Charchapatra

સમાજ કઈ તરફ?

આજે સમાજમાં સૌથી મુશ્કેલ કામ છોકરાના લગ્નનું છે. કન્યાવાળાં સેંકડો છોકરા જુએ છે અને હજાર વાંધાવચકા પછી છોકરો પસંદ કરે છે છતાં 10માંથી 5 લગ્નજીવન ખોરંભે ચડે છે. લાખ્ખોનો ખર્ચ કરી પરણ્યા પછીયે લગ્નજીવન સુખી નથી. આનું કારણ કન્યાની અને એનાં માતાપિતાની વધુ પડતી અપેક્ષાઓ અને કન્યાના જીવનમાં વધુ પડતો ચંચુપાત છે. બધી જાંચતપાસ પછી લગ્ન થાય છતાં બે ચાર મહિનામાં જ ડાયવોર્સ થાય એ શું બતાવે છે? કેટલાક કિસ્સા જુઓ (1) એક ખૂબ ભણેલી દીકરીએ 15/20 છોકરા જોયા બાદ પોતાની પસંદગીના છોકરા સાથે ચાર/છ મહિનામાં લગ્ન કર્યાં.

બે જ મહિનામાં લગ્નજીવન પડી ભાંગ્યુ અને ત્રીજા મહિને ડાયવોર્સ લેવા પડયા. આને શું કહીશું? એક્ટ ઓફ ગોડ કે બીજુ કંઈ? પોતાના ત્રણ દીકરા ધામધૂમથી પરણાવ્યા. રૂપિયાના જોરે સમાજનાં સારાં પરિવારોમાંથી જોઈ જોઈને વહુઓ લાવ્યા.  દરેક દીકરાને અંગત ફોર વ્હીલ ગાડી અને મકાનો આપ્યાં અને છતાં આજે હાલત એવી છે કે ત્રણે ત્રણ દીકરાની પત્નીઓ સાસરામાં રહેવા તૈયાર નથી. દીકરા છતી પત્નીએ એકલા જીવે છે. કોનો વાંક કાઢીશું? મારી દૃષ્ટિએ મોટા ભાગના કિસ્સામાં કન્યાઓમાં સમજદારી-સંસ્કાર અને સહનશીલતાનો અભાવ અને સમાજની રૂપિયા તરફની આંધળી દોડ છે.
પાલનપુર પાટિયા, સુરત- જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top