Columns

અપરાધ કબૂલાતની કઇ રીત વધુ સારી ?નાર્કો ટેસ્ટ કે માર મારી કબૂલાવવું?

પોલીસને જયારે કોઇ જઘન્ય કે ચકચારી ગુનામાં સામેલ ગુનેગારો અને ગુનાની વિગતોની કડીઓ મળતી ન હોય ત્યારે પોલીસ પોલીગ્રાફ ટેસ્ટની મદદ લે છે. આ ટેસ્ટને ખોટી રીતે ‘લાઈ ડિટેકટર ટેસ્ટ’ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. આ ટેસ્ટ યોજવા પાછળ કોઇ પાકું વિજ્ઞાન નથી. દરેક કેસમાં આ ટેસ્ટ સફળ થતી નથી. છતાં અમુક કેસમાં તે મદદગાર પુરવાર થાય છે. તે પાકાં પરિણામો આપતી ન હોવાથી આવા ટેસ્ટને અમુક વિજ્ઞાનીઓ જંક ટેસ્ટ પણ ગણાવે છે. છતાં પોલીસ તેની મદદ લે છે અને ઘણા કિસ્સાઓમાં ન્યાયતંત્ર આવા ટેસ્ટ યોજવાની મંજૂરી પણ આપે છે. ઘણી વખત ટેસ્ટ બાબતમાં ન્યાયમૂર્તિઓનું પોતાનું જ્ઞાન કે પોતાનું અજ્ઞાન પણ તેના પર અસર પાડે છે.
હમણાં કોલકોતામાં આર. જી. કર મેડિકલ કોલેજની છાત્રા પર બળાત્કાર કરવામાં આવ્યો એની હત્યા કરવામાં આવી. આ ઘટનાએ માત્ર રાષ્ટ્રનાં લોકોનું ધ્યાન ખેંચ્યું નથી, આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ તેની વ્યાપક નોંધ લેવાઈ. ખાસ કરીને તબીબોએ લાંબા સમય માટે ધરણાંઓ દીધા. કેસ CBIને પણ સોંપાયો છે અને જેટલાં મોઢાં એટલી વાતો થઇ રહી છે. આમાં રાજનીતિનો રંગ પણ ચડ્યો છે, પ. બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી વિવાદોમાં ઘેરાઈ ગયાં છે. ત્યારે CBI પર કેસની યોગ્ય તપાસ કરી, ગુનેગારોને ગુનેગાર પુરવાર કરી સજા આપવા માટેનું દેશભરમાંથી પ્રચંડ દબાણ થઇ રહ્યું છે. ઘણી વિગતો બહાર આવી છે છતાં CBI માને છે કે બધી જ વિગતો બહાર આવી નથી. આરોપીઓ ઘણી બાબતો છુપાવી રહ્યા છે. એ બાબતો બહાર કઢાવવા માટે CBI દ્વારા આરોપીઓનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. કુલ સાત આરોપીઓ પર ગઈ 26 ઓગસ્ટના રોજ પોલીગ્રાફ ટેસ્ટનો બીજો રાઉન્ડ પૂરો કરવામાં આવ્યો હતો. હવે અહીં સવાલ એ છે કે આ ટેસ્ટ કેટલા આધારભૂત ગણી શકાય? જો તે એટલા આધારભૂત ન હોય, અમુક કિસ્સાઓમાં અદાલતો પોલીગ્રાફ ટેસ્ટનાં પરિણામોને આધારભૂત પુરવાર ન ગણતી હોય તો તે શા માટે કરાવવામાં આવે છે?
આર. જી. કર મેડિકલ કોલેજ હોસ્પિટલના પ્રિન્સિપાલ સંદીપ કુમાર ઘોષ અને હત્યા-બળાત્કારનો ભોગ બનેલી કોલેજછાત્રા સાથે મળીને ઘોષ અને બીજા ચાર તબીબોએ અમુક કલાક અગાઉ ભોજન લીધું હતું. તેઓ, તે ઉપરાંત મુખ્ય આરોપી સંજય રોય સહિત સાત આરોપીઓનો CBIએ પોલીગ્રાફ ટેસ્ટ લીધો છે. સંજય રોયની સાથે બીજા એક પોલીસ નાગરિક સહાયક હતો તેને પણ ટેસ્ટમાં આવરી લીધો છે. સંજય રોય પોતે પોલીસ-સિવિક વોલંટીઅરનું કામ કરતો હતો. આ સંજય દયારહિત તદ્દન નિષ્ઠુર અને કામાંધ છે એવો એના પર આરોપ છે. બન્ને પોલીસ સહાયકો ડૉકટરની હત્યા અગાઉ રેડ લાઈટ એરિયામાં ગયા હતા.
