‘‘ગુજરાતમિત્ર’’ની તા.15મી ડિસે.ની રવિવારીય પૂર્તિ અંતર્ગત ‘‘ફાયરવોલ’’કોલમમાં પુરુષો પણ પત્ની થકી ઘરેલું હિંસાનો ભોગ બને છે એની માહિતી આપવામાં આવી. બેંગ્લોરમાં અતુલ સુભાષ નામની વ્યક્તિએ આત્મહત્યા કરી કારણ કે એમની પત્ની અને પત્નીનાં પીયરિયાં દ્વારા અસહ્ય માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. ઘટના અત્યંત દુ:ખદ જ કહી શકાય. એક મહિલા દ્વારા પતિને ત્રાસ અપાયો તે અવશ્ય શરમજનક કૃત્ય ગણાય. પત્ની દ્વારા ત્રાસ અપાતા હોય અને પતિ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ અપાતો હોય બંને નિંદનીય જ કહેવાય.
પરંતુ ભૂતકાળ કે વર્તમાન સમયમાં અખબારી આલમ દ્વારા વાંચવામાં આવતા સમાચાર મુજબ મહિલાઓ વધુ ત્રાસ ભોગવતી હોય છે. દહેજ, મેણાં-ટોણાં, પતિનો પરસ્ત્રી સાથે સંબંધ, વાંઝિયાપણું, થોડો ઓછો દેખાય. વિ. અનેક બાબતો દ્વારા સ્ત્રીને પતિ તથા સાસરિયાં દ્વારા ત્રાસ અપાતો હોય છે. કોઈ યુવતી પ્રેમમાં નિષ્ફળ જાય તો કોઈ યુવક (પ્રેમી) પર એસિડ છાંટતો જ જણાય! સોશ્યલ મિડિયા પર યુવકના ફોટા મૂકી બદનામ પણ નથી કરતી. નાની બાળકી પર દુષ્કર્મ પુરુષો દ્વારા જ થાય છે. ક્યારેક સગા કે સાવકા બાપ, સગાં સંબંધીઓ પણ છેડછાડ કરી લેતાં હોય છે.
આ પ્રકારનો ત્રાસ એક મહિલા જ સહન કરે છે. પત્ની પતિને ત્રાસ આપતી જ હશે પણ પત્નીઓ પણ ઉપર્યુક્ત પીડાઓમાંથી પસાર થતી જ હોય છે. શ્રમજીવી માનવીઓની બાળકીઓ દુષ્કર્મનો ભોગ બને એ શું ખોટી ફરિયાદ હશે? કોઈ સ્ત્રીને દહેજ માટે કે ડાકણ માનીને સળગાવી દેવાય એ જાતે બળી જતી હશે? અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા હશે જેનો જવાબ નથી. અપવાદ સર્વત્ર હશે. સહનશીલતા અને સમર્પણની ભાવના સ્ત્રીમાં કુદરતી હોય છે. પુરુષો સહન કરતાં જ હશે પણ સ્ત્રી જેટલું નહીં એવું આ લખનારનું માનવુ છે. સ્ત્રીપુરુષ એકમેકના પૂરક છે. હરીફ નથી.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.