સુપ્રીમ કોર્ટ દ્વારા અરવલ્લી પર્વતમાળા માટે ૧૦૦ મીટરની નવી વ્યાખ્યાનો નિર્ણય કરવામાં આવ્યો તે ઉતાવળે અને શંકાસ્પદ સંયોગોમાં કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ કેસની હકીકતો મુજબ ૧૩ ઓક્ટોબરના રોજ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે સુપ્રીમ કોર્ટને અરવલ્લી માટે ૧૦૦ મીટરની નવી વ્યાખ્યાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેના બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC) એ સુપ્રીમ કોર્ટની બેન્ચને મદદ કરતાં એમિકસ ક્યુરીને લખ્યું હતું કે તેમણે ૧૦૦ મીટરની નવી વ્યાખ્યાની ભલામણની તપાસ કરી નથી કે તેને મંજૂરી પણ આપી નથી.
૧૪ ઓક્ટોબરના પત્રમાં CEC એ ભાર મૂક્યો હતો કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા (FSI) દ્વારા ઘડવામાં આવેલી વ્યાખ્યા અરવલ્લી ટેકરીઓ અને તેની શ્રેણીના ઇકોલોજીના સંરક્ષણને સુનિશ્ચિત કરવા માટે અપનાવવી જોઈએ. FSI એ રાજસ્થાનના ૧૫ જિલ્લાઓમાં ૪૦,૪૮૧ ચોરસ કિલોમીટર વિસ્તારને ઓછામાં ઓછા ૩ ડિગ્રી ઢાળવાળા લઘુત્તમ ઊંચાઈથી ઉપરના વિસ્તારોને અરવલ્લી તરીકે સૂચિત કર્યા હતા. આ વ્યાખ્યા દ્વારા ૧૦૦ મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓ પણ અરવલ્લી તરીકે સુરક્ષિત રહી શકે તેમ છે.
સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ CEC દ્વારા તેને રોક્યા પછી FSI એ આ કવાયત હાથ ધરી હતી. તેમ છતાં ૨૦ નવેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની ૧૦૦ મીટરની ભલામણ સ્વીકારી લીધી હતી. CEC એ SC દ્વારા પર્યાવરણ અને જંગલો સંબંધિત તેના આદેશોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સ્થાપિત એક સંસ્થા છે. સુપ્રીમ કોર્ટમાં અરવલ્લી હિલ અને પર્વતમાળાઓની નવી વ્યાખ્યાના પરિણામો અને મુશ્કેલીઓ શીર્ષક હેઠળના પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનમાં એમિકસ ક્યુરીએ મંત્રાલયની ૧૦૦ મીટરની વ્યાખ્યાનો વિરોધ કરવા માટે FSIની ઉપરોક્ત સામગ્રી ઉપર ખૂબ આધાર રાખ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું કે આ વ્યાખ્યાનો અમલ કરવામાં આવશે તો જંગલો વિખેરાઈ જશે અને અરવલ્લીની ભૌગોલિક વિશેષતા સાચવવામાં આવશે નહીં. તેણે તારણ કાઢ્યું કે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સૂચવવામાં આવેલો અભિગમ અસ્પષ્ટ છે અને તેને સ્વીકારી શકાય નહીં.
FSIની વ્યાખ્યા અનુસાર અરવલ્લીની સીમા દર્શાવતા નકશાનો ઉપયોગ કરીને પરમેશ્વરે લખ્યું હતું કે વાદળી રેખાઓ ટેકરીની રચના શરૂ થાય છે તે તળેટીની રૂપરેખા દર્શાવે છે, જ્યારે લીલી રેખાઓ અરવલ્લીની સીમાને ચિહ્નિત કરે છે, જેમાં તેના બફર વિસ્તારનો સમાવેશ થાય છે. તે જોઈ શકાય છે કે આ સીમામાં બહુવિધ ટેકરીઓ આવેલી છે, જે સમગ્ર શ્રેણીમાં સામાન્ય ઘટના છે અને કોઈ ચોક્કસ સ્થાન સુધી મર્યાદિત નથી. જો પ્રસ્તાવિત ૧૦૦ મીટરની વ્યાખ્યા લાગુ કરવામાં આવે તો આવી ટેકરીઓને અરવલ્લીના ભાગ તરીકે માન્યતા આપવામાં આવશે નહીં અને પરિણામે ખાણકામ માટે ખુલ્લી મૂકવામાં આવશે.