જેનો પોલીગ્રાફ ટેસ્ટ લેવામાં આવતો હોય તે વ્યક્તિનાં શરીરો સાથે અમુક યંત્રોના વાયરો અથવા સેન્સરો ગોઠવી દેવામાં આવે છે. પોલીગ્રાફ ટેસ્ટ ખાસ તો પૂછપરછ (ઇન્ટરોગેશન) માટે ઉપયોગી થાય છે. અગાઉ પોલીસ થર્ડ ડિગ્રી વાપરીને સત્ય ઓકાવતી હતી પણ જે કેસ હાઈપ્રોફાઈલ બની જાય તેમાં બન્ને પક્ષો દ્વારા નિગરાની રાખનારા લોકો, સંસ્થાઓ, રાજકીય દખો હોય છે અને તેઓ એમ કહીને વાંધો ઉઠાવે છે કે આરોપીને માર મારીને તેની પાસે ખોટી વિગતો કબૂલ કરાવવામાં આવી છે. આથી હાઈ પ્રોફાઈલ કેસમાં પોલીસ કે CBI વગેરે થર્ડ ડિગ્રીનો આશરો લેતા નથી પરંતુ પોલીગ્રાફિક ટેસ્ટમાં આરોપી કબૂલ કરે કે એણે હત્યા કરીને પિસ્તોલ કે શસ્ત્ર કયાં છુપાવ્યું છે અને એ જગ્યાએ તપાસ કરવાથી એ શસ્ત્ર મળે તો તે પૂરતો પોલીગ્રાફ ટેસ્ટ સફળ ગણાય. નિઠારીના માનવભક્ષી હત્યારાએ પોલીગ્રાફ ટેસ્ટમાં ઘણી બાબતો કબૂલ કરી હતી જે પાછળથી સત્ય પુરવાર થઇ હતી. અમેરિકાની પોલીસ પણ પોલીગ્રાફ ટેસ્ટની મદદ લે છે. ખાસ કરીને આરોપીને પૂછતાછ કરીને અમુક સત્યો કે રહસ્યો બહાર કઢાવવામાં આ ટેસ્ટ મદદરૂપ થાય છે તેથી ગુનેગારને પકડી પાડવામાં અને કેસનો ઝડપી ઉકેલ લાવવામાં તે મદદરૂપ બને છે. જો કે નકલી સ્ટેમ્પ પેપર ગોટાળાના મુખ્ય આરોપી અબ્દુલ કરીમ તેલગીએ પોલીગ્રાફ ટેસ્ટમાં આ કૌભાંડમાં સંડોવાયેલાં મહારાષ્ટ્રના રાજકારણનાં મોટાં માથાંઓનાં નામ આપ્યાં હતાં. કહે છે કે એ નામો રાજકારણીઓની વગને કારણે દબાવી દેવામાં આવ્યાં હતાં અને બહાર પડાયાં ન હતાં. પોલીગ્રાફ ટેસ્ટ સાચો હોય પણ દાનત ખોટી હોય તો શું થાય?
