એક વડીલ મિત્ર જ્યારે પણ ક્લિનિકમાં ડોક્ટરને બતાવવા જાય અને ડોક્ટર કે આરોગ્ય કર્મચારી એમનું BP માપે તો વધારે જ આવે.. વળી, એ જો ક્લિનિક સિવાય ઘરે મપાવે કે માપે તો નોર્મલ જ આવતું હોય છે. ડોક્ટર અને આરોગ્ય કર્મચારી સફેદ કોટ પહેરતા હોય છે એટલે કે વ્હાઇટ કોટ! આમ, ડોક્ટરની ક્લિનિક કે હોસ્પિટલ સેટ-અપમાં વધુ આવતું બ્લડ પ્રેશર વ્હાઇટ કોટ હાયપરટેન્શન તરીકે ઓળખાય છે. આ વડીલ મિત્ર એકમાત્ર આનાં ભોગી નથી, ઘણા દર્દીઓમાં આ જોવા મળતું હોય છે.
શું આ સમસ્યારૂપ છે કે નહીં?
ઘણા લોકો ડોક્ટર પાસે જતા કે પછી કોઈ પણ પ્રકારની મેડિકલ અપોઇન્ટમેન્ટને કારણે ઘણાં નર્વસ થતાં હોય છે કે પછી ડરતા હોય છે. મારા એક સંબંધીને તો લેબમાં લોહી આપવા કે ઈકો-ECG કરાવવાનું કહેતા જ જાણે BP એવું હાઇ થઈ જાય કે જાણે હાર્ટ એટેક આવ્યો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય. વૈજ્ઞાનિક રીતે પહેલા એવું માનવામાં આવતું કે તબીબોને બતાવવા જવાના તાણને (સ્ટ્રેસ) કારણે આમ થાય છે અને એક વાર તમે તબીબની ક્લિનિકમાંથી આવી જાઓ અને તમારૂ BP નોર્મલ છે તો કોઈ જ સમસ્યા નથી. પરંતુ ઘણા તબીબો માને છે કે આ સ્થિતી તમને લાંબા ગાળે સમસ્યા સર્જી શકે અને એ વિવિધ સ્ટડી અને સંશોધનો થકી આપણે સમજીશું..
માસ્કડ હાયપરટેન્શન:
વ્હાઇટ કોટ હાયપરટેન્શન સમજી લેતા એક ઉત્સુક દર્દીએ એવું પૂછયું કે સાહેબ, આનાથી ઉલટું પણ તો હોય શકે ને? મેં માથું હલાવતા અલ્પ સ્મિત સાથે ‘હા’ માં પ્રત્યુત્તર આપ્યો. આપણને સૌને સવાલ થાય જ કે એવા પણ તો દર્દી છે કે જેનું BP ડોક્ટરની ક્લિનિકમાં નોર્મલ પરંતુ બહાર અન્ય સેટ-અપમાં માપતા વધારે જ આવે તો એને શું કહેવાય? તો આ સ્થિતીને માસ્કડ હાયપરટેન્શન કહીએ છીએ. –આ બંને પરિસ્થિતિ એટલે કે વ્હાઇટ કોટ હાયપરટેન્શન અને માસ્કટ હાયપરટેન્શન (આપણે અન્ય નોર્મલ વ્યક્તિઓની સાથે સરખાવીએ તો) લાંબા ગાળે કાર્ડિયોવાસ્ક્યુલર સંબંધી સમસ્યા સર્જી શકે.
શું વ્હાઇટ કોટ હાયપરટેન્શન હ્રદય માટે હાનિકારક છે?
હાર્વર્ડ મેડિકલ સ્કૂલનું માનીએ તો એક મોટી સ્ટડી માટે લગભગ 64,000 જેટલા અમેરિકા, યુરોપ, અને એશિયાના લોકોમાં થયેલી 27 જેટલી સ્ટડીના તારણોનો સંશોધકોએ અભ્યાસ કર્યો. જેમાં એવું જાણવા મળ્યું કે જેમનું બ્લડ પ્રેશર ડોક્ટરની ક્લિનિક અને ઘરે બંને જગ્યાએ સામાન્ય હતું એવા લોકોની સરખામણીમાં, ‘સારવાર ન કરાયેલા વ્હાઇટ કોટ હાયપરટેન્શન ધરાવતા લોકોને હ્રદયરોગનો હુમલો, સ્ટ્રોક અને અન્ય હ્રદય સંબંધીત ઘટનાઓનું જોખમ 36% વધારે હતું અને તેઓમાં હ્રદયરોગથી મૃત્યુ પામવાની શક્યતા પણ બમણી હતી. જો કે, જેઓની બ્લડપ્રેશરની દવા ચાલે છે એ લોકોમાં જેમનું પ્રેશર ડોક્ટરની ક્લિનિકમાં હજુ પણ વધારે જ આવે છે (જેને વ્હાઇટ કોટ ઇફેક્ટ – સફેદ કોટ અસર તરીકે ઓળખાતી ઘટના કહેવાય) તેઓમાં હ્રદય રોગનું જોખમ વધારે નથી. આ બધા તારણોને જોતા વ્હાઇટ કોટ હાયપરટેન્શન ધરાવતા લોકોએ યોગ્ય દવા / સારવાર લેવી જોઈએ કારણ કે સંશોધનો સૂચવે છે કે આ સ્થિતી હમેશાં સતત હાઇ બ્લડ પ્રેશર તરફ જ આગળ વધે છે.
એક સામાન્ય વ્યક્તિ આના નિયંત્રણ માટે શું કરી શકે?
સારવારનો મતલબ ફક્ત દવા ક્યારેય નથી હોતો. દવા માત્રથી બધું જ નિયંત્રિત ક્યારેય નથી થતું અને અહીંના કિસ્સામાં તો જો આપણું વજન વધુ હોય તો એ ઘટાડો, કસરત ના કરતા હોય તો એ કરો, સંતુલિત આહાર લો, ધૂમ્રપાન કરતા હોય કે તમાકુ-માવો ચાવતાં હોય તો એ બંધ કરો, મીઠું ઓછું લો વગેરે જેવા લાઇફસ્ટાઇલ બદલાવ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જો ઘરમાં ડિજીટલી BP માપવાના મશીન પર તમે આધાર રાખતા હોવ તો ક્યારેક એ મશીન ડોક્ટરની ક્લિનિક પર લઇ જઇ બંને પ્રકારે BP માપી સરખાવી ચકાસણી કરવી પણ હિતાવહ છે.
ઇત્તેફાક્:
મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.
– શૂન્ય પાલનપુરી