એમ આ મામલે ‘મોટા થવું’ એ ખરો નાગરિકધર્મ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top