આ પોલીગ્રાફ ટેસ્ટને વિજ્ઞાન અને ટેકનોલોજીની ભાષામાં ડિસેપ્શન ડિટેક્શન ટેસ્ટસ (DDT) કહે છે. આરોપી કે શકમંદના શરીર પર સેન્સરો ગોઠવ્યા બાદ એને સવાલો પૂછવામાં આવે છે. સવાલજવાબ દરમિયાન એ કંઈ છુપાવતો હોય તો એના હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, શરીર પરનો પરસેવો અને મગજમાંની પ્રવૃત્તિઓમાં ફેરફારો જોવા મળે છે. તેના આધારે તપાસકર્તા માને છે કે શકમંદ જૂઠું બોલી રહ્યો છે અથવા છેતરી રહ્યો છે. માત્ર શરીર પર સેન્સરો ગોઠવીને જ પૂછપરછ કે તપાસ થતી નથી. આ ટેસ્ટમાં નાર્કોએનાલિસીસનો પણ સમાવેશ કરવામાં આવે છે. શરીર પર પરસેવો વધી જાય તો તેને ‘ગાલ્વેનિક સ્કીન રિસ્પોન્સ’ કહે છે. દરેક સવાલોના જવાબનું આંકડાકીય મૂલ્ય અગાઉથી નક્કી કરેલું હોય છે. જેમ કે કોઈને દુખાવા સાથે હૃદયરોગનો હુમલો આવે ત્યારે દર્દીને ડૉક્ટર પૂછતા હોય છે કે શૂન્ય દુખાવો અને સૌથી ખૂબ દુખાવા વચ્ચે શૂન્યથી દસની તીવ્રતા ક્રમ અપાય તો તમને દુખાવો થાય છે તેને તમે (દર્દી) કેટલો ક્રમ આપશો? જો કોઈને મધ્યમ દુખાવો થતો હશે તો પાંચનો, અતિ થતો હશે તો સાત, આઠ વગેરેમાંથી કોઈ એક ક્રમ આવશે. આ ધારણા પરફેક્ટ ન હોય પણ હૃદયરોગના હુમલાની તીવ્રતા જાણવા માટે જરૂરી હોય છે. આવું પોલીગ્રાફ ટેસ્ટના સેન્સરો પોતાની રીતે દર્દીના શારીરિક પ્રતિભાવોને ક્રમ આપે છે અને નક્કી કરે છે કે દર્દી છેતરી રહ્યો છે કે કેમ? જો કે આજકાલના કેટલાક રીઢા ગુનેગારો પોતાની જાતને અને શરીરને એવા તૈયાર કરે છે કે પોલીગ્રાફ ટેસ્ટ પણ થાપ ખાઈ જાય.
પોલીગ્રાફ ટેસ્ટ કરતાં નાર્કો-એનાલિસિસ ટેસ્ટ વધુ મદદરૂપ નીવડે છે. આરોપીના શરીરમાં સોડિયમ પેન્ટોથાલનું એક ઈન્જેકશન આપવામાં આવે છે જેની અસરથી આરોપીના માનસમાં મદહોશી છવાઈ જાય છે. જાણે કે એને હિપ્નોટાઈઝ કરવામાં આવ્યો હોય! એને કોઈ ડર, કોઈ શરમ કે ચિંતા મહેસૂસ થતાં નથી. આ કારણથી તે સઘળી હકીકતો બિનધાસ્ત રીતે બોલી નાખે છે. જો કે આ એક ધારણા છે. શરીરમાં પ્રવેશેલી દવાને કારણે ખોટું બોલવાની આરોપીની ઈચ્છા કે નિર્ણયશક્તિ ઘટી જાય છે.
આ સોડિયમ પેન્ટોથાલના ઈન્જેકશનોને અથવા દવાને આ કારણથી ‘ટ્રુથ સિરમ’ તરીકે ઓળખવામાં આવે છે.
પોલીગ્રાફ ટેસ્ટ, નાર્કો ટેસ્ટ એ બે ઉપરાંત ત્રીજી ટેસ્ટ છે તે બ્રેન મેપિંગ છે. આરોપીનાં માથાં, ગળા અને ચહેરા પર વાયરો સાથે જોડાયેલાં ઈલેક્ટ્રોડ્સ બેસાડવામાં આવે છે. તેના થકી આરોપીના મગજમાં ચાલતા વિચારો અને પ્રવૃત્તિઓના વેવ્ઝ અથવા તરંગોને કોમ્પ્યુટર સ્ક્રીન પર જોઈ શકાય છે. આરોપીને કોઈ વિગત વિષે પૂછવામાં આવે, કોઈની તસવીર બતાવવામાં આવે અથવા કોઈકનો અવાજ સંભળાવવામાં આવે ત્યારે આરોપીના મગજમાં તરંગોની અને પ્રવૃત્તિઓની અલગ પેટર્ન રચાતી હોય છે અને તેના પરથી નક્કી કરવામાં આવે છે કે છેતરી રહ્યો છે કે સાચું બોલી રહ્યો છે!
