Business

અહીં કોણ ભલાને પૂછે છે..!

સમય-સમયની હાલાત ઉપર બધું છે મામૂ..! જગત પણ હવે જાણકાર છે કે, અહીં તો ઊગતા સૂરજને પૂજનારની બોલબાલા છે, એમ ચગતા પતંગની જ બોલબાલા છે..! હાઆઆશ…! ઉત્તરાયણ પૂરી થઈ..! ખૂંટે બંધાયેલા માણસને બદલો લેવાનું ફાવે પણ બદલાવાનું ભલે નહિ પણ સૂરજદાદા મકર રાશિમાં વહી ગયા ને માણસે મનોરંજન માટે પતંગ-યુદ્ધના ખેલ કર્યા. કેટલાક પતંગો ચગ્યા, કેટલાક લુંટાયા, કેટલાક કપાયા, કેટલાકે ફાટીને અસ્તિત્વ ગુમાવ્યું, કેટલાક ધરતી ઉપર ‘લેન્ડીંગ’ થઇ ગયા. કેટલાક પતંગ કુંવારા જ પડી રહ્યા, છેડા-ગાંઠી પણ નહિ થઇ.

અમુક તો સરનામું પણ ખોઈ બેઠા કે, હું કોનો હતો, કેવો હતો ને કેવો ખંખેરાઈ ગયો..? ..! કેટલાકે આત્મહત્યા કરી, તો કેટલાક પવનના સપાટામાં વિંખાઈને કાગળિયા બની ગયા. ઘણાએ ટાંકી ઉપર, વીજળીના તાર ઉપર કે ઝાડવા ઉપર શરણાગતિ સ્વીકારી. ઘણા મૃત્યુદંડની રાહ જોતા હોય એમ બેબસ છે. પોતાની સંગિની ફીરકીને પણ પામી નહિ શક્યા. કેટલીક દોરીઓ વિધવા બની તો કેટલીક પતંગ સાથે સતી થઇ ગઈ. ઐસા ભી હોતા હે દાદૂ..! અમુક તો પાટું ખાધા પછી ભાનમાં આવ્યા કે, પંજાનો સહવાસ જ શ્રેષ્ઠ હતો. આકાશને આંબવાની જીદ નહિ કરાય. પણ અબ ક્યા..? જબ ચીડિયા ચુગ ગઈ ખેત..! જીના ઉસીકા નામ હૈ..!

 પતંગને પણ માણસ ઉપરથી વિશ્વાસ ઊઠી જાય એનું નામ પતંગોત્સવ..! દરેકને આંધળી આશા હોય કે, મારો પતંગ જ ઊંચી છલાંગ લગાવે. દરેકને પોતાનો પતંગ ‘હીરો’ લાગે, કામ ભલે ‘ખલનાયક’નું લે. નિર્દોષ પતંગને ખબર નથી કે, આ બધું, ચગતું હોય ત્યાં સુધી સરસ-સરસ લાગે. પટકાય ત્યારે જ સમજાય કે ભેખડમાં ભરાયો છે..! સૂરજ જેવો સૂરજ આથમી જાય તો પતંગની શું વિસાત? સમય સમયની બાદશાહી છે મામૂ..!

પતંગનો દાસ બનેલો ખેલૈયો ઉદાસ બનીને પછી ગણગણવા માંડે કે, “ના કોઈ ઉમંગ હૈ, ના કોઈ તરંગ હૈ, મેરી જિંદગી હૈ ક્યા. ઇક કટી પતંગ હૈ..!” જેવી ઉત્તરાયણ જાય, એટલે ઊંચે જોવાની દૃષ્ટિ વિલીન થઇ જાય. આકાશની હાલત વિધુર જેવી બની જાય. નિસાસા નાંખવા માંડે કે, ‘અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બૂરાને પૂછે છે, મતલબથી બધાને નિસ્બત છે અહીં, કોણ ખરાને પૂછે છે..!

 મેળા તો ઘણા ભરાય, પણ ઉત્તરાયણ એટલે આકાશી મેળો. પતંગનો મેળો. ધાબા અને મેદાનનો મેળો. ધરતીના મેળામાં મોજ મઝા ને મસ્તી હોય ને આકાશના મેળામાં પતંગિયાની માફક રંગબેરંગી પતંગના ઝમેલા હોય, મેળાઓ અટકતા નથી. પછી એ ધરતીના હોય કે, આકાશના..! મેળાની તો મસ્તી જ અલગ. પતંગ મદારીનું માંકડું બની જાય..! કોનો પતંગ કેવો ચગે, કેવી ગુલાંટ ખાય, એ જોવાની મઝા એટલે ઉત્તરાયણ..!

