Columns

ભારત સામે લડશે તોપાકિસ્તાન જ બરબાદ થશે

ભારત સરકાર પર એટલે કે વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર અત્યારે પ્રચંડ દબાણ છે કે પાકિસ્તાન સામે યુદ્ધ છેડે. કાશ્મીરના પહેલગામમાં જાસૂસી સંસ્થા, લશ્કર અને પોલીસ કેમ નિષ્ફળ ગઇ તેનો જવાબ આપી શકાતો નથી અને એ સંજોગોમાં યુદ્ધ છેડવા વિશેના જવાબ આપવાનું દબાણ વધ્યું છે. આવા યુદ્ધના આહ્વાન તો અગાઉ પણ ઊભા થયા હતા અને સર્જિકલ સ્ટ્રાઈકની કાર્યવાહી થઇ હતી પણ પાકિસ્તાન વિશે એટલો રોષ ભેગો કરાયો છે કે હવે તો તેને ખતમ કરવા માટેનું આખરી યુદ્ધ જ છેડવું પડે પણ શું તે શકય છે? આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે તો કોઇ મોટા અધિકૃત કારણ વિના અન્ય દેશ પર હુમલો કરવો અપરાધ માનવામાં આવે છે. પાકિસ્તાનની ચતુરાઈ એ રહી છે કે તે ભારત સામે ખુલ્લું યુદ્ધ કરતું નથી. તે આતંકવાદીઓને પ્રોત્સાહન આપે, લશ્કરી તાલીમ પણ આપે પરંતુ પુરવાર થવા ન દે. પુરવાર થાય તો કબૂલે નહીં. પહેલગામમાં કરાયેલો હુમલો મોટો છે પણ ભારતે પુરવાર કરવું પડે કે તેમાં પાકિસ્તાન સીધું સંડોવાયેલું છે.
એટલે હમણાં તો સવાલ એ છે કે પહેલો હુમલો કોણ કરે? પાકિસ્તાન તો એવું નહીં જ કરશે. તેનામાં સીધી લડાઈની તાકાત નથી કારણ કે ભારતીય લશ્કરની ક્ષમતાની તેને ખબર છે અને બીજું કે જો તે લડાઈ છેડે તો ગૃહયુદ્ધનો ભોગ બને. તેમને ડર તો એ પણ છે કે બલુચિસ્તાનના લડવૈયા એ દરમ્યાન આકરા બને તો લેને કે દેને પડ જાયે. બલુચી વિસ્તારને સંભાળવો પાકિસ્તાન માટે મુશ્કેલ છે પણ જેમ ભારત સરકાર ‘આપણે તો દેખાડી દેવા તૈયાર છીએ’ પાકિસ્તાન પણ ત્યાંના લોકોને સંદેશ પહોંચાડવા માંગે છે કે આપણે કાંઇ ભારત સામે કમ નથી. પાકિસ્તાનના નેતાઓ અત્યારે જ બકવાસે ચડી ગયા છે. ત્યાંના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બોલી ગયા છે કે સિંધુ નદી અમારી છે ને અમારી રહેશે. તેમાં અમારું પાણી વહેશે કયાં ભારતીયોનું લોહી વહેશે. પાકિસ્તાનમાં રાજકીય મહત્ત્વાકાંક્ષા ધરાવનારા નેતાઓને ખબર છે કે ભારત વિરુદ્ધ જેટલું વધારે ઝેર ઓકો તેટલો રાજકીય ફાયદો વધારે થાય પણ આ બધું ડાયલોગબાજીથી વધારે કાંઇ નથી. બીજું કે સિંધુ નદીના પ્રવાહને રોકવો ય સહેલો નથી. પાણી રોકવા લાંબી યોજના બનાવવી પડે.
કાંઇ ઉન્માદવશ યુદ્ધ છેડી ન શકાય કારણ કે સમગ્ર દેશે તેમાં રોકાવું પડે. દેશની જે કાંઈ રાજકીય, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, દેશની આંતરિક લડાઈઓ વિશે સરકાર ફોકસ ન કરી શકે. વળી સૈન્ય ઉપકરણ અને સૈનિકો તેમ જ યુદ્ધ સંદર્ભે બીજા ખર્ચા કરવા પડે જેનાથી દેશની અર્થવ્યવસ્થા નબળી પડે. લડાઈ છેડવાની સાથે જ પાકિસ્તાનને મદદ કરવા જે દેશ આવે તેની સાથે ભારતે શું નિર્ણય લેવો તે વ્યૂહાત્મક રીતે નક્કી કરવું પડે. ચીન અને બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો બગડેલા છે તેનો ય વિચાર કરવો પડે પાકિસ્તાન ભારતથી ડરેલું છે તે તો સ્પષ્ટ છે પણ તે સામે ચાલીને યુદ્ધ છેડશે નહીં. ફકત સરહદે છમકલાં કરશે. હમણાં તો તેને પાણીની ચિંતા પેઠી છે અને ભારતે પાકિસ્તાનીઓના વીઝા રદ કર્યા તેનો ઉશ્કેરાટ છે. પાકિસ્તાને ભારત માટે હવાઈ ક્ષેત્ર બંધ કર્યું છે અને તેનાથી ભારતથી વિદેશ જનારા પ્રવાસીઓનો ખર્ચ અને સમય વધી ગયો છે. ભારતે 23 મે સુધી પાકિસ્તાન માટે એરસ્પેસ બંધ કરી છે. પાકિસ્તાની ભૌગોલિક સ્થિતિ તેને દક્ષિણ-પૂર્વ એશિયા, પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયા જેવાં ક્ષેત્રો માટે એક મહત્ત્વનું હવાઈ ગલિયારા બનાવે છે. પાકિસ્તાનનાં વિમાનોએ મલેશિયા, થાઈલેન્ડ, સિંગાપુર, વિયેતનામ જવું હોય તો ભારતીય હવાઈક્ષેત્રથી જ પસાર થવું પડે. ચીન, જાપાન, દક્ષિણ કોરિયા પણ ભારતની હવાઈ સીમામાંથી પસાર થયા પછી જ પહોંચાય છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જ નહીં અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન માટે પણ ભારતના હવાઈક્ષેત્રની ગરજ પડે છે. પાકિસ્તાને જે વૈકલ્પિક માર્ગો અપનાવવા પડશે તે લાંબા પડશે ને વધારે ખર્ચ થશે.
આવા તો ઘણા પ્રશ્નો બંને દેશોને થશે. અગાઉ લડાયેલા યુદ્ધનો સમય અને આ સમય જુદો છે. પાકિસ્તાને આ દરમ્યાન પોતાની જાસૂસી એજન્સી ISIના પ્રમુખ લેફ્ટનંટ જનરલ મોહમ્મદ આસિમ મલિકને પાકિસ્તાનના નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુકત કર્યા છે. પાકિસ્તાને તેમના વરિષ્ઠ અધિકારીઓને પણ વિભિન્ન દેશોની રાજધાનીઓ માટે મોકલી દીધા છે જેથી આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવી શકે. આતંકવાદીઓને બંકરોમાં છુપાવી દીધા છે અને LOC પર લશ્કરને તહેનાત કરી દીધું છે. યુદ્ધના સંજોગોમાં પાકિસ્તાન કયા કયા દેશોનું કેવું સમર્થન મેળવી શકે તે કોયડો છે અને ભારતે એ જ જોવાનું છે કે કયા દેશો પાકિસ્તાનની સાથે રહે છે. ભારતના વિદેશ સાથેના સંબંધોની પણ એ કસોટી બનશે.
ભારત-પાકિસ્તાન યુદ્ધ તો છેડાય ત્યારની વાત છે પણ હમણાં ભારતમાં જે પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ વસી ગયા છે તેમની પર થતી કાર્યવાહી મહત્ત્વની છે.
…અનુસંધાન પાના નં. 3
ભારતમાં બાંગ્લાદેશીઓનું પ્રમાણ બહુ મોટું છે અને આજ સુધી તેમને વસવાનો મોકો અપાયો છે. કેટલીય એજન્સીઓ તેમને વસાવવાના ગેરકાયદેસર ધંધામાં રોકાયેલી રહી છે. સરહદે લશ્કરી કાર્યવાહી પછીની વાત છે હમણાં તો દેશમાં પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. વાત એટલી જ છે કે સરકાર જે કાંઇ પગલાં લે તે દેશને વધુ સુરક્ષિત બનાવનારા બને છે કે નહીં? બાકી, ભારત પાસે કેવાં કેવાં શસ્ત્રોનો ભંડાર છે ને કેટલા લડાકુ વિમાનો છે ને પાકિસ્તાન પાસે શું છે એ બધી વિગતો મળે તેનાથી પોરસાવાની કે ગભરાવાની જરૂર નથી. યુદ્ધ છેડાશે તો ભારત જ પાકિસ્તાનને હરાવશે તે પણ નક્કી છે પણ એવા યુદ્ધ છેડવા પહેલાં આપણી સરકાર અને સૈન્ય ઘણી રીતે વિચારશે. તેઓ જાણે છે કે વ્યૂહાત્મક શાણપણનો આ સમય છે. બાકી પાકિસ્તાનમાં સૌથી નબળી સરકાર છે તેથી તે પ્રતિકાર કરી શકે તેમ નથી. સરકાર તો નબળી છે પણ તેનાથી વધારે પાકિસ્તાનની દશા નબળી છે. ભારત સામે લડવા નીકળશે તો પાકિસ્તાન જ મરશે, વધુ નબળું પડશે. લડવા જશે ભારત સામે અને પાકિસ્તાની પ્રજા જ બરબાદ થશે.

Most Popular

To Top