આ બધા ટેસ્ટ અખબારો અને પોલીસ તપાસકર્તાઓ માટે જેટલા મહત્ત્વના છે, એટલી શ્રદ્ધા વિજ્ઞાનને તેમાં નથી. જો કે અમુક ગુનાઓનાં પગેરાં મેળવવામાં પોલીસને તેના થકી સફળતાઓ મળી છે તેથી સાવ નિરર્થક છે એવું પણ નથી. 2006ના એક કેસમાં કેરળ હાઈકોર્ટે નોંધ્યું હતું કે, આજના સમયમાં ગુનાઓ આચરવાની રીતો પણ આધુનિક અને સોફિસ્ટિકેટેડ બની ગઈ છે. આથી તે ગુનાઓનું ઈન્વેસ્ટિગેશન કરવા માટે અદ્યતન, આધુનિક રીતો અને સાધનોનો આશરો લેવામાં આવે તે જરૂરી બની ગયું છે. જ્યારે નિષ્ણાતોની હાજરીમાં આ પ્રકારની ટેસ્ટ યોજવામાં આવે તો તેનો અર્થ એ થતો નથી કે ભારતીય નાગરિકને અપાયેલા મૂળભૂત, પાયાના અધિકારોનું ખંડન થઈ રહ્યું છે. આ કેરળની વડી અદાલતનો અભિપ્રાય અથવા ચુકાદો હતો. વરસ 2008માં દિલ્હીની વડી અદાલતે પણ કેરળ વડી અદાલતના સૂર જેવો જ સૂર વ્યક્ત કર્યો હતો. અદાલતે કહ્યું હતું કે વ્યક્તિના મૂળભૂત અધિકારોની બાબત ધ્યાનમાં રાખીએ ત્યારે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ગુનાઓની સંપૂર્ણ અને સાચી તપાસ પણ અનિવાર્ય છે. આ તપાસ દરમિયાન એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે વ્યક્તિના મૂળભૂત અધિકારોનો ભંગ થતો નથી. અમુક અદાલતોએ ચુકાદા આપ્યા છે કે વ્યક્તિને પોલીગ્રાફિક કે નાર્કો ટેસ્ટ કે બ્રેન મેપિંગ માટે ફરજ પાડી શકાય નહીં પરંતુ તે સામે અમુક અદાલતો માને છે કે આરોપીની સામે થર્ડ ડિગ્રી વાપરીને, માર મારીને સત્ય ઓકાવવાના બદલે આ સાયન્ટિફિક અને નિર્દોષ પદ્ધતિઓ વધુ બહેતર છે.
આગળ લખ્યું છે તેમ આ બધા ટેસ્ટ બાબતમાં ન્યાયમૂર્તિઓ પ્રમાણે, એમના વિચારો મુજબ ચુકાદાઓ બદલાતાં રહે છે ત્યાં સુધી કે વરસ 2010માં સર્વોચ્ચ અદાલતે એક ચુકાદો આપ્યો હતો કે આરોપીની સહમતિ ન હોય તો એના પર લાઈ ડિટેકટર ટેસ્ટ અજમાવી શકાય નહીં. અદાલતના કહેવા પ્રમાણે બંધારણની કલમ 20 (3) મુજબ વ્યક્તિને પોતે પોતાને દોષિત ઠરાવવામાંથી મુક્તિ મળે છે. સુપ્રીમ અદાલતના ન્યાયમૂર્તિઓનું કહેવું હતું કે વ્યક્તિએ મૌન રહેવું કે કોઇ પણ બાબત બોલવી, જાહેર કરવી તે એનો રાઈટ ટુ પ્રાઈવસી અથવા ગુપ્તતાનો અધિકાર છે. વ્યક્તિને (આરોપીને) કશું બોલવાની, નિવેદન કરવાની ફરજ પાડવી એ બંધારણની કલમ 21 દ્વારા નાગરિકને અપાયેલા અધિકારનો ભંગ છે.
આ રીતે DDTની તરફેણમાં અને વિરોધમાં અનેક દલીલો અને અભિપ્રાયો છે અને તેની અસરકારકતા અને લોકપ્રિયતા ઘટી રહી છે છતાં દુનિયાની તપાસ એજન્સીઓમાં આ પદ્ધતિઓ લોકપ્રિય છે અને હજી ચાલી રહી છે.

Most Popular

To Top