ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઊંચું નામ એટલે ૧૯૨૬ માં ગોપીપુરા, ખપાટિયા ચકલા સ્થિત શાળા “નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી જૈન હાઈસ્કૂલ…!” એક સમયે ધોરણ સાત પાસ કરી એન.જી. ઝવેરી સ્કૂલમાં પ્રવેશ મેળવવો એટલે ગર્વની વાત…! જૈન સમાજ સ્થાપિત આ શાળામાં કોઈ પણ વિદ્યાર્થીઓને જાતિ, ધર્મ કે કોમના ભેદભાવ વગર પ્રવેશ મળતો હતો. સરકારી સહાયથી ચાલતી આ શાળામાં ફી દરેક વિદ્યાર્થીઓનાં વાલીઓને પરવડે એમ હતી. તેમજ ઉચ્ચ કોટિના શિક્ષકો એચ. ઓ. દીક્ષિત, કે. આઈ. દેસાઇ, બી. ટેલર, એમ. બી. પટેલ, મામૂલકર સાહેબ તેમજ ભણાવતી વખતે આખા વર્ગને મંત્રમુગ્ધ કરી દેનાર ગુજરાતીનો શબ્દકોશ એવા યુસુફ રૂપાવાલા (ગુજરાતી) જેવા શિક્ષકોના હાથ નીચે ભણીને આજે ત્યાંના માત્ર 12 પાસ કરીને આગળ ન ભણી શકનાર વિદ્યાર્થીએ પણ કોઈ ને કોઈ મુકામ હાંસલ કર્યો છે.
આ શાળા માટે ૧૯૮૧ થી ૧૯૯૦ તો સુવર્ણ સમય હતો, ૧૯૮૭-૮૮ માં તો એસ.એસ.સી. બોર્ડના પ્રથમ દશમાં ચાર વિદ્યાર્થીઓ માત્ર આ જ શાળાનાં હતાં એ રેકોર્ડ આજે પણ અકબંધ છે. એટલું જ નહીં, આ શાળાનાં કેટલાંય વિદ્યાર્થીઓ આજે CA, DR., એન્જિનિયર, બેંકર તો કેટલાયે પોતાનાં ખાનદાની ધંધાને ચાર ચાંદ લગાવી દીધા છે. બધું સારું ચાલતું હતું પણ, ગુજરાતનું બદનસીબ ભાજપની સરકાર આવી. આપણે ગુજરાતીઓ ભણતરમાં બીજાં રાજ્યો કરતાં ઘણાં પાછળ છીએ એટલે આપણે દિલ્લીની CBSE બોર્ડની શિક્ષા પદ્ધતિઓ અમલમાં લાવવી જોઈએ અને એ બહાને દલાલી લઇને ખાનગી શાળાઓને પરવાનગી આપવા માંડી અને સરકાર તરફથી માધ્યમિક શાળાઓને મળતી સહાય (ગ્રાન્ટ), બંધ કરી દીધી.
હરીફાઈયુકત જમાનામાં ખાનગી શાળાઓમાં માધ્યમિક શાળાઓનું પતન થવા માંડયું. દિલ્લીના શિક્ષણ મંત્રી મનિષ સીસોદિયાએ કચરામાંથી સોનું ઉત્પન્ન કરવાનું કામ કર્યું જ્યારે ગુજરાતમાં શિક્ષણનો વેપલો કરવા માટે માધ્યમિક શાળા રૂપી ગુજરાતની સોનારૂપી ધરોહરને કચરાના ઢગલામાં ફેરવી નાખી. એન.જી. ઝવેરી શાળા પણ બંધ થવાને આરે હતી પરંતુ શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ એન.જી. ઝવેરી શાળાના વિદ્યાર્થીઓનું એક વહાટ્સએપ ગ્રુપ ચલાવતા હતા તેઓને પોતાની શાળાની કફોડી હાલતની ખબર પડતાં શાળા માટે કેટલાંય વર્ષો સુધી ભંડોળ ભેગું કરી શાળા બંધ ન થાય એ માટે કોશિશ કરી પરંતુ ખાનગી શાળાઓની હોડમાં માધ્યમિક શાળામાં ઘટતી જતી વિદ્યાર્થીઓની સંખ્યાથી તેઓ પણ થાકી ગયા અને હારી થાકીને છેવટે ૨૦૨૩ માં શાળા બંધ કરવી પડી. આ શાળા સાથે મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓની યાદો જોડાયેલી છે. પી.ટી. શિક્ષક સોલંકી સાહેબનું મેડિકલ ચેકઅપ, અનામત આંદોલન, શિક્ષકોનો ડર, ધમાલ- મસ્તી, એક રૂપિયાના ચાર સમોસા, રીસેસમાં મહિલા વિદ્યાલય પાસે ઊભા રહી નિર્દોષ મસ્તી એ ભૂલવું કોઈ સહેલી વાત નથી, પરંતુ હવે એ માર્ગ પરથી જતાં પણ બીક લાગે છે કારણ કે મારી શાળામાં આત્મા નથી.
સુરત – કિરણ સુર્યાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.