Columns

દાન આપતી વખતે

એક નગરના નગર શેઠ બહુ દાનવીર હતા તેમણે પોતાના નગરમાં અને આજુબાજુના પ્રદેશમાં મંદિર બનાવવા, પરબો બાંધવા, વિદ્યાલય બાંધવા, કુવો ખોદવા જેવા અનેક જુદા જુદા સમાજસેવાના કાર્યો માટે દાન કર્યા હતા.તેઓ દાનવીર દાતા શેઠ દામોદરદાસ તરીકે પ્રખ્યાત હતા.તેમનો આગ્રહ રહેતો કે દરેક જગ્યાએ તેમનું નામ આરીતે જ બોલવામાં અને લખવામાં આવે. એક સંત અનાથ બાળકો માટે અનાથઆશ્રમ બનાવવા ફાળો એકઠો કરી રહ્યા હતા.તેમણે એક સત્સંગનું આયોજન કર્યું અને ગામલોકોને ભેગા કર્યા સત્સંગ બાદ તેમણે અનાથ બાળકોની તકલીફો વિષે જણાવ્યું અને તેમના માટે આશ્રમ બનાવવાની યોજના સમજાવી અને દરેકને યથા શક્તિ મનની ઈચ્છા મુજબ ફાળો આપવાની વિનંતી કરી. ગામલોકો એક પછી એક આગળ આવવા લાગ્યા અને પોતાનો ફાળો નોંધાવવા લાગ્યા.શેઠજીએ સૌથી વધારે ફાળો લખાવ્યો અને આગ્રહ રાખ્યો કે આશ્રમને તેમના પિતાનું નામ આપવામાં આવે.

સંત બોલ્યા, ‘આપ સૌનો આભાર,ફાળો નોંધાવનાર દરેકનો આભાર.આશ્રમનું નામ છે ‘હરિ શરણ’.’ શેઠજીને આ ગમ્યું નહિ તેમણે સંત પાસે જઈને કહ્યું, ‘મેં સૌથી વધારે દાન આપ્યું છે તો હું કહું તેમ થવું જોઈએ.’ સંત બોલ્યા, ‘શેઠજી તમે સેવા કાર્ય માટે દાન આપ્યું તે માટે તમારો આભાર પણ કાર્ય તો જે રીતે થવું જોઈએ તે રીતે થશે.’ શેઠ બોલ્યા, ‘મારું સૌથી મોટું દાન છે તો પણ હું કહું તેમ નહી થાય.’ સંત બોલ્યા, ‘શેઠજી તમે દાન કર્યું સારી વાત છે.તમે મનથી માનો છો કે તમારું દાન સૌથી મોટું છે.પણ શું તમારું દાન સૌથી સાર્થક છે ??’ શેઠ બોલ્યા, ‘એટલે ??’

સંતે સમજાવ્યું, ‘શેઠજી દાન કરવામાં, દાન કરતી વખતે તમારા હાથમાં શું છે તેના કરતા વધુ મહત્વનું છે તમારા મનમાં શું છે.તમારા મનોભાવ કેવા છે.તમે દાન કરો છો પણ તમારા મનમાં નામના અને ખ્યાતિનો લાલસા છે…તમે અભિમાન રાખો છો કે હું બધા કરતા વધારે દાન કરું છું.તમારે પોતાની મોટપ વધારવી છે.તમે મનમાં માનો છો કે હું કહું તેમ થવું જ જોઈએ કારણ કે મેં આટલા બધા પૈસાનું દાન કર્યું છે.એટલે તમારું દાન સાર્થક દાન નથી.’

શેઠ બોલ્યા, ‘બાપજી તમારી વાત સાચી છે તો મને સમજાવો સાર્થક દાન કોને કહેવાય.’ સંતે કહ્યું, ‘શેઠજી કોઈ નામના વિના કે શરત વિના દાન આપવામાં આવે.હું દાન કરું છું તેવી મોટપ નહિ પણ ભગવાને મને આપવા માટે લાયક બનાવ્યો તેવી ધન્યવાદની ભાવના મનમાં હોવી જોઈએ.હું મારી પાસે જે છે તેમાંથી થોડું સમાજને આપીશ તેવી નહિ પણ હું મને જે મળશે તે બધું સમાજને પાછું આપીશ તેવી ભાવના સાથે કરેલું દાન સાર્થક દાન છે ભલે તે બહુ મોટું ના હોય.જે દિવસે મોટપ ભૂલી કોઈ લાલસા વિના દાન આપશો  અને હું નહિ પણ મારો પ્રભુ આપે છે તેવી ભાવના મનમાં રાખશો તે દિવસે સાચું દાન આપ્યું ગણાશે. ’ સંતે શેઠજીને ચોખ્ખા શબ્દોમાં સમજાવ્યું.
 આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top