Charchapatra

ગુજરાત કયા માર્ગે જઈ રહ્યું છે?

બે સમાચાર સુન્ન કરી નાંખે એવા હતા. એક ગુજરાતના દરિયાકાંઠેથી 1800 કરોડનું ડ્રગ્સ પકડાયું. 2018થી અત્યાર સુધીમાં ગુજરાતમાંથી 10277 કરોડનું ડ્રગ્સ જપ્ત થયું એવા અખબારી અહેવાલો છે. બીજા સમાચાર હતા કાપોદ્રામાં એક 17 વર્ષના છોકરા પાસે એક દારૂડિયાએ દારૂ પીવા માટે પૈસા માંગ્યા એટલે પેલા યુવાને પૈસા આપવાની ના પાડતાં દારૂડિયાએ યુવાનને ચપ્પુ હુલાવી દીધું અને એના કારણે એ યુવાનનું મૃત્યુ થયું. સમજ નથી પડતી કે આ આપણું ગુજરાત છે? શાંત અને સમૃદ્ધ ગણાતું ગુજરાત કયા માર્ગે જઈ રહ્યું છે? ગુજરાતમાં ગુનાખોરી આવી જ રીતે જો વધતી રહેશે તો એક દિવસ યુ.પી. બિહારને પણ ટપી જાય તો નવાઈ નહીં!

સુરતની ખાસિયત હતી કે ગાળાગાળીથી પતાવશે પણ મારામારી નહીં કરશે. આજે એની જગ્યાએ વાતેવાતે ચપ્પુ છરી ઉછળતાં દેખાઈ રહ્યાં છે. ગુજરાતમાં ચોરી, લૂંટફાટ, બળાત્કાર, હત્યા, છેતરપિંડી છેલ્લે બાકી હતું તે ડ્રગ્સ જેવા કોઈ પણ દૂષણ બાકી નહીં હોય જેનાથી ગુજરાત મુક્ત રહ્યું હોય. ગુજરાતને બચાવવું હોય તો પરપ્રાંતમાંથી આવતા અસામાજિક તત્ત્વોને સખ્તાઈથી અટકાવવાં પડશે. કેટલાક ઇસ્લામિક રાષ્ટ્રમાં ડ્રગ્સ પકડાય તો મૃત્યુદંડની સજા હોય છે તો આપણે ત્યાં પણ ડ્રગ્સ ઘુસાડનારાઓ માટે મૃત્યુદંડની જોગવાઈ કેમ નહીં? ગુનેગારો એટલા માટે બેફામ બન્યાં છે કારણકે સજાનો ખોફ નથી. લો એન્ડ ઓર્ડરની સ્થિતિ તળિયે ગઈ છે એટલે ગુનાઓ સપાટી પર દેખાઈ રહ્યા છે. ગુજરાતમાંથી સ્ત્રીઓના ગુમ થવાના આંકડાઓ પણ ચોંકાવનારા છે.
સુરત     – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top