આના કારણે નિઃશંકપણે ગંભીર ઇકોલોજીકલ પરિણામો આવશે, જેમાં થાર રણના પૂર્વ તરફના વિસ્તરણનો સમાવેશ થાય છે. ૧૦૦ મીટરની વ્યાખ્યા રાજસ્થાનના ૧૫ જિલ્લાઓમાં ફેલાયેલી ૨૦ મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી અરવલ્લીની ૧૨,૦૮૧ ટેકરીઓમાંથી ૯૧.૩ ટકાને બાકાત રાખશે. પવન અવરોધના સાધન તરીકે ટેકરીના ઉપયોગ માટે ૨૦ મીટર ઊંચાઈની કટ ઓફ લાઈન મહત્ત્વપૂર્ણ છે. જો અરવલ્લીની બધી ૧,૧૮,૫૭૫ ટેકરીઓને ધ્યાનમાં લેવામાં આવે તો FSIના આંતરિક મૂલ્યાંકન મુજબ ૯૯ ટકાથી વધુ ટેકરીઓમાં ૧૦૦ મીટરની કટ ઓફ્ફ લાઈન કામ નહીં કરે.
અરવલ્લીની ટેકરીઓ બાબતમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં મીડિયામાં જબરદસ્ત રોષ ફાટી નીકળ્યો તે પછી ડેમેજ કન્ટ્રોલ કરતાં હોય તેમ સોમવારે પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે નવી દિલ્હીમાં મીડિયાને જણાવ્યું હતું કે સમગ્ર અરવલ્લીના માત્ર ૦.૧૯ ટકા વિસ્તારમાં ખાણકામની મંજૂરી છે, જે ફક્ત ૨૭૮ ચોરસ કિ.મી.માં ફેલાયેલું છે. જોકે, મંત્રાલયના પોતાના ડેટા દર્શાવે છે કે આ ૨૭૮ ચોરસ કિ.મી. રાજસ્થાન, ગુજરાત અને હરિયાણામાં અરવલ્લીમાં પહેલાથી જ ખાણકામ હેઠળનો કુલ વિસ્તાર છે.
અરવલ્લીના નીચલા ભાગોને ૧૦૦ મીટરની વ્યાખ્યા હેઠળ બાકાત રાખ્યા પછી મંત્રાલયે હજુ સુધી ખાણકામ અને અન્ય વિકાસ માટેના ભવિષ્યના વ્યાપ પર ધ્યાન આપ્યું નથી. મંત્રીએ એમ પણ કહ્યું કે અરવલ્લી વિસ્તારોની હદ ૧૦૦ મીટરની વ્યાખ્યા હેઠળ આવરી લેવામાં આવી છે તે જમીનનું સીમાંકન પૂર્ણ થયા પછી જ જાણી શકાશે. આ પ્રકારનું કોઈ સીમાંકન હજુ શરૂ પણ કરવામાં આવ્યું નથી.
આ પ્રકારનું સીમાંકન કર્યા પછી તેના આધારે ખાણકામ માટે પરવાના આપવામાં આવશે ત્યારે હકીકતમાં ખબર પડશે કે અરવલ્લીના કેટલા વિસ્તારમાં ખાણકામ માટે પરવાનગી આપી શકાય તેમ છે. આવી સ્થિતિમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે સુપ્રીમ કોર્ટને કેવી રીતે ખાતરી આપી કે FSIની ૩ ડિગ્રીની વ્યાખ્યાની તુલનામાં ૧૦૦ મીટરની ફોર્મ્યુલા હેઠળ વધુ વિસ્તારોને અરવલ્લી તરીકે ગણવામાં આવશે, તે હજુ સ્પષ્ટ નથી. હકીકતમાં જૂના આંકડાનો ઉપયોગ કરીને તેઓ જૂઠાણાં ફેલાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે ખાણ માફિયાઓ અરવલ્લીમાં ખોદકામ કરવા આતુર છે.
કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત નિષ્ણાત સમિતિની ભલામણોને અનુસરીને સુપ્રીમ કોર્ટે અરવલ્લીની પર્વતમાળાઓની ઊંચાઈ-આધારિત વ્યાખ્યા સ્વીકારી છે, પરંતુ ભૂતકાળમાં એવા અનેક કિસ્સાઓ બન્યા છે, જ્યારે અદાલતોએ વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એકના રક્ષણ માટે દરમિયાનગીરી કરી હતી. આ વર્ષના ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય-સફારી પ્રોજેક્ટ તરીકે ઓળખાતા પ્રસ્તાવિત અરવલ્લી જંગલ સફારી પર કોઈ કામ હાથ ધરવા નહીં તેવો નિર્દેશ આપ્યો હતો.
ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રનની બનેલી બેન્ચે પાંચ નિવૃત્ત વરિષ્ઠ ભારતીય વન સેવા (IFS) અધિકારીઓ અને પર્યાવરણીય અધિકાર સમૂહ પીપલ ફોર અરવલ્લી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર હરિયાણા સરકારને નોટિસ જારી કરી હતી. અરજદારોએ પર્યાવરણીય રીતે સંવેદનશીલ અરવલ્લી ટેકરીઓમાં ૧૦,૦૦૦ એકર જમીન પર જંગલ સફારી પાર્ક વિકસાવવાની હરિયાણા સરકારની યોજનાને પડકાર ફેંક્યો હતો.
હરિયાણાના અરવલ્લીમાં ગેરકાયદેસર ખાણકામ કરવામાં આવ્યું છે તે જમીનની પુનઃપ્રાપ્તિ અથવા પુનર્વસન માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તે નોંધીને, રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ હરિયાણા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ગેરકાયદેસર ખાણકામ માટે એકત્રિત કરાયેલ પર્યાવરણીય દંડનો ઉપયોગ જમીનના પુનર્વસન માટે કરવા માટે એક યોજના રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. NGT હરિયાણાના અરવલ્લીમાં ગેરકાયદેસર રેતી અને પથ્થર ખાણકામ અંગેના કેસની સુનાવણી કરી રહ્યું હતું. અરજદાર અરવલ્લી બચાવો નાગરિક ચળવળે NGT સમક્ષ રજૂઆત કરી હતી કે ગયા વર્ષે ઓગસ્ટમાં હરિયાણા સરકારના ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર નિયામક તરફથી મળેલા RTI જવાબમાં જણાવાયું હતું કે ગુડગાંવ, ફરીદાબાદ અને નુહ જિલ્લામાં ગેરકાયદેસર ખાણકામના કેસોમાં ૨૦૧૦ થી ૨૦૨૨ દરમિયાન દંડ અથવા પર્યાવરણીય વળતર તરીકે ૨૪,૯૬,૦૪,૫૨૮ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે ચાલુ વર્ષના મે મહિનામાં દિલ્હી સરકારના વરિષ્ઠ અધિકારીઓ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) અને એક ખાનગી ડેવલપરને કારણદર્શક નોટિસ ફટકારી હતી, જેમાં એમ.સી. મહેતા વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા કેસ હેઠળ ૧૯૯૬ના તેના નિર્દેશના ઉલ્લંઘન અને વસંત કુંજમાં મોર્ફોલોજિકલ રિજ વિસ્તારમાં હાઉસિંગ સોસાયટીના બાંધકામ સાથે આગળ વધવા બદલ ખુલાસો માંગવામાં આવ્યો હતો. ૧૯૯૬ના નિર્દેશમાં જણાવાયું હતું કે કોર્ટની પૂર્વ મંજૂરી વિના પહાડી જમીનને અતિક્રમણ અને બિન-વન ઉપયોગથી સુરક્ષિત રાખવી જોઈએ. આ કેસ દિલ્હીની પર્વતમાળાના રક્ષણ સાથે સંબંધિત છે, જે એક મહત્ત્વપૂર્ણ લીલોતરી વિસ્તાર છે, જે શહેરનાં ફેફસાં તરીકે કાર્ય કરે છે અને અરવલ્લી પર્વતમાળાનો મુખ્ય ભાગ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.