કોવિડ-૧૯ રોગ માટે જવાબદાર એવો કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુ ચીનના વુહાન શહેરની લેબોરેટરીમાંથી ઉદભવ્યો હોવાની શક્યતા નથી તેવા પોતાના નિવેદનથી વિપરીત નિવેદન આપતા વિશ્વ આરોગ્ય સંગઠને આજે જણાવ્યું હતું કે તમામ અટકળો હજી ખુલ્લી રહે છે.
હાલમાં જ ચીનની મુલાકાત લઇને ત્યાં કોરોનાવાયરસના ઉદભવ અંગે તપાસ કરીને આવેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(હુ)ની ટીમ પાસેથી માહિતી મેળવ્યા બાદ હુના વડા ડૉ. ટેડ્રોસ અધાનોમે જીનીવામાં જણાવ્યું હતું કે આ ટીમની ચીનની મુલાકાતથી કેટલક અગત્યની માહિતી મળી શકી છે પરંતુ આ ઘણી અગત્યની વૈજ્ઞાનિક કવાયત પછી તમામ અટકળો ખુલ્લી રહે છે અને તેમાં વધારે વિશ્લેષણ અને અભ્યાસની જરૂર છે.
તેમનું આ નિવેદન એના પછી આવ્યું છે જ્યારે ચીનની મુલાકાતે ગયેલ હુની ટીમના એક નિષ્ણાત પિટર એમ્બેરેકે હાલ થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે તેવી શક્યતા ઘણી ઓછી છે કે આ વાયરસ વુહાન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી લેબમાંથી લીક થયો હોય.
હુના ડિરેકટર જનરલ ડો. અધાનોમે આજે જણાવ્યું હતું કે મેં ટીમ સાથે વાત કરી છે અને હું એ વાતને સમર્થન આપવા માગુ છું કે તમામ અટકળો ખુલ્લી રહે છે અને તેમાં વધુ અભ્યાસ અને વિશ્લેષણની જરૂર છે. કેટલુંક કાર્ય આ ટીમના કાર્યક્ષેત્રની બહાર હતું પણ તેની ચીનની મુલાકાતથી કેટલીક મહત્વની માહિતી મળી છે એમ તેમણે કહ્યું હતું. એક અહેવાલ મુજબ એવું પણ બહાર આવ્યું છે કે કોવિડ અંગેનો કેટલીક કાચી માહિતી ચીને આ ટીમને આપી ન હતી.