મંદિરના મેળા પૂરા થાય પછી, મેળાનો માણનાર વ્યાધિ કરતો નથી કે, ભગવાન હવે મંદિરમાં એકલા શું કરશે? એમ મકરસક્રાંતિ પૂરી થાય ને પતંગ-યુદ્ધ છોડીને પતંગો હેઠા આવી જાય, પછી વિચારતા નથી કે, આકાશ હવે શું કરશે..? રમતા બાળક પાસેથી રમકડાં ઝૂંટવી લીધા હોય એમ આકાશ પણ નવરું બની જાય..! આકાશ સાથેનું ‘વાઈ-ફાઈ’ છૂટી જાય. મંદિરના મેળા ભરાય ત્યારે, ભગવાનને આરામ નહિ ને પતંગના મેળા ભરાય ત્યારે પવનને આરામ નહિ..! પવન ફૂંકાયો તો ઠીક, નહિ તો એ પણ ગાળ સાંભળે..!

 ઉત્તરાયણ પછીના દિવસ એટલે, આકાશ-પવન-પતંગ-દોરી બધું જ ‘ધણી વગરના ઢોર’ જેવું થાય. લગ્ન પત્યા પછી જેમ માંડવા છૂટવા માંડે એમ, સઘળો ઉત્સાહ ઓસરવા માંડે. ધાબા વેરાન થવા માંડે. ધાબાની દીવાલ ફોડીને પીપળા ફરી જમાવટ કરવા માંડે. પતંગ-યુદ્ધ માટે વપરાયેલાં મેદાનો કુરુક્ષેત્રનાં મેદાન લાગવા માંડે. મેદાનો ઉપર ગૌધન જમાવટ કરવા માંડે. પક્ષીઓ પોતપોતાના માળા ગોતવા માંડે. તૂટેલી ફીરકીઓ, પતંગનાં પૂંછડાંઓ ભાંગી કઢાવેલી કમ્મરવાળા ઘાયલ પતંગો અને દોરીઓના ગૂંચળાઓ જેવા અવશેષ, પતંગયુદ્ધનાં મેદાનમાં દિશાહીન બનીને પડ્યા હોય..!

ધાર્મિક મેળામાં પણ આવી જ દુર્દશા..! જ્યાં ત્યાં બાફેલી સિંગનાં છોતરાં, તેલવાળા ભુસાના કાગળો, તૂટેલી ચકરડી ને બીડી-સિગારેટનાં ઠૂંઠાઓ વગેરે, ઘાયલ સૈનિકોની માફક, મેદાનમાં ચીસ પાડતા દેખાય..! કોડીલી કન્યાના માથે ચઢેલી વેણી મેદાનમાં દમ તોડતી દેખાય. ‘તેરા તેલ ગયા મેરા ખેલ ગયા’ જેવો ઉદાસીન માહોલ હોય.! આવું ભયાવહ દૃશ્ય જોઇને દિમાગમાં ભડકો થાય કે, સાલું, બધું જ ક્ષણભંગુર છે. ઉકલી ગયેલા કે, કણસતા પતંગના દરેક અવશેષો મોંઢું વકાસીને કહેતા હોય કે, અહંકાર બૂરી ચીજ હૈ દાદૂ..!

 કક્કો ગોખાવતા હોય એમ પૂર્વજો કહેતા કે, ‘બહુ ચાલે તે થોડા માટે..!’(ચાલે કે ચગે બધું એક જ હંઅઅકે..?) આ માત્ર કહેતી નથી, જીવનનું પ્રતિબિંબ છે. ધર્મગ્રંથોએ પણ પુષ્ટિ આપેલી કે, મર્યાદામાં રહેવું, મર્યાદામાં બોલવું, મર્યાદા રાખીને વાણી, વર્તન અને વ્યવહારના આટાપાટા રમવાના, પણ એની જાતને સમજે કોણ..? ટૂંકા જુતામાં લાંબો પગ નાંખે, એટલે ડંખે તો ખરો ને..! માણસ પણ ચાલ બદલી નાંખે..! સંતો તો બરાડા પાડીને કહે કે, ગીતાનું વાચન કરો..! પણ ગીતા જેવી ગીતા મૃત્ય પછી વંચાય તો ધર્મગ્રંથમાં કોણ ડોકું નાંખે..?. દુનિયાનો દસ્તુર છે કે, ચાર જણા ત્યારે જ સીધા ચાલે, જ્યારે પાંચમો કાંધ ઉપર નિષ્પ્રાણ બનીને સૂતો હોય..? તંઈઈઈઈઈ..?

લાસ્ટ બોલ
આ ઉત્તરાયણમાં ચમનિયાએ પોતાના પતંગમાં એની વાઈફ ચંચીનો ફોટો વળગાવેલો.
કેમ? પતંગ જલ્દી ચગે એ માટે..?
ના રે ના.! વાઈફને આંગળીથી નચાવવાનો આનંદ લેવા માટે..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top