ચૂંટણીઓ ટાણે આપણા દેશને ‘વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ’ ગણાવવામાં આવે છે. લોકશાહીના મૂળમાં ખરેખર તો અબ્રાહમ લિંકનની વ્યાખ્યાનુસાર, ‘લોકો માટે, લોકો વડે અને લોકો દ્વારા’ ચાલતી શાસન વ્યવસ્થા છે. અલબત્ત, પોણો સો વર્ષની લોકશાહીના આપણા અનુભવે સમજાય છે કે આ સૂત્ર કેવળ પાઠ્યપુસ્તકમાં લખવા પૂરતું છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં એનું ભાગ્યે જ કશું સ્થાન છે. એમાં ફેરફાર કરીને કહી શકાય કે ‘મુઠ્ઠીભર લોકો વડે, મુઠ્ઠીભર લોકો માટે, મુઠ્ઠીભર લોકો દ્વારા’ ચાલતી શાસન વ્યવસ્થા. એવું નથી કે આ ફેરફારવાળું સૂત્ર કેવળ ભારતીય લોકશાહીને જ લાગુ પડે છે. મૂળ મુદ્દો એ છે કે લોકશાહીથી બહેતર વિકલ્પ ન મળે ત્યાં સુધી આ શાસન વ્યવસ્થા ચલાવ્યા સિવાય આરો નથી. સત્તાધીશો લોકશાહીના મૂળ હાર્દને બાજુ પર મૂકીને, લોકશાહીના માળખાકીય મર્યાદામાં રહીને જ મનમાની કરી શકે છે. ભારતીય લોકશાહીના આરંભકાળથી આવાં અનેક ઉદાહરણો મળી આવે એમ છે.
બીજી તરફ, અન્ય રાજ્ય વ્યવસ્થા ધરાવતા ભારતના પડોશી દેશોમાં રાજકીય અસ્થિરતા અને સૈન્યનું શાસન લગભગ સાતત્યપૂર્વક ચાલતી આવેલી ઘટનાઓ છે. લોકશાહીનો પ્રાણ છે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, વિચાર સ્વાતંત્ર્ય સહિત બીજાં અનેક પ્રકારનાં સ્વાતંત્ર્ય, જેને લોકશાહીમાં જન્મસિદ્ધ હક ગણાવાય છે. આ કારણે પ્રસાર માધ્યમોને લોકશાહીની ચોથી જાગીર ગણાવાયાં છે. ઈન્ટરનેટના આગમન પછી પ્રસારની ઝડપ અકલ્પનીય હદે વધી છે અને સારા કે ખરાબ સમાચાર યા બાબતો જોતજોતાંમાં પ્રસરી જાય છે.
ઈન્ટરનેટનો ઉપયોગ બહોળો થતો ગયો એમ સરકારને તેમાં જોખમ જણાવા લાગ્યું અને વારે-તહેવારે તેને પ્રતિબંધિત કરવાનું શરૂ થયું. ઘણા-ખરા કિસ્સામાં તો આગોતરી સાવચેતીરૂપે ઈન્ટરનેટ પ્રતિબંધિત કરાતું ગયું. આરંભે જૂજ લોકોની પહોંચમાંથી ઈન્ટરનેટ હવે જનસામાન્ય લગી પહોંચી ચૂક્યું છે અને વ્યક્તિગત, સામાજિક તેમ જ આર્થિક વ્યવહારો માટે અનિવાર્ય બની ચૂક્યું છે. આ સ્થિતિમાં તેને કામચલાઉ પ્રતિબંધિત કરવામાં નાગરિકોએ પારાવાર હાલાકી વેઠવાનો વારો આવે. આમ છતાં, સંભવિત કે વાસ્તવિક મુશ્કેલ પરિસ્થિતિને નિયંત્રણ હેઠળ લાવવા માટે ઈન્ટરનેટને પ્રતિબંધિત કરવાનું હથિયાર ભારતીય સરકાર માટે હાથવગું બની રહ્યું છે.
એ જાણીને નવાઈ લાગે કે વર્ષ s૨૦૨૪ દરમિયાન ભારતમાં કુલ ૮૪ વાર ઈન્ટરનેટને પ્રતિબંધિત કરાયું. વિશ્વભરના લોકશાહી દેશોમાં આ આંકડો સૌથી વધુ છે. અલબત્ત, વર્ષ ૨૦૨૩ દરમિયાનના ૧૧૬ વખતના આંકડાની સરખામણીએ તેમાં ઘટાડો નોંધાયો છે એમ કહી શકાય. હજી વધુ નવાઈ લાગે એવી હકીકત એ છે કે સતત રાજકીય અસ્થિરતા ધરાવતા ભારતના પાડોશી દેશ મ્યાંમારમાં આ ગાળા દરમિયાન ૮૫ વખત ઈન્ટરનેટને પ્રતિબંધિત કરાયું હતું. એટલે કે ભારતની સરખામણીએ ફક્ત એક જ વાર વધુ. તો પાકિસ્તાનમાં માત્ર ૨૪ વખત ઈન્ટરનેટને પ્રતિબંધિત કરાયું.
એ જાણવું જરૂરી છે કે ભારતમાં કુલ ૮૪ વાર મૂકાયેલા પ્રતિબંધ પૈકી ૪૧ વિરોધ પ્રદર્શન ટાણે હતાં, તો ૨૩ કોમી હિંસા વખતે. આમાં સૌથી વિચિત્ર અને નવી-સવી જોવા મળેલી બાબત હતી પરીક્ષા દરમિયાન મૂકાયેલો પ્રતિબંધ. પાંચ સ્પર્ધાત્મક પરીક્ષા વખતે ઈન્ટરનેટને બંધ કરવામાં આવ્યું હતું. મણિપુરમાં સૌથી વધુ ૨૧ વખત, હરિયાણા તેમ જ જમ્મુ-કાશ્મીરમાં ૧૨-૧૨ વખત એ પ્રતિબંધિત કરાયું.
અમેરિકા સ્થિત સ્વૈચ્છિક સંગઠન ‘એક્ટિવ નાઉ’ દ્વારા ચલાવાયેલી ‘કીપ ઈટ ઑન’ ઝુંબેશનાં મેનેજર ફેલીસીયા એન્થોનિયોએ ટીપ્પણી કરતાં જણાવ્યું હતું કે હવે આપણે લોકશાહીની મંદીના યુગમાં પ્રવેશી રહ્યાં છે, જેમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને ઈન્ટરનેટ બંધ કરવું કે સેન્સરશીપ જેવી પ્રયુક્તિઓ વડે રુંધવાના પ્રયાસ વધતા જાય છે. શાસકો લોકોના અવાજને, લોકોની ચળવળને સ્પષ્ટપણે અવગણતા હોવાનું જણાઈ આવે છે.
આ લક્ષણ સરમુખત્યારવાદ તરફ દોરી જતું, લોકશાહીને પાછળ ધકેલતું હોવાનું સૂચક છે, જે અત્યંત ભયજનક કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષાટાણે ઈન્ટરનેટ પ્રતિબંધિત કરવાનું પગલું લેવામાં કદાચ આપણો દેશ પહેલ-વહેલો હોય તો નવાઈ નહીં! એક તરફ ટેક્નોલોજીમાં અગ્રેસર બનીને દેશને ફલાણા-ઢીકણાનું ‘હબ’ બનાવવાની વાતો અને વચનો છે, તો બીજી બાજુ પરીક્ષા જેવા ક્ષુલ્લક મામલે ઈન્ટરનેટ બંધ કરી દેવાની ચેષ્ટા! એ સૂચવે છે કે નથી કોઈની પરીક્ષામાં થતી ગેરરીતિની સમસ્યાના મૂળ સુધી જવાની ઈચ્છા કે નથી એ પ્રણાલિમાં ફેરફાર કરવાની ઈચ્છાશક્તિ. ટૂંકો રસ્તો અપનાવો અને જેમ ચાલતું હોય એમ ચાલવા દો.
શું સત્તાધીશો એ જોઈ શકતા નહીં હોય કે ઈન્ટરનેટ પ્રતિબંધિત કરવાને લઈને અફવાઓ વધુ વેગ પકડી શકે એમ છે? વિચિત્રતા એ છે કે સરમુખત્યારશાહી ધરાવતા કે નાગરિક યુદ્ધથી ગ્રસ્ત હોય એવા દેશોમાં પણ ઈન્ટરનેટ બંધ કરવાનું પ્રમાણ ભારતથી ઘણું ઓછું છે. ઈન્ટરનેટ થકી પ્રત્યાયન અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યનો જ એક પ્રકાર કહી શકાય. વિરોધ પ્રદર્શન કરવું પણ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. તેને રોકવા માટે ઈન્ટરનેટ બંધ કરવું લોકશાહી વિરોધી માનસિકતા જ ગણાય.
સર્વોચ્ચ અદાલત દ્વારા સૂચવાયું છે કે ઈન્ટરનેટને પ્રતિબંધિત કરવું જરૂરિયાત અને પ્રમાણભાન અનુસાર હોવું જોઈએ. સરકાર આ બાબતને કાં અવગણે છે કે પછી કોઈ પણ રીતે એને પોતાના ચોકઠામાં બંધબેસતી કરી દે છે. પોતાની માનીતી સરકાર કે પક્ષ હોય ત્યારે અનેક લોકો એમ માનવા પ્રેરાય છે કે, સરકારનું આવું વલણ યોગ્ય છે, કેમ કે, ‘અમુક’ લોકો તો જ ‘સીધા’ રહે છે. સરમુખત્યારશાહી વલણ આમ માનનારાને પણ પકડમાં લઈ લે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. હજી કદાચ પ્રજા મટીને નાગરિક બનવાની સફર બાકી છે. એમાં અત્યારે તો પાછા પગલે